ફ્યૂચર શૉક : જાણીતા અમેરિકન વિચારક ઍલ્વિન ટૉફલરનું બહુચર્ચિત પુસ્તક. બૅન્ટમ બુક્સ પ્રકાશનસંસ્થાએ રૅન્ડમ હાઉસ ઇનકૉર્પોરેટેડ સાથે કરેલ ગોઠવણ મુજબ જુલાઈ 1970માં તેની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ અને ત્યારપછીના માત્ર એક વર્ષમાં તેને અઢાર વાર પુનર્મુદ્રિત કરવું પડ્યું, જે તેને સાંપડેલ ત્વરિત અને વ્યાપક આવકારનું સૂચક છે. પુસ્તક રૂપે તે પ્રકાશિત થયું તે પૂર્વે તેના અંશ સળંગ લેખમાળાના રૂપમાં ‘હોરાઇઝન’, ‘રેડ બુક’ અને ‘પ્લેબૉય’ સામયિકોમાં પ્રકાશિત થયા હતા. વીસ પ્રકરણો ધરાવતા આ પુસ્તકને છ ભાગમાં વહેંચી નાખવામાં આવ્યું છે.

આ પુસ્તકનો મુખ્ય હેતુ અકલ્પિત વેગ સાથે બદલાતી જીવનવ્યવસ્થા અને જીવનશૈલીમાં જીવતી આજની અને હવે પછી જીવનારી ભવિષ્યની પેઢીઓને દ્રુત ગતિથી થઈ રહેલા સાર્વત્રિક ફેરફારોને લીધે ઉદભવતા સંભવિત આંચકાઓ (future shocks) પ્રત્યે સભાન કરવાનો અને આવનાર ભવિષ્ય સાથે અનુકૂલન સાધવામાં તેમને મદદ કરવાનો છે. માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં અત્યંત દ્રુત ગતિથી થઈ રહેલાં પરિવર્તનો સાથે સમયસર અને અસરકારક રીતે તાલ ન મિલાવી શકનાર લોકોની કે સમાજઘટકોની ભવિષ્યમાં કેવી અવદશા થવાની છે તેનું બયાન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. લેખકના મંતવ્ય મુજબ આવનાર ભવિષ્યમાં માનવજાતિને જે આંચકાઓનો સામનો કરવો પડશે તે આંચકાઓ સમાજમાં હાલ થઈ રહેલા વ્યાપક અને બહુવિધ ફેરફારોની પેદાશ હશે અને તે જૂની સંસ્કૃતિ પર નવી સંસ્કૃતિના અધ્યારોપણ(superimposition)ની પ્રક્રિયામાંથી ઊભી થવાની છે. આ પુસ્તક હાલની રોજિંદી જીવનવ્યવસ્થા અને જીવનશૈલીના પરિપ્રેક્ષ્યમાં ભવિષ્યનો વિચાર કરે છે અને આપણે આવતી કાલ તરફ કઈ રીતે કૂચ કરવાના છીએ તે અંગેની લેખકની ચિંતાઓ વ્યક્ત કરે છે, મિત્રતા અને કૌટુંબિક જીવનના ભવિષ્યની બારીકાઈથી તપાસ કરે છે તથા અપરિચિત અને વિલક્ષણ એવી પેટાસંસ્કૃતિઓના ઊંડાણમાં જઈ તેની સંભવિત અસરો પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કરે છે, આ પુસ્તક પોતાના વિશ્લેષણના દાયરામાં રાજકારણ અને રમતનાં મેદાનોથી માંડી કામવાસના સુધીની, માનવજીવનને સ્પર્શતી વિવિધ બાબતોના વિશાળ ફલકને આવરી લે છે અને આ બધાંનું વર્તમાન અને ભવિષ્યના સંદર્ભમાં વિવેચન કરે છે.

આ પુસ્તકમાં પરિવર્તનોની માત્ર પ્રક્રિયા જ નહિ; પરંતુ તેનો દર, વેગ, તેની અસરો, તેનાં ભયસ્થાનો ઇત્યાદિની પણ વસ્તુલક્ષી ચર્ચા કરવામાં આવી છે. અત્યંત ટૂંકા સમયમાં, અત્યંત તીવ્ર વેગથી, અત્યંત વ્યાપક પ્રમાણમાં માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં જે ફેરફારો થઈ રહ્યા છે તે શું માનવજાતિ તે ઝીલી શકશે ? શું આવનાર પેઢી તેની સાથે અનુકૂલન સાધી શકશે ? – આ બાબતો અંગે પુસ્તકમાં લેખકની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. લેખકનું મંતવ્ય છે કે માનવજીવનમાં જે વેગ કે ગતિથી ફેરફારો થઈ રહ્યા છે તે માત્ર વૈયક્તિક જ નહિ, પરંતુ મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિમાણો પણ ધરાવે છે અને જો આ ફેરફારોના વેગ પર સમયસર અંકુશ મૂકવામાં નહિ આવે તો માનવજીવન અસ્તવ્યસ્ત થઈ જશે. પુસ્તકનાં જુદાં જુદાં પ્રકરણોમાં લેખક આ પરિવર્તનોની ગતિના કેટલાક દાખલાઓ આપે છે, જે અચંબો પેદા કરનારા છે; દા.ત., 1850માં દસ લાખ અથવા તેનાથી વધારે વસ્તી ધરાવતાં નગરોની સંખ્યા સમગ્ર વિશ્વમાં માત્ર 4 હતી, જે 1900માં 19 અને 1960માં 141 થઈ. 1910–39 સુધીના ત્રણ દાયકા દરમિયાન ફ્રાન્સમાં ઔદ્યોગિક વૃદ્ધિનો સરેરાશ દર 5% હતો જે 1948–65 દરમિયાન આશરે 220% સુધી પહોંચ્યો. ઈ. પૂ. 6000માં સૌથી ઝડપી વાહનની ગતિ આશરે 13 કિમી. પ્રતિ કલાક હતી. ઈ. સ. 1600માં ચાર પૈડાંવાળા રથનો ઉપયોગ થયો જેની ગતિ 32 કિમી. પ્રતિ કલાક હતી. 1784માં ઇંગ્લૅન્ડમાં વપરાતી ટપાલગાડી (mail coach) 16 કિમી. પ્રતિ કલાકની ગતિથી દોડતી હતી. 1825માં વરાળ-ઊર્જા પર દોડતા ચાલક યંત્રની કલાકદીઠ ગતિ આશરે 21 કિમી. હતી. 1880ના રેલવે-એન્જિને 160 કિમી. પ્રતિ કલાક જેટલી ગતિ હાંસલ કરી. 1938માં વિમાનમાં સવારી કરનાર માણસ 640 કિમી. પ્રતિ કલાકની ઝડપથી ઊડવા લાગ્યો તો 1960માં રૉકેટ વિમાને 6,240 કિમી. પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરી. અવકાશયાનમાં પ્રવાસ કરનાર માનવ કલાકના 27,180 કિમી.ની ગતિથી પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. લગભગ દરરોજ વિજ્ઞાનક્ષેત્રે ઓછામાં ઓછી એક શોધ તો થાય છે જ.

ઈ. સ. 1500 પૂર્વે વિશ્વમાં દર વર્ષે આશરે 1,000 પુસ્તકો પ્રકાશિત થતાં હતાં જ્યારે 1950માં માત્ર યુરોપમાં પ્રતિવર્ષ 1,20,000 પુસ્તકો પ્રકાશિત થવા લાગ્યાં. વીસમી સદીના સાતમા દાયકાના મધ્યમાં આ સંખ્યા પ્રતિદિન 1,000 પુસ્તકો જેટલી થઈ. અન્ય ક્ષેત્રોમાં થતા ઝડપી ફેરફારોના દાખલા પણ પુસ્તકમાંથી ટાંકી શકાય; પરંતુ લેખકનો મૂળ મુદ્દો એ છે કે આ ઝડપી પરિવર્તનોની પર્યાવરણીય અસરો ઝીલવા જેટલી ક્ષમતા માણસ હાંસલ કરી શકશે ?

લેખક એવું પણ માને  છે કે આ ફેરફારો સાથે અનુકૂલન સાધવા માટે માણસને ઉપયુક્ત હોય તેવા ‘અનુકૂલન સિદ્ધાંત’ની જરૂર છે, જે અત્યાર સુધી તારવવામાં આવ્યો ન હતો અને તેથી જ ‘ભવિષ્યના આંચકા’ માનવજાતિ માટે અત્યંત કપરા સાબિત થશે તેવી લેખકના મનમાં દહેશત છે. આ ક્ષતિ દૂર કરવા માટે લેખકે આ પુસ્તક દ્વારા એક નવા પણ વ્યાપક ‘અનુકૂલન સિદ્ધાંત’(theory of adaptation)ની હિમાયત કરી છે. લેખક સૂચવે છે કે હાલના અતિ-ઔદ્યોગિક ક્રાંતિ(superindustrial revolution)ના ગાળામાં આભાસી સંતુલન પણ જો જાળવી રાખવું હોય તો પરિવર્તનોને નિયંત્રણમાં રાખી શકે તેવા નવા વ્યક્તિગત અને સામાજિક નિયંત્રકોની રૂપરેખા તૈયાર કરવી પડશે અને તેનો નિષ્ઠાથી ઉપયોગ કરવો પડશે. સમયનો તકાજો તો એ છે કે માનવજાતિને આંધળું અનુકરણ પણ પોસાય નહિ અને આંધળો વિરોધ પણ નહિ; પરંતુ તેની જગ્યાએ સર્જનાત્મક અને વિધાયક અભિગમ અને વ્યૂહરચનાઓ શોધવી પડશે. માનવજીવનને સરખી ગતિ દ્વારા ચલાવવું હોય અને જો તે પ્રકારના ગતિક્રમ દ્વારા તેનું આયોજન કરવું હોય તો તે માટે નવા સિદ્ધાંતો ઘડવા પડશે, જે શિક્ષણ પ્રત્યેના નવા અભિગમ દ્વારા જ તારવી શકાશે. તેવી જ રીતે આવનાર પરિવર્તનો સાથે તાલ મિલાવવા માટે નવા પ્રવિધિ-વિજ્ઞાનનો આવિષ્કાર કરવો પડશે, અભિનવ સંસ્થાગત માળખાં અને સંગઠનો રચવાં પડશે અને સાર્વત્રિક સંતુલન જાળવી રાખી શકે તેવાં ચક્રો બનાવવાં પડશે. આપણી આજની મુખ્ય સમસ્યા પરિવર્તનોને અટકાવવાની નથી (તે માણસોથી અટકાવી શકાય એમ છે પણ નહિ), પરંતુ તેનું ઉચિત સમાયોજન કરવાની છે. માનવજીવનનાં અમુક ક્ષેત્રોમાં જો ઝડપી પરિવર્તનો આવકારવા જેવાં લાગતાં હોય તો તે સ્વીકારીને બીજાં ક્ષેત્રોમાં સ્થિરતા હાંસલ કરવાના પ્રયાસ થવા જોઈએ અને તે માટે ભવિષ્યના સંદર્ભમાં આમૂલ પરિવર્તનલક્ષી અને મૌલિક ગણાય તેવી ભૂમિકા તૈયાર કરવાની રહેશે. આ છે સંક્ષેપમાં ઍલ્વિન ટૉફલરનો અનુકૂલન સિદ્ધાંત.

આ જ લેખકનું ‘ધ થર્ડ વેવ’ (1980) શીર્ષક હેઠળનું પુસ્તક પણ બહુચર્ચિત નીવડ્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે