ફ્યૂચરિસ્ટિક કલા : ઇટાલિયન કવિ અને વિચારક ફિલિપ્પો ટૉમ્માસો મારિનેટીના મગજમાં 1908માં ઉદભવેલ ફ્યૂચરિઝમના ખ્યાલ પર આધારિત ઇટાલિયન શિલ્પકારો અને ચિત્રકારોની કલા.

આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિની નિજી કલાની રચના કરવાની મારિનેટીની નેમ હતી. 1909, 1910 તથા 1911માં બહાર પાડેલા ઢંઢેરાઓમાં મારિનેટીએ પ્રાચીન કે અન્ય કોઈ પણ પ્રણાલીના કલા-વારસા સામે બળવો પોકાર્યો અને પુસ્તકાલયો, મ્યુઝિયમ, પ્રાચીન ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, સંસ્થાઓ, અકાદમીઓને – એમ સમગ્ર કલાવારસાને નષ્ટ કરવાની તેમાં માંગણી કરી. યુદ્ધ, આધુનિક વાહનોની ગતિ તથા આધુનિક તંત્રવિદ્યાની શક્તિઓનાં તેમાં ગુણગાન ગાવામાં આવ્યાં હતાં. ‘અનંત ગતિથી ધસી આવતી મોટરકાર, વિક્ટરી ઑવ્ સામોથ્રેસ (એક પ્રશિષ્ટ ગ્રીક શિલ્પ) કરતાં અધિક સુંદર છે’ – એ પ્રકારનાં વાક્યો તે ઢંઢેરામાં હતાં. બધા જ પ્રકારના પ્રાચીન વારસાને નષ્ટ કરી ઔદ્યોગિક સમાજને અનુરૂપ નવીન કલાનું સર્જન કરવાની નેમ આ ઢંઢેરાઓમાં સ્પષ્ટ થઈ હતી. મ્યુઝિયમોને પ્રાચીન કલાકૃતિઓની કબર ગણવામાં આવ્યાં. હકીકતમાં આ ઢંઢેરા મારિનેટીના ઝળહળતા અને પ્રબળ વ્યક્તિત્વના પ્રતિબિંબરૂપ હતા. ઓગણીસમી સદીના અંતમાં ઇટાલીના જાહેર જીવનમાં થયેલ મૂલ્યોનો હ્રાસ તેની આવી જોશીલી પ્રતિક્રિયાનું કારણ હતો. મારિનેટી હેન્રી બર્ગ્સાં તથા ફ્રીડરિખ નીત્શેની ફિલસૂફીથી પ્રભાવિત થયો હતો. સમાજના પ્રતિષ્ઠિત અને ધનસંપન્ન લોકો સામે તેનો રોષ જાણીતો હતો.

1909માં જિયાકોમો બાલા, અમ્બર્તો બોચિયોની, કાર્લો કારા લુઇજી રુસોલો અને જિનો સેવેરિનીએ મારિનેટીની દોરવણી હેઠળ ચિત્રોનું સર્જન શરૂ કર્યું.

પ્રભાવવાદી અને ઘનવાદી ચિત્રશૈલીઓના જાણકાર આ ચિત્રકારોની નેમ ધસમસતી ટ્રેન કે મોટરકારને એ રીતે નિરૂપવાની હતી કે સ્થિર ચિત્રમાં ધસમસતો અને હિંસક આવેગ દર્શક અનુભવી શકે. થીજી ગયેલી ક્ષણના ર્દશ્યને ચીતરવા સામે તેમનો તીવ્ર વિરોધ હતો. બાલાએ દોડતા કૂતરાના ચિત્રમાં કૂતરાના ચારે પગની દોડતી વખતે થતી વિવિધ વળાંકોવાળી બધી જ મુદ્રાઓ આલેખી છે અને કૂતરું ખરેખર દોડે છે તેની દર્શકને સચોટ પ્રતીતિ કરાવી છે. બોચિયોનીએ ચિત્ર ઉપરાંત શિલ્પમાં પણ ગતિમયતાનું આલેખન કરી બતાવ્યું. તેના શિલ્પ ‘યૂનીક ફૉર્મ્સ ઑવ્ કન્ટિન્યૂઇટી ઇન સ્પેસ’માં ચાલતા માનવની ગતિનું આલેખન છે.

1911માં ફ્યૂચરિસ્ટિક કલાકારોએ પ્રથમ પ્રદર્શન ઇટાલીના મિલાન નગરમાં ભર્યું. તે સફળ થયું અને લોકો તથા વિવેચકોએ તેને આવકાર આપ્યો. આ પછી તેમણે 1912માં પૅરિસમાં પ્રદર્શન કર્યું અને તરત ફ્યૂચરિસ્ટિક કલાને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા તથા ખ્યાતિ મળી ગઈ. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતાં મારિનેટી તથા આ કલાકારો જુસ્સામાં આવીને યુદ્ધને બિરદાવવા લાગ્યા, જેનો ફાસીવાદી શાસકોએ પૂરો ફાયદો ઉઠાવ્યો. આ કલાકારોએ ફાસીવાદી પ્રચારમાં પણ નિજી કલા દ્વારા ફાળો આપ્યો. પ્રથમ વિશ્વયુદ્ધના અંત સાથે કલાક્ષેત્રની આ ચળવળનો અંત આવ્યો.

અમિતાભ મડિયા