ફ્યુજિયામા : જાપાનનો અતિ પવિત્ર મનાતો 3,776 મીટરની ઊંચાઈ ધરાવતો જ્વાળામુખી પર્વત. તે ટોકિયોથી નૈર્ઋત્યમાં 120 કિમી. દૂર હૉન્શુના ટાપુ પર આવેલો છે. જાપાનીઓ તેને ફ્યુજિ, ફ્યુજિયામા અથવા ફ્યુજિ-સાન જેવાં જુદાં જુદાં નામથી ઓળખે છે. તે જાપાની સમુદ્રથી પૅસિફિક મહાસાગર સુધીની લાંબી, અવરોધોવાળી, હૉન્શુને ભેદીને જતી હારમાળાનો એક ભાગ બની રહ્યો છે. આજુબાજુના સરોવરોવાળા મેદાની વિસ્તાર પરથી ફ્યુજિયામા એકાકી પૂર્ણ શંકુરૂપે તેની ભવ્યતાનાં દર્શન કરાવે છે. તેના ઢોળાવો સમથળ છે અને લંબાઈમાં પથરાયેલા છે, તેના શિખરભાગો વાદળોથી ઢંકાયેલા રહે છે. તેની ટોચ પર રચાયેલા નિષ્ક્રિય જ્વાળામુખની ઉપરની કિનારીનો વ્યાસ 600 મીટરનો દીર્ઘવર્તુળાકાર છે, જ્યારે તેના તળભાગનો વ્યાસ 70 મીટરનો છે. ફ્યુજિયામાનાં પાસપાસે રહેલાં આઠ શિખરો પૈકીના કેન્ગામીન શિખરની ઊંચામાં ઊંચી કિનારીથી આ જ્વાળામુખનો નીચેનો તળભાગ 223 મીટરની ઊંડાઈએ આવેલો છે. તેની તળેટીનો પરિઘ આશરે 101 કિમી. જેટલો છે, જેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 45 કિમી. અને પૂર્વ-પશ્ચિમ લંબાઈ 31 કિમી. જેટલી થાય છે. આજે આ જ્વાળામુખી સુષુપ્ત ગણાય છે, તેનું છેલ્લામાં છેલ્લું વિનાશકારી પ્રસ્ફુટન 1707માં થયેલું. તે અગાઉનાં પ્રસ્ફુટનોમાં નીકળેલા લાવાપ્રવાહો ત્યાંથી લગભગ 24 કિમી. દૂર આવેલી ગ્રૅનાઇટની ટેકરીઓ સુધી પહોંચેલા; સમુદ્રસપાટીથી 610થી 970 મીટરની ઊંચાઈએ રહેલાં, અન્યોન્ય જોડાયેલાં પાંચ સરોવરોના તળભાગ આ લાવાપ્રવાહોથી બનેલા છે. ભૂસ્તરશાસ્ત્રીઓના માનવા મુજબ ફ્યુજિયામા તૃતીય જીવયુગમાં બનેલો છે, ચતુર્થ જીવયુગમાં પણ તેમાંથી વિપુલ પ્રમાણમાં લાવા નીકળેલો છે અને આજે દેખાતો તેનો શંકુ-આકાર તૈયાર થયેલો છે. આસપાસનો બાહ્ય પોપડો પણ આ લાવાથી બનેલો છે.

ખરબચડાં શિખરોથી બનેલો ફ્યુજિયામા સમૂહ કારાફુટો પર્વતરચના (સખાલીન) અને કુલ લુન પર્વતરચના વચ્ચે સ્તંભની માફક અડીખમ ઊભો છે. શિઝુઓકા સ્થાનેથી પર્વતરૂપે દક્ષિણમાં તેનો પ્રારંભ થાય છે અને ઉત્તર તરફ ગીફુ અને ટોયોમાનાં ઊંચાં શિખરોમાં તે પૂરો થાય છે. ફ્યુજિયામાની આસપાસ 370 મીટરના અંતર સુધી ખેડેલાં ખેતરો, ત્યાંથી 1220 મીટરના અંતર સુધી વાંસ-ઘાસ અને ટૂંકાં વૃક્ષો અને તે પછીથી 1830 મીટરના અંતર સુધી પાઇનનાં તેમજ અન્ય વૃક્ષોનાં જંગલો જોવા મળે છે. આ વૃક્ષોની વચ્ચે વચ્ચે જાતજાતનાં છોડ અને ફૂલો ઊગી નીકળે છે. ફ્યુજિયામાની 1830 મીટરની ઊંચાઈ પસાર કર્યા પછી ઉપર તરફ ભસ્મ-શંકુઓ, તૂટેલા, અણિયાળા લાવાના વિભાગો આવેલા છે. શિયાળામાં તે હિમાચ્છાદિત બની રહે છે, પરંતુ ઉનાળામાં બરફ પીગળે છે, ત્યારે પણ શિખર-ભાગો પર બરફ જામેલો રહે છે.

ફ્યુજિયામા

‘ફ્યુજિ’ શબ્દને અગ્નિ(fire) સાથે સંબંધ હોવાનું મનાય છે, જાપાનીઓ તેને અતિ પવિત્ર માને છે, જાપાની કલા અને પદ્ય-સાહિત્યમાં તેને મહત્વનું સ્થાન મળેલું  છે. બુદ્ધધર્મીઓ માટે તે પૂજનીય ગણાય છે અને તેનું ધાર્મિક મહત્વ ઘણું છે. તેની ટોચ સુધી પહોંચવા માટેનો ટૂંકામાં ટૂંકો અને સીધો માર્ગ ગોતેમ્બા સ્ટેશનેથી 21 કિમી.નો છે. દર વર્ષે નહિ નહિ તો 50,000 યાત્રિકો તેના દર્શનાર્થે જાય છે. માર્ગમાં વચ્ચે આરામગૃહો અને મનોરંજન માટેની આખું વર્ષ સેવા આપતી સુવિધાઓ છે. આ ઉપરાંત તેના શિખર નજીક હવામાન-મથક પણ સ્થાપેલું છે, જ્યાંથી હવામાનના વરતારા બહાર પાડવામાં આવે છે.

ગિરીશભાઈ પંડ્યા