ફ્યુઇજી (જ. 6 ઑગસ્ટ 1884 સાન-સૂઇક્યો, જાપાન; અ. ?) : ગાંધી વિચારસરણી અને અહિંસક રીતરસમને વરેલા જાપાનના સર્વોદય નેતા. જાપાનના ગાંધી તરીકે તેઓ ઓળખાતા હતા. તેમણે શાળાજીવન દરમિયાન ખેતીવાડીનું શિક્ષણ મેળવ્યું અને પછીથી ધાર્મિક શિક્ષણ લીધું. 18 વર્ષની ભરયુવાન વયે ધર્મકાર્યને જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કરી બૌદ્ધ ભિક્ષુ બનવાનું પસંદ કર્યું. પોતાના સંકલ્પની ર્દઢતા રૂપે તેમણે તેમનાં બંને બાવડાં પર સળગતી મીણબત્તી ચાંપી સ્વેચ્છાએ અગ્નિદીક્ષા અંગીકાર કરી. તેઓ બોધિસત્વ નિચિરેન પંથના ભિક્ષુ હતા. ધર્મજાગૃતિ, વિશ્વશાંતિ અને સાદાઈ – આ ત્રણ તેમના જીવનના મુખ્ય ઉદ્દેશો હતા. માનવની લોભવૃત્તિ તથા ધનલાલસાને રોકવાનું કામ માત્ર ધાર્મિક સંસ્કારો જ કરી શકશે એવી તેમની ર્દઢ માન્યતા હતી.
1933માં ગાંધીજીને મળવા તેઓ સેવાગ્રામ આવ્યા હતા. ભાષાના અવરોધ છતાં ગાંધીવિચાર અને તેમની કાર્યપ્રણાલીથી તેઓ ભારે પ્રભાવિત થયા હતા. તે પછીના તેમના જીવનકાળ દરમિયાન ગાંધીચીંધ્યા માર્ગનું આચરણ કરવાનો તેમણે સતત પ્રયાસ કર્યો.
1956માં જાપાનની સરકારે લશ્કરી હેતુ માટે વિમાની મથકો બાંધવાં લોકોની જમીન કબજે કરી ત્યારે તેમની પ્રેરણાથી તેની વિરુદ્ધ અહિંસક સત્યાગ્રહ ચાલ્યો, જેને પરિણામે દેશના વડાપ્રધાનને જમીન કબજે કરવાની નીતિ રદ કરવી પડી. ગાંધી પ્રભાવ હેઠળ 1957 પછી તેમણે કોઈ એક કે અમુક ધાર્મિક પંથ પ્રત્યેનો લગાવ ત્યજી દીધો. આશ્રમજીવનનો અનુભવ લેવા તેમના શિષ્યો સેવાગ્રામમાં આવતા. તેમના એક શિષ્ય અને જાપાની નાગરિક મારુયામાજીને બીજા વિશ્વયુદ્ધ (1939–45) સમયે ભારતમાં જેલમાં પૂરવામાં આવ્યા હતા અને ત્યારબાદ દેશપાર કરવામાં આવ્યા હતા. એમની યાદગીરી રૂપે અને ગાંધી-ફ્યુઇજી મૈત્રીના સંસ્મરણ રૂપે ‘નમ્યો હો રેંગે ક્યો’ એ મંત્ર ગાંધી આશ્રમની પ્રાર્થનામાં સામેલ કરવામાં આવ્યો.
તેઓ સર્વોદય-પ્રવૃત્તિથી આકર્ષાયા હતા. ભૂદાન-ગ્રામદાનની વિચારસરણીનો તેમણે જાપાનમાં પ્રચાર કર્યો. તેમણે પોતાના દેશમાં સર્વોદય સદધર્મ આશ્રમ સંસ્થા અને જાપાન-ભારત સર્વોદય મૈત્રી સંઘની સ્થાપના કરી તથા જાપાની ભાષામાં સર્વોદય માસિકનું પ્રકાશન શરૂ કર્યું.
અણુશસ્ત્રોની આંધળી દોટના તેઓ સખત વિરોધી હતા. અણુશસ્ત્રો વિરુદ્ધ અહિંસાનો પ્રસાર કરવા શ્રીલંકા, ઉત્તર ચીન, મ્યાનમાર, દક્ષિણ કોરિયા તથા યુરોપના કેટલાક દેશોનો તેમણે પ્રવાસ ખેડ્યો. 1978ના મે માસમાં અણુશસ્ત્રોની સંપૂર્ણ નાબૂદી માટે 2 કરોડથી પણ વધુ લોકોની સહીઓવાળું આવેદનપત્ર તેમણે યુનોના મહામંત્રીને સુપરત કર્યું હતું.
તેઓ 94 વર્ષની ઉંમરે પણ દેશપરદેશ ઘૂમતા રહેતા. તેઓ જાપાનમાં ખુલ્લા પગે ઢોલ વગાડતાં વગાડતાં અહિંસક ક્રાંતિની સફળતા માટે ફેરીપ્રાર્થના કરતા. વિશ્વશાંતિ અને ભાઈચારાના ધ્યેયને વરેલા આ ગુરુજી શાંતિમય પ્રવૃત્તિઓના આજીવન પુરસ્કર્તા અને પ્રચારક રહ્યા. આ માટે તેઓ ઠેર ઠેર શાંતિમંદિરો અને સ્તૂપો બંધાવતા હતા. ગાંધી શતાબ્દી વર્ષમાં રાજગીર પર્વત પર આવા એક શાંતિસ્તૂપનું સર્જન કરી તેમણે ગાંધીજીને પોતાની આગવી રીતે અંજલિ આપી છે. 1978માં ભારતના તે વખતના ઉપરાષ્ટ્રપતિ બી. ડી. જત્તીના હસ્તે તેમને નહેરુ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
રક્ષા મ. વ્યાસ