ફો દારિયો (જ. 1926 – ) : ઇટાલીના આધુનિક નાટ્યકાર, નટ, દિગ્દર્શક અને રાજકારણી. મેધાવી પ્રતિભા ધરાવનાર દારિયો ફો એકલા ઇટાલીની જ નહિ; પરંતુ વિશ્વભરની આધુનિક લોકલક્ષી રંગભૂમિને નવી દિશા આપનાર બળૂકા નાટ્યકર્મી છે. લગભગ સિત્તેરેક નાટકો લખનાર આ નટ-દિગ્દર્શક ઇટાલીની જાણીતી લોકનાટ્ય પરંપરા કૉમેદિયા દે લ આર્ટથી પ્રભાવિત હતા અને અન્યાય તથા શોષણ સામે આકરા કટાક્ષો કરતી નાટ્યપ્રવૃત્તિમાં બહુ નાની વયથી સંકળાવા માંડ્યા હતા. તે ત્યાં સુધી કે 1997નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત કરતી વખતે એના પ્રશસ્તિ-પત્રમાં એમને મધ્યયુગનાં નાટકોના ‘કૉમેડિયન’ તરીકે ઓળખાવવામાં આવેલા. સાહિત્ય સિવાય એમના વ્યક્તિત્વનાં અનેક પાસાંને લીધે ઇટાલીના શાસકવર્ગ તેમજ ધર્મસત્તા વૅટિકનની આંખમાં એ કણાની જેમ ખૂંચતા રહ્યા છે. ધર્મ અને રાજસત્તાએ એમનાં નાટકો ‘ધ ફિંગર ઇન ધ આઇ’, ‘ધે હૅડ ટૂ ગન્સ’, ‘આર્ક એજેંલ’ ટૂ ‘કોલંબસ’ની પ્રસ્તુતિ રોકવા અને તેઓ તેમજ તેમની અભિનેત્રી પત્ની ફ્રાન્કા રૉમેનાં મોં બંધ કરાવવા સતત પ્રયત્ન કર્યો છે. આ હાસ્યરસિક નાટ્યકારની ભાંડણ-લીલાની કોઈ અસર ભદ્ર પ્રેક્ષકો ઉપર થતી ન હોવા વિશે પણ એની પત્નીને હૈયે હંમેશાં બળતરા રહી છે. ગયા આઠમા-નવમા દાયકામાં તેમની મંડળીને અમેરિકામાં નાટક કરવા પ્રવેશ-મંજૂરી પણ નહોતી અપાતી. આજે વિશ્વભરમાં અને વીસેક ભાષાઓમાં એમનાં નાટકો ભજવાય છે. નટ તરીકે અડધી મિનિટના સમયમાં 3થી 4 પાત્રોમાં શરીરને ઢાળી શકે એવું કમનીય અંગસૌષ્ઠવ તેઓ ધરાવે છે. એમનાં જાણીતાં નાટકોમાં ‘ધ ઍક્સિડેન્ટલ ડેથ ઑવ્ એન એનાર્કિસ્ટ’ અને ‘કાન્ટ પે, વોન્ટ પે’ વગેરેનો સમાવેશ થાય છે. તક મળે ત્યારે એ નવા નટો અને લેખકોને તૈયાર કરવા નાટ્ય-શિબિરો યોજે છે. પત્ની ફ્રાન્કા રોમેનાંના સહકારથી એ સ્ત્રી-કેન્દ્રી નાટકો ભજવે છે. આ રંગકર્મી પર ઇટાલીની લોક-નાટ્યપ્રણાલી કોમેદિયા દેલ આર્ટ ઉપરાંત રુસી નાટ્યકાર મયકૉવ્સ્કી અને જર્મન નાટ્યવિદ બ્રર્ટોલ્ડ બ્રેખ્તનો પ્રભાવ હોવાનું વિવેચકોએ સ્વીકાર્યું છે. ‘ઍક્સિડેન્ટલ ડેથ’ નાટકમાં એક નિર્દોષ શકમંદ વ્યક્તિ પાંચમે માળેથી કૂદે છે, કારણ કે એના પર રાજકીય અરાજકતા ફેલાવવાનો આરોપ હતો. એ પછી એની જે ઊલટ-તપાસ થાય છે એને કેન્દ્રમાં રાખતું એ નાટક છે. આ તપાસમાં સત્તાભૂખનું ગાંડપણ છતું થયું છે. ‘કાન્ટ પે, વોન્ટ પે’ નાટક ભૂલોની પરંપરાની કૉમેડી છે. તો એની તાજેતરની નાટ્યકૃતિ ‘ધ ડેવિલ વિથ બૂબ્સ’માં સ્ત્રીને વળગેલા શેતાન અને એને છોડાવવા માગતા ઉત્સાહી ન્યાયાધીશની વાત છે. આમ દારિયા નટ, નાટ્યકાર અને રંગકર્મી તરીકે આજે વિશ્વની લોકલક્ષી રંગભૂમિની ઊજળી પ્રતિભા ગણાય છે.

હસમુખ બારાડી