ફોહન પવન (foehn wind) : પર્વતની નીચેની બાજુએ વાતો ગરમ અને શુષ્ક પવન. પર્વતીય વિસ્તારમાં આવેલા ઊંચાણ-નીચાણવાળા ભાગો – સ્થળર્દશ્ય (climate) દ્વારા પવનની ક્ષૈતિજ ગતિ વિક્ષિપ્ત થાય છે અને હવાને ઊંચે ચઢવા કે નીચે ઊતરવાની ફરજ પડે છે. આ ક્રિયા દરમિયાન તેના દબાણમાં ફેરફાર થાય છે, જેને કારણે તાપમાનમાં ફેરફાર થવાથી અંતે સાપેક્ષ આર્દ્રતા(relative humidity)માં ફેરફાર થતો હોય છે. ઊંચે ચઢતા પવનો વરસાદ લાવવાનું વલણ ધરાવે છે, જ્યારે નીચેની તરફ જતા પવનોને કારણે બાષ્પીભવન ઉદભવે છે. આવા પવનને ફોહન પવન કહે છે. ફોહન પવનો ગરમ, શુષ્ક, તોફાની (gusty), એવા પર્વતના ઢાળની નીચેની તરફ વાતા પવનો છે અને વાતાવરણનું હવામાન તંત્ર (atmospheric weather system) પર્વતની વાતાભિમુખ(windward) બાજુએથી પસાર થઈ રહ્યું હોય ત્યારે ઉદભવતા હોય છે. આવા ફોહન પવન પર્વતની વાત-વિમુખ (પવનની વિરુદ્ધ leeward) બાજુએ જોવા મળે છે. વાતાભિમુખ બાજુ તરફનું ચઢાણ, પવનને ઉપરની તરફ ઊંચકે છે અને ગુપ્ત ઉષ્મા મુક્ત થવાને કારણે તે ગરમ થાય છે. આમ પવન વધુ અને વધુ ગરમ બનતા હોય છે. જેવા તે ગિરિશિખર ઉપર પહોંચે છે કે આ શુષ્ક હવા નીચેની તરફ ઊતરવા લાગે છે અને વાયુદાબ તેને વધુ ગરમ બનાવે છે.
વિશ્વના જુદા જુદા ભાગોમાં આ પવન જુદા જુદા નામથી ઓળખાય છે, ઉત્તર અમેરિકાની રોકી પર્વતમાળામાં ‘ચિનૂક’ (Chinook), નામથી લિબિયામાં ‘ઘીબ્લી’ (Ghibli) અને આર્જેન્ટિનાની ઍન્ડિસ પર્વતમાળામાં ‘ઝોન્ડા’ (Zonda) તરીકે ઓળખાય છે.
આ પવનોને ભારતમાં નિહાળવા માટેનુ ઉત્તમ સ્થળ, ચોમાસાની ઋતુમાં પશ્ચિમઘાટની વાતવિમુખ બાજુ (વર્ષાછાયાની બાજુ) છે. સક્રિય વર્ષાઋતુમાં પર્વતની વાતાભિમુખ બાજુ તરફ વર્ષા હોય ત્યારે પશ્ચિમઘાટની વાતવિમુખ બાજુ તરફ ફોહન પવન ઉત્પન્ન થતા હોય છે.
ફોહન પવનને કારણે તાપમાનમાં ત્વરિત ફેરફાર થતા હોય છે. ઉદાહરણ તરીકે અમેરિકા(U.S.A.)ના મોન્ટાનામાં આવેલ ‘લ હાવ્ર’(Le Havre)માં 15 ફેબ્રુઆરી 1948ના રોજ એક ચિનૂક આવવાના કારણે એક કલાકમાં તાપમાનમાં 18°C જેટલો વધારો નોંધાયો હતો.
પ્રકાશચંદ્ર ગોવર્ધન જોશી
અનુ. એરચ મા. બલસારા