ફૉસ્ફેટ : PO43 સૂત્ર ધરાવતા ઋણાયન તથા ઑર્થોફૉસ્ફૉરિક ઍસિડમાંથી મેળવાયેલા ક્ષારો. બૃહદ અર્થમાં ફૉસ્ફેટ શબ્દ જેમાં ફૉસ્ફરસની ઉપચયન અવસ્થા +5 હોય તેવા ઍસિડમાંથી મળતા બધા આયનો અને ક્ષારો માટે વપરાય છે. આ બધા ઍસિડ P4O10માંથી મળે છે; દા.ત.,

(HPO3)n મેટાફૉસ્ફૉરિક ઍસિડ

H5P3O10 ટ્રાઇફૉસ્ફૉરિક અથવા ટ્રાઇપૉલિફૉસ્ફૉરિક ઍસિડ

H4P2O7 પાયરોફૉસ્ફૉરિક ઍસિડ

H3PO4 ઑર્થોફૉસ્ફૉરિક ઍસિડ.

બધા ઍસિડમાં અનેક વિસ્થાપનીય (replaceable) હાઇડ્રોજન હોય છે અને તે તબક્કાવાર વિસ્થાપિત થઈ શકે છે. વળી સાદા ઍસિડના બહુલકો તરીકે પણ ફૉસ્ફેટ અસ્તિત્વ ધરાવે છે. વધુ પ્રચલિત અને વપરાતા (ઑર્થો) ફૉસ્ફૉરિક ઍસિડમાંના હાઇડ્રોજનનું બેઝિક મૂલક વડે વિસ્થાપન થતાં નીચે પ્રમાણેના પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ફૉસ્ફેટ મળે છે. દા.ત.,

તૃતીયક ફૉસ્ફેટ : Na3PO4, ટ્રાઇસોડિયમ ફૉસ્ફેટ (અથવા તૃતીયક સોડિયમ ફૉસ્ફેટ અથવા સાદો (normal)

                  સોડિયમ ફૉસ્ફેટ; Ca3(PO4)2, કૅલ્શિયમ ફૉસ્ફેટ વગેરે.

દ્વિતીયક ફૉસ્ફેટ : Na2HPO4, ડાઇસોડિયમ મૉનૉહાઇડ્રોજન ફૉસ્ફેટ (અથવા ડાઇસોડિયમ ફૉસ્ફેટ અથવા દ્વિતીયક

                   સોડિયમ ફૉસ્ફેટ); K2HPO4, ડાઇપોટૅશિયમ હાઇડ્રોજન ફૉસ્ફેટ વગેરે.

પ્રાથમિક ફૉસ્ફેટ : NaH2PO4, સોડિયમ ડાઇહાઇડ્રોજન ફૉસ્ફેટ (અથવા મૉનૉસોડિયમ ફૉસ્ફેટ અથવા પ્રાથમિક

                   સોડિયમ ફૉસ્ફેટ); NH4H2PO4 એમોનિયમ ડાઇહાઇડ્રોજન ફૉસ્ફેટ વગેરે.

આલ્કલી ધાતુઓના તથા એમોનિયમ ફૉસ્ફેટ તેમજ આલ્કલાઇન મૃદ્ ધાતુઓના પ્રાથમિક ફૉસ્ફેટ જલદ્રાવ્ય હોય છે. જ્યારે ઘણાંખરા અન્ય ફૉસ્ફેટ તટસ્થ pH (=7) મૂલ્યે પાણીમાં અદ્રાવ્ય હોય છે.

ટ્રાઇસોડિયમ ફૉસ્ફેટનું દ્રાવણ ઉગ્રપણે આલ્કલીય હોઈ પાણીને મૃદુ બનાવવા (water-softaning) તથા સફાઈકામ (cleaning) માટે વપરાય છે. બજારમાં મળતાં ખાતરોમાં ફૉસ્ફેટ એ એક અગત્યનો ઘટક હોય છે. કુદરતમાં મળતા ફૉસ્ફેટ ખડકની સલ્ફ્યુરિક ઍસિડ સાથે પ્રક્રિયા કરવાથી સુપર ફૉસ્ફેટ નામનું ઉપયોગી ખાતર મળે છે.

સંશ્લેષિત ડિટર્જન્ટમાં બહુલકીય (polymeric) ફૉસ્ફેટ એક ઘટક તરીકે હોય છે. તે પ્રચ્છાદક (sequestering agent)  તરીકે પણ વપરાય છે. કેટલાક કાર્બનિક ફૉસ્ફેટ કીટનાશકો તથા ચેતાપ્રભાવક વાયુઓ (nerve gases) તરીકે વપરાય છે. કાપડઉદ્યોગમાં પણ ફૉસ્ફેટ સંયોજનોનો ઉપયોગ થાય છે.

ફૉસ્ફેટ આયનના દ્રાવણમાં એમોનિયમ મોલિબ્ડેટ અને સાંદ્ર નાઇટ્રિક ઉમેરી ગરમ કરવાથી એમોનિયમ ફૉસ્ફૉમોલિબ્ડેટ- [(NH4)3·PM12O40]ના પીળા અવક્ષેપ આપે છે. ફૉસ્ફેટનું તટસ્થ દ્રાવણ સિલ્વર નાઇટ્રૅટ સાથે Ag3PO4ના પીળા અવક્ષેપ આપે છે જે નાઇટ્રિક ઍસિડ તેમજ એમોનિયમ હાઇડ્રૉક્સાઇડમાં દ્રાવ્ય હોય છે. આવું તટસ્થ દ્રાવણ ફેરિક ક્લૉરાઇડ સાથે પીળા અવક્ષેપ આપે છે જે ઍસેટિક ઍસિડમાં અદ્રાવ્ય પણ હાઇડ્રૉક્લૉરિક ઍસિડમાં દ્રાવ્ય હોય છે.

પરિમાપન : પરિમાપન માટે નમૂનાના ચોક્કસ વજન(W)ને પાણી અથવા મંદ ઍસિડમાં ઓગાળી, દ્રાવણમાંથી ફૉસ્ફેટનું મૅગ્નેશિયમ એમોનિયમ ફૉસ્ફેટ તરીકે અવક્ષેપન કરવામાં આવે છે. અવક્ષેપને ગાળી, ધોઈ, સૂકવી ક્રૂસિબલમાં ગરમ કરતાં મળતા મૅગ્નેશિયમ પાયરોફૉસ્ફેટ(Mg2P2O7)નું વજન (W1) કરવામાં આવે છે. આ વજનો પરથી ફૉસ્ફેટનું ટકાવારી પ્રમાણ નીચેના સમીકરણ દ્વારા જાણી શકાય છે.

જયંતીલાલ દુર્ગાશંકર જોશી