ફૉસ્ફીન : રાસાયણિક ર્દષ્ટિએ ફૉસ્ફરસ ટ્રાઇહાઇડ્રાઇડ કે હાઇડ્રોજન ફૉસ્ફાઇડ તરીકે ઓળખાતું ફૉસ્ફરસનું હાઇડ્રોજન સાથેનું સંયોજન. સૂત્ર PH3 અણુભાર 34. 1783માં ગેંગેમ્બ્રેએ એ સફેદ ફૉસ્ફરસને આલ્કલી સાથે ગરમ કરી આ સંયોજન શોધ્યું હતું. જમીનમાં રહેલા ફૉસ્ફેટના જૈવિક અપચયનથી પણ તે મળે છે. ફૉસ્ફીન વિવિધ રીતે મેળવી શકાય છે : (i) સફેદ ફૉસ્ફરસને સાંદ્ર સોડિયમ હાઇડ્રૉક્સાઇડ સાથે નિષ્ક્રિય વાયુની હાજરીમાં ગરમ કરવાથી, (ii) ફૉસ્ફાઇડની પાણી સાથેની પ્રક્રિયા દ્વારા, (iii) ફૉસ્ફરસ ઍસિડને ગરમ કરવાથી, (iv) ફૉસ્ફોનિયમ સંયોજનોની આલ્કલી સાથેની પ્રક્રિયાથી, તથા (v) ફૉસ્ફરસની સોડિયમ ફૉર્મેટ સાથેની પ્રક્રિયાથી મેળવવામાં આવે છે.
(i) P4 + 3NaOH + 3H2O → PH3 + 3NaH2PO2
(ii) Ca3P2 + 6H2O → 2PH3 + 3Ca(OH)2
(iii) 4H3PO3 → PH3 + 3H3PO4
(iv) PH4I + NaOH → PH3 + NaI + H2O
(v) P4 + 12HCOONa → 4PH3 + 6(CooNa)2
શુદ્ધ ફૉસ્ફીન મેળવવા કૉસ્ટિક સોડાને બદલે આલ્કોહોલીય પૉટાશનો ઉપયોગ કરવામાં આવે છે.
ફૉસ્ફીન રંગહીન, સડેલી માછલી જેવી ગંધ ધરાવતો ખૂબ જ ઝેરી વાયુ છે. હવાના સંપર્કમાં આવતાં જ તે સળગી ઊઠે છે, કારણ કે તેમાં અશુદ્ધિ તરીકે ડાઇફૉસ્ફીન ભળેલો હોય છે. પાણીમાં તે થોડોક દ્રાવ્ય છે. તે 188 K તાપમાને રંગહીન પ્રવાહીમાં અને વધુ ઠંડો કરતાં 139.5 K તાપમાને સફેદ ઘનમાં ફેરવાય છે.
લિટમસ પ્રત્યે તે તટસ્થ છે પણ હેલોજન-ઍસિડ સાથે તે બેઝિક ગુણ દર્શાવી એમોનિયાની માફક ફૉસ્ફૉનિયમ-સંયોજનો બનાવે છે. હવામાં તે સળગે ત્યારે ઑક્સિજન સાથે પ્રક્રિયા થઈ ફૉસ્ફરસ પેન્ટૉક્સાઇડ ઉત્પન્ન થાય છે. ધાતુ સાથે તે પ્રક્રિયા કરી ફૉસ્ફાઇડ જ્યારે ક્લોરિન સાથે ફૉસ્ફરસ ટ્રાઇક્લૉરાઇડ આપે છે. એમોનિયાની જેમ તે સહસંયોજક સંકીર્ણો પણ આપે છે; દા.ત., BCl3 ← PH3.
વિરલ (rare) વાયુ અને અતિ શુદ્ધ ફૉસ્ફીનનું મિશ્રણ n–પ્રકારના અર્ધવાહકોના અપમિશ્રણ (doping) માટે વપરાય છે. ધ્રૂમ-આડશ (smoke screen) ઉત્પન્ન કરવા તથા સમુદ્રીય સફરમાં હોલ્મના સંકેત માટે પણ તે વપરાય છે. તે બહુલીકરણમાં પ્રારંભક (initiator) તરીકે, સંઘનન ઉદ્દીપક તરીકે તથા કાર્બનિક બનાવટો માટે વપરાય છે. (નોંધ : કેટલીક વાર સંશ્લેષિત રંજક (dye) ક્રિસેનિલીન યલો પણ ફૉસ્ફીન કહેવાય છે.)
જયંતીલાલ દુર્ગાશંકર જોશી