ફૉસજીન (phosgene) : કાર્બૉનિક ઍસિડનો અત્યંત વિષાળુ ક્લૉરાઇડ વ્યુત્પન્ન. તેનાં અન્ય નામો કાર્બૉનિલ ક્લૉરાઇડ, કાર્બન ઑક્સિક્લૉરાઇડ, ક્લૉરોફૉર્માઇલ ક્લૉરાઇડ છે. તે સૌપ્રથમ 1811માં બનાવવામાં આવ્યો હતો. કાર્બૉનિક ઍસિડનું અસ્તિત્વ માત્ર જલીય દ્રાવણમાં જ શક્ય હોવાથી ફૉસજીન તેમાંથી બનાવી શકાતો નથી. કાર્બનમોનૉક્સાઇડ અને ક્લોરિનના મિશ્રણને પ્રકાશ દ્વારા પ્રદીપ્ત કરવાથી અથવા આ મિશ્રણને સક્રિયિત કોલસા ઉપરથી પસાર કરવાથી ફૉસજીન બને છે.
Co + Cl2 → CoCl2
ક્લૉરિનેટેડ હાઇડ્રોકાર્બનના ઉષ્મીય વિઘટનથી પણ તે ઉત્પન્ન થાય છે. સામાન્યત: ફૉસજીન અથવા કાર્બૉનિલ ક્લૉરાઇડ વાયુ સ્થિતિમાં હોય છે પણ 8.2° સે. તાપમાને તે પ્રવાહી સ્થિતિમાં ફેરવાય છે. તેનું ગ. બિં. 128° સે. અને ઘનતા 1.392 છે. તેની વાસ ઉગ્ર અને ગૂંગળાવી નાંખે તેવી હોય છે. મંદ હોય ત્યારે તેની વાસ ઘાસ જેવી જ હોય છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તે ઝેરી વાયુ તરીકે સૌપ્રથમ ઉપયોગમાં લેવાયો હતો. તે શ્વાસમાં જાય તો વિષાળુ છે. આંખ માટે પણ તે દાહક છે. ગૅસ-માસ્કથી તેની સામે રક્ષણ મેળવી શકાય છે. ફૉસજીનની રાસાયણિક પ્રક્રિયાઓ ઍસિટાઇલ ક્લૉરાઇડ જેવી જ હોય છે. પાણી દ્વારા તેનું કાર્બૉનિક ઍસિડમાં તથા બેઝ દ્વારા કાર્બૉનેટમાં વિભાજન થાય છે.
એમોનિયા સાથે તે યૂરિયા બનાવે છે. ફૉસજીન સિલિંડરમાંથી તેનું ક્ષરણ (leakage) ચેક કરવા માટે તેની પાસે એમોનિયાનું દ્રાવણ રાખવામાં આવે છે.
ફૉસજીન ઇથાઇલ આલ્કોહૉલ સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરે છે :
ઇથાઇલ ક્લૉરોફૉર્મેટ એસ્ટર તેમજ ઍસિડ ક્લૉરાઇડ બંનેના ગુણધર્મો ધરાવે છે; દા.ત. એમોનિયા સાથેની પ્રક્રિયા
ક્લૉરોફૉર્મ હવાની હાજરીમાં ફૉસજીન બનાવે છે. આથી નિશ્ચેતક તરીકે વપરાતા ક્લૉરોફૉર્મમાં થોડો ઇથાઇલ આલ્કોહૉલ ઉમેરવામાં આવે છે જેથી અંશત: બનતા ફૉસજીનમાંથી નિર્દોષ ઇથાઇલ કાર્બૉનેટ બની ક્લૉરોફૉર્મમાંથી નીપજતી ઘાતક અસર અટકાવે.
મિથાઇલ એમાઇનમાંથી મિથાઇલ આઇસોસાયનેટ બનાવવા ફૉસજીન વપરાય છે.
મિથાઇલ આઇસોસાયનેટની અત્યંત ઘાતક અસર ‘ભોપાળ દુર્ઘટના’ પછી જાણીતી બની છે. તેમાં યુનિયન કાર્બાઇડ કંપનીના કીટનાશકો બનાવવાના ભોપાળસ્થિત કારખાનામાંથી 10 ડિસેમ્બર 1984ના દિવસે આઇસોસાયનેટનું ક્ષરણ થતાં 2,000 માણસો મૃત્યુ પામ્યા હતા તથા બે લાખને લાંબા ગાળાની વિષાળુ અસરો થઈ હતી.
ફૉસજીનનો ઉપયોગ કાર્બનિક સંશ્લેષણમાં, ખાસ કરીને આઇસોસાયનેટ, પૉલિયુરિધેન અને પૉલિકાર્બૉનેટ રેઝિન, કાર્બામેટ, કાર્બનિક કાર્બૉનેટ અને ક્લૉરોફૉર્મેટ, કીટનાશકો (pesticides), તૃણનાશકો (herbicides) તથા રંજકોના ઉત્પાદન વગેરેમાં થાય છે.
જ. પો. ત્રિવેદી