ફૉલેટ, મેરી પારકર (જ. 3 સપ્ટેમ્બર 1868, ક્વીન્સી, મૅસૅચૂસેટ્સ, અમેરિકા; અ. 18 ડિસેમ્બર 1933, બૉસ્ટન, મૅસૅસ્યુસેટ્સ, અમેરિકા) : સમાજ-રાજ્યશાસ્ત્ર(socio-political science)ના ચિંતનમાં, વ્યવસ્થાપનના ક્ષેત્રે આંતરવૈયક્તિક સંબંધોની બાબતમાં અને વૈયક્તિક વ્યવસ્થાપન ક્ષેત્રે પાયાનું પ્રદાન કરનાર લેખિકા.
રાજ્યશાસ્ત્રના ચિંતનમાં સાર્વભૌમત્વની બહુત્વવાદની વિચારધારામાં તેમનું પ્રદાન નોંધનીય રહ્યું છે. તેમના મતે રાજ્ય, એક આવશ્યક અને સાર્વભૌમ સંસ્થા છે ખરી, પરંતુ રાજ્યનું આ સાર્વભૌમત્વ સાપેક્ષ છે. સાર્વભૌમત્વ માત્ર રાજ્યનો ઇજારો નથી, વ્યક્તિઓ તથા સમાજનાં અન્ય સંગઠનો પણ તેમાં ભાગીદાર છે એટલે કે સાર્વભૌમત્વ વિવિધ કેંદ્રોમાં વહેંચાયેલું છે. વ્યક્તિને પ્રાપ્ત થયેલું સાર્વભૌમત્વ તેણે સમાજ અને રાજ્યના હિત માટે વાપરવાનું હોય છે, તેમજ સમાજનાં વિવિધ સંગઠનોનાં હિતો સાથે વ્યક્તિનાં હિતોનો મેળ બેસાડી એક પ્રકારનું તાદાત્મ્ય કે ઐક્ય સાધ્ય કરવાનું લક્ષ્ય બહુત્વવાદ દ્વારા તેઓ સેવે છે.
વ્યવસ્થાપનના અભ્યાસને સમાજવિદ્યાઓની ર્દષ્ટિએ વિચારનાર પ્રથમ હરોળના ચિંતકોમાં તેમનું સ્થાન મોખરાનું છે. વ્યવસ્થાપનક્ષેત્રે વિવિધ સંગઠનોના માળખામાં માનવ ગતિશાસ્ત્ર(human dynamics)નો ખ્યાલ ઉમેરવાનો વિચાર એ તેમનું આ ક્ષેત્રમાં મહત્ત્વનું પ્રદાન છે. જીવનનાં છેલ્લાં વર્ષો દરમિયાન તેમણે વ્યાપક પ્રવાસ કરીને ઔદ્યોગિક વ્યવસ્થાપન અંગે વ્યાખ્યાનો આપ્યાં તથા વ્યાપાર-વાણિજ્ય-સંચાલકો અને સરકારી વહીવટદારોના સલાહકાર તરીકે સેવાઓ આપી. શ્રમિકો અને સંચાલકો વચ્ચેના સંબંધોમાં પ્રવેશેલા સંઘર્ષો પ્રત્યે તેમને અણગમો હતો, તેના બદલે તેઓ બંને વચ્ચેની સંવાદિતા ચાહતાં હતાં. શ્રમિકો અને સંચાલકો વચ્ચેની આવી સંવાદિતા સર્જનાત્મક આંતરક્રિયાઓ સ્થાપવા શક્તિમાન હોય છે એવું તેમનું મંતવ્ય હતું. વ્યવસ્થાપનના અભ્યાસોમાં નોંધપાત્ર સ્થાન ધરાવનાર અંગ્રેજ વિચારક રોનટ્રી બેન્જામિન સિબોહૅમ પર તેમનો વિશેષ પ્રભાવ રહ્યો.
વીસમી સદીના પ્રારંભે તેમણે બૉસ્ટન સ્કૂલ્સમાં કેટલાંક સામાજિક કેંદ્રો શરૂ કર્યાં હતાં. પાછળથી તેમણે વ્યવસાયી માર્ગદર્શન-કાર્યક્રમો પણ વિકસાવ્યા. આ અનુભવો પરથી ઔદ્યોગિક સમાજમાં નાનાં જૂથોનું મહત્વ તેમજ તેની જવાબદારીઓ અંગેના અદ્યતન વિચારો તેમણે વિકસાવ્યા અને તે અંગેની સૂક્ષ્મ વિચારણા તેમણે લંડનમાં પ્રકાશિત પોતાના ગ્રંથ ‘ધ ન્યૂ સ્ટેટ’(1928)માં અભિવ્યક્ત કરી છે. વળી વ્યવસ્થાપન-ક્ષેત્રના અનુભવો અને તજ્જનિત નવા વિચારોને પણ તેમણે પોતાના ગ્રંથ ‘ક્રિયેટિવ ઍક્સપિરિયન્સ’(1924)માં સંગૃહીત કર્યા હતા. જીવનનાં છેલ્લાં વર્ષોમાંથી કેટલાંક વર્ષો તેમણે લંડનમાં ગાળ્યાં હતાં.
રક્ષા મ. વ્યાસ