ફૉર્સ્ટર, ઈ. એમ. (જ. 1879; અ. 1970) : બ્રિટિશ નવલકથાકાર. માનવતાવાદના બ્રિટનના મુખ્ય પ્રતિનિધિ. કૅમ્બ્રિજમાં અભ્યાસ. વીસમી સદીની શરૂઆતના ગાળામાં કૅમ્બ્રિજનિવાસ દરમિયાન ત્યાંનો તેમના જીવન ઉપર ગાઢ પ્રભાવ. વિપુલ પ્રમાણમાં પ્રવાસ દરમિયાન જિંદગીનાં વિવિધ પાસાંને સમજવાની ખીલેલી વૃત્તિ.
તેમણે પોતાના જીવનકાળ દરમિયાન 5 નવલકથાઓ પ્રસિદ્ધ કરી : (1) ‘વ્હેર એંજલ્સ ફિયર ટૂ ટ્રેડ’ (1905), (2) ‘ધ લાગેસ્ટ જર્ની’ (1907), (3) ‘અ રૂમ વિથ અ વ્યૂ’ (1908), (4) ‘હોવર્ડ્ઝ એન્ડ’ (1910) અને (5) ‘અ પૅસેજ ટૂ ઇન્ડિયા’ (1924). છેલ્લી કૃતિ ‘અ પૅસેજ ટૂ ઇન્ડિયા’ તેમની શ્રેષ્ઠ કૃતિ મનાય છે. ત્યારબાદ તેમનું ખાસ નોંધપાત્ર સર્જનાત્મક સાહિત્ય નથી.
તેમણે ‘અ પૅસેજ ટૂ ઇન્ડિયા’માં ભારતીય અને અંગ્રેજ વચ્ચે રહેલી સાંસ્કૃતિક વિષમતાનું નિરૂપણ કર્યું છે. સુગ્રથિત કથા ધરાવતી આ નવલકથામાં મારાબાર ગુફાઓ અને શ્રીમતી મરેનું પાત્ર પ્રતીકાત્મક છે. બે સંસ્કૃતિઓના તુલનાત્મક અભ્યાસનું માધ્યમ બની શકે તેવી તે પ્રબળ કૃતિ છે.
તેમનું નામ તેમના વિવેચનગ્રંથ ‘આસ્પેક્ટ્સ ઑવ્ ધ નૉવેલ’- (1927)થી વિવેચનક્ષેત્રે જાણીતું બન્યું છે. નવલકથાના સ્વરૂપ અંગે ખૂબ આધારભૂત અને વિશ્લેષણાત્મક ચર્ચા આ પુસ્તકમાં છે. નવલકથાના સ્વરૂપને સમજવા માટે આ પુસ્તક અનિવાર્ય બની રહ્યું છે. નવલકથાના સ્વરૂપ ઉપરના આ વિવેચનગ્રંથમાં તેમણે હેન્રી જેમ્સની નવલકથામાં લેખકે પોતાનું ર્દષ્ટિબિંદુ આપવાનું ટાળવું જોઈએ – એવા સિદ્ધાંતની ચર્ચા કરી છે અને તેનો અસ્વીકાર કર્યો છે. જેન ઑસ્ટિન અને સૅમ્યુઅલ બટલર કરતાં પ્રૂસ્તને તેમણે પોતાના કલાગુરુ તરીકે સ્વીકારેલા છે.
શરૂઆતની તેમની નવલકથાઓની લેખનપદ્ધતિ પુરાણી કહી શકાય તે પ્રકારની હોવા છતાં છેલ્લી કૃતિમાં વીસમી સદીમાં પ્રચલિત નવી શૈલીનો પ્રયોગ તેમણે કર્યો છે.
1948માં તેમની ટૂંકી વાર્તાઓનો સંચય પ્રકાશિત થયેલો. તેમના અવસાન બાદ 1971માં તેમની નવલકથા ‘મૉરિસ’ પ્રગટ થઈ, જેમાં તેમણે પોતાને સતાવતા સમલિંગી સંબંધોના પ્રશ્નનું નિરૂપણ કર્યું છે. આ નવલકથા સંવેદનશીલ કથાવસ્તુ ધરાવે છે, પરંતુ પોતાને પરેશાન કરતા આ પ્રશ્નથી તેઓ કેવા અળગા રહેવા પ્રયાસ કરે છે તે છતું થાય છે. તેમણે આ પ્રશ્ન અંગે નવલકથા દ્વારા જાહેર એકરાર કરી સમાધાન શોધવા પ્રયાસ કર્યો હોત તો તેમની સિદ્ધિ ઊંચી અંકાઈ હોત.
પંકજ જ. સોની