ફૉર્સમૅન, વર્નર (જ. 29 ઑગસ્ટ 1904, બર્લિન; અ. 1 જૂન 1979, સ્કૉપ્ફેમ) : જર્મનીના ખ્યાતનામ સર્જ્યન. બર્લિનમાં માધ્યમિક શાળામાં તેમણે અભ્યાસ કર્યો હતો. 1922માં તેઓ બર્લિન યુનિવર્સિટીમાં ઔષધવિજ્ઞાનનો અભ્યાસ કરવા ગયા. 1929માં તેમણે ‘સ્ટેટ એક્ઝામિનેશન’ પાસ કરી. સર્જરી અંગે ક્લિનિકલ શિક્ષણ મેળવવા તેઓ 1929માં બર્લિન નજીકના ‘ઑગસ્ટ વિક્ટૉરિયા હોમ’માં ગયા.

અહીં જ તેમણે હૃદયમાં નળી દાખલ કરવાની પ્રક્રિયા (catheterization) વિકસાવી. આ માટે તેમણે પોતાની જ ઍન્ટિક્યૂબિકલ નસમાં કૅન્યૂલા દાખલ કરી અને તે મારફત 65 સેમી.ની નળી પસાર કરી; પછી ઍક્સ-રે પ્રક્રિયા વડે નળીનો ફોટો લેવામાં આવ્યો. નળી તેમની જમણી બાજુના ઍટ્રિયમમાં પડેલી હતી.

શરીર ઉપરની બાહ્ય સપાટી પર(superficial)ની સ્પષ્ટ દેખાતી (patent) નસો પર આ પ્રક્રિયા પૂરી થતાં સુધી તેમણે 9 વાર પોતાના હૃદયમાં નસ દાખલ કરવાનું કાર્ય જારી રાખ્યું. છાતી(thoracic)ના ભાગના સર્જ્યન અને એ ક્ષેત્રના વિશ્વના અગ્રણી બર્લિનના પ્રોફેસર ફર્ડિનાન્ડ સૉરબ્રૂચને મળ્યા અને હૃદયમાં નળી દાખલ કરવાની આ નવી પ્રયુક્તિનો ઉપચાર કે નિદાન માટે ઉપયોગ થઈ શકે કે કેમ તે વિશે ચર્ચા કરી. પ્રોફેસર સૉરબ્રૂચનો જવાબ ઠેકડીભર્યો હતો. ‘હું રોગીઓ માટે ક્લિનિક ચલાવું છું, સર્કસ નહિ.’ અગત્યની હૉસ્પિટલોની મુલાકાત લેવામાંથી તેમને રોકવામાં આવ્યા અને પોતાને અનુકૂળ કામ મેળવવામાં પણ તેમને ખૂબ મુશ્કેલીઓ પડી. 20 વર્ષ પછી ખબર પડી કે તેઓ રાઇન વૅલીના એક નાના ગામમાં સામાન્ય તબીબ તરીકે વ્યવસાય કરતા હતા. 1956માં તેમને શરીરરચનાવિજ્ઞાન કે ઔષધ-વિજ્ઞાન-ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર અપાયો ત્યારે જ તેમની આવી વ્યક્તિગત વીરતાને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા સાંપડી.

1950થી તેમણે બૅદ ક્રુઝનૅક ખાતે યુરોલૉજિસ્ટ તરીકે કાર્ય કર્યું અને 1958થી ડસલડૉર્ફ ખાતેની ઇવૅન્જિકલ હૉસ્પિટલના સર્જિકલ વિભાગના વડા તરીકે કામગીરી કરી. 1954માં તેમને ‘જર્મન એકૅડેમી ઑવ્ સાયન્સિઝ’નો લીબનિઝ મૅડલ અપાયો અને એ જ વર્ષે તેઓ આર્જેન્ટિનાની ‘નૅશનલ યુનિવર્સિટી ઑવ્ કૉર્ડોબાના ‘ગેસ્ટ ઑવ્ ઑનર’ બન્યા. ત્યાં તેઓ 1961માં માનાર્હ પ્રોફેસર પણ નિમાયા. વળી એ જ વર્ષે મેન્ઝ ખાતેની જોહાનિસ યુનિવર્સિટીમાં સર્જરી તથા યુરોલૉજીના માનાર્હ પ્રોફેસર પણ નિમાયા.

મહેશ ચોક્સી