ફૉર્મોસા(તાઇવાન)ની સામુદ્રધુની : ઉત્તર પૅસિફિક મહાસાગરના છેક પશ્ચિમ ભાગમાં પૂર્વ ચીની સમુદ્ર અને દક્ષિણ ચીની સમુદ્રને જોડતી સામુદ્રધુની. આ સામુદ્રધુની ચીનના મુખ્ય ભૂમિભાગ અને ફૉર્મોસા (તાઇવાન) ટાપુ વચ્ચે ઈશાન-નૈર્ઋત્ય દિશામાં વિસ્તરેલી છે. તેની પશ્ચિમે ચીનના ફુજિયન પ્રાંતનો કિનારો અને પૂર્વ તરફ ફૉર્મોસાનો કિનારો આવેલો છે. કર્કવૃત્ત અહીંથી પસાર થાય છે.
પૂર્વ ચીની સમુદ્ર અને દક્ષિણ ચીની સમુદ્ર વચ્ચે તેની લંબાઈ 160 કિમી. અને ઊંડાઈ 70 મીટર જેટલી છે. વચ્ચે પેસ્કાડૉર્સ ટાપુઓ આવેલા છે. સામસામા કિનારાઓ પર ચીનનું ઍમોય બંદર અને ફૉર્મોસાનું કાઓ-હ્સીઅંગ-બંદર આવેલાં છે. આ સામુદ્રધુનીને ફૉર્મોસા (અર્થ : સુંદર) નામ 16મી સદીના ઉત્તરાર્ધમાં પોર્ટુગીઝ દરિયાખેડુઓએ આપેલું. યુરોપિયન લોકો તેને ફૉર્મોસાની સામુદ્રધુની નામથી જ્યારે ચીનના લોકો તેને તાઇવાન સામુદ્રધુની નામથી ઓળખે છે.
ગિરીશભાઈ પંડ્યા