ફૉર્મિક ઍસિડ : તીખી વાસવાળું, રંગવિહીન, ધૂમાયમાન પ્રવાહી. તેનું સૂત્ર HCOOH, તથા ગ. બિં. 8.4° સે. છે. તે પાણી, આલ્કોહૉલ, ઇથર તથા ગ્લિસરીનમાં દ્રાવ્ય છે. તે ઝેરી હોવાથી ચામડી ઉપર ફોલ્લા નિપજાવે છે. લાલ કીડીના, મધમાખોના તથા ડંખીલી ઇયળોના ડંખમાં ફૉર્મિક ઍસિડ હોય છે. તેનું નામ લાલ કીડી (formica) ઉપરથી આવેલું છે. આ કીડીઓના બાષ્પનિસ્યંદન દ્વારા તે સૌપ્રથમ મેળવાયેલો, તેની ઘનતા 1.2201, ગ. બિં. 8.3° સે., ઉ. બિં. 100.8° સે. અને વક્રીભવનાંક 1.3719 (20° સે.) છે.

કાર્બન મૉનૉક્સાઇડ તથા સોડિયમ હાઇડ્રૉક્સાઇડને 8થી 10 વાતાવરણ દબાણે 210° સે. તાપમાને ગરમ કરતાં સોડિયમ ફૉર્મેટ બને છે. જેની મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરતાં મુક્ત ફૉર્મિક ઍસિડ મળે છે.

CO + NaOH → HCOONa

HCOONa + H2SO4 → HCOOH + NaHSO4

HCOONa + NaHSO4 → HCOOH + Na2SO4

પ્રયોગશાળામાં ઑક્ઝૅલિક ઍસિડને ગ્લિસરૉલ સાથે ગરમ કરવાથી ફૉર્મિક ઍસિડ મેળવી શકાય છે. એસિટાલ્ડિહાઇડ અને ફૉર્માલ્ડિહાઇડના ઉત્પાદનમાં તે ઉપપેદાશ રૂપે મળે છે.

ફૉર્મિક ઍસિડના સૂત્રમાં આલ્ડિહાઇડ સમૂહ આવેલ હોવાથી તે આલ્ડિહાઇડની પ્રક્રિયા (રજતદર્પણ કસોટી) આપે છે. આમ તે અપચયનકારક તરીકે વર્તે છે. સોડિયમ ફૉર્મેટને 440° સે. તાપમાને અથવા સોડિયમ હાઇડ્રૉક્સાઇડની હાજરીમાં 360° સે.એ ગરમ કરવાથી સોડિયમ ઑક્ઝૅલેટ મળે છે, જેમાંથી ઑક્ઝેલિક ઍસિડ બનાવવામાં આવે છે.

એસેટિક ઍસિડને મુકાબલે ફૉર્મિક ઍસિડ વધુ પ્રબળ છે. આલ્કોહૉલ સાથે તે એસ્ટર સંયોજનો બનાવે છે. જલદ H2SO4 દ્વારા તેનું વિઘટન થતાં કાર્બન મૉનૉક્સાઇડ બને છે. ચામડી અને પેશી (tissue) માટે ફૉર્મિક ઍસિડ દાહક (corrosive) છે.

રંગકો તથા ધાત્વીય આયનોના અપચયનકારક તરીકે, વાળ દૂર કરવા માટે, ચર્મશોધનમાં, રબરના દૂધ(letex)ને જમાવવા સ્કંદક તરીકે તથા એલાઇલ આલ્કોહૉલ બનાવવા વપરાય છે. તે કીટનાશક તથા ધૂમક(fumigant)ના ઉત્પાદન માટે પણ વપરાય છે.

જ. પો. ત્રિવેદી