ફૉર્માલ્ડિહાઇડ : સૌથી સાદું આલ્ડિહાઇડ સંયોજન. તે ઑક્સિમિથિલીન, ફૉર્મિક આલ્ડિહાઇડ, તેમજ મિથેનાલ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર : HCHO અથવા બાહ્ય અવકાશમાં અસ્તિત્વમાં હોય તેવાં થોડાંક કાર્બનિક સંયોજનો પૈકીનું તે એક ગણાય છે. તે સહેલાઈથી બહુલીકરણ પામી શકે તેવો ઉગ્ર તીખી વાસવાળો વાયુ છે. સામાન્ય રીતે તેનું 37%થી 50%નું જલીય દ્રાવણ મળે છે જે ફૉર્માલિન તરીકે ઓળખાય છે. બહુલકીકરણ ન પામે તે માટે દ્રાવણમાં 15% જેટલો મિથેનૉલ ઉમેરવામાં આવેલો હોય છે. ફૉર્માલ્ડિહાઇડનો જલયોજિત ઘન બહુલક પૅરાફૉર્માલ્ડિહાઇડ અથવા પૅરાફૉર્મ તરીકે ઓળખાય છે. તેનું સૂત્ર HO (CH2O)nH છે, જેમાં n = 8 થી 100 હોઈ શકે. આ પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે. તેનું ગ.બિં. 120°થી 170° હોય છે. ફૉર્માલ્ડિહાઇડ(વાયુ)નું ઠારબિંદુ –118° સે. જ્યારે ઉત્કલનબિંદુ –19° સે. છે. પાણી અને આલ્કોહૉલમાં તે દ્રાવ્ય છે.
ફૉર્માલ્ડિહાઇડ મુખ્યત્વે મિથેનૉલના ધાતુઉદ્દીપકોની હાજરીમાં 450°થી 650° સે. તાપમાને હવા દ્વારા ઉપચયન વડે મેળવાય છે. સિલ્વર, કૉપર અથવા આયર્ન–મોલિબ્ડેનમ મિશ્રણ આ પ્રકારના ઉદ્દીપકો છે.
કુદરતી વાયુના આંશિક ઉપચયન દ્વારા ફૉર્માલ્ડિહાઇડનું ઉત્પાદન હવેથી વધી રહ્યું છે.
આલ્ડિહાઇડની પ્રકૃતિજન્ય ઘણી પ્રક્રિયાઓ ફૉર્માલ્ડિહાઇડ પણ આપે છે. દા.ત.,
ફૉર્માલ્ડિહાઇડની ફીનૉલ, યૂરિયા અને મેલેમાઇન સાથે પ્રક્રિયા દ્વારા રેઝિન બને છે તથા આસંજકો પણ બને છે.
ઉત્પાદનના આશરે 15% જેટલું ફૉર્માલ્ડિહાઇડ રંગકો, ઔષધો, કાગળ, ચામડું, ફોટોગ્રાફીનાં સાધનો, ચેપનાશકો, તથા જંતુઘ્નો તરીકે વપરાય છે. પેન્ટાઇરિથ્રિટોલ તથા હેક્ઝામિથિલીન-ટેટ્રામાઇનના ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ તે વાપરવામાં આવે છે.
પૅરાફૉર્માલ્ડિહાઇડ અથવા પૅરાફૉર્મ ફૂગનાશક, ચેપનાશક, જીવાણુનાશક, આસંજક, જિલેટિનના વૉટરપ્રૂફિંગ માટે તથા ગર્ભનિરોધક મલમોમાં વપરાય છે.
જ. પો. ત્રિવેદી