ફૉર્મવર્ક : ઇમારતની વિવિધ પ્રકારની બાંધણી માટે તૈયાર કરાતી માળખાકીય રચના. ખાસ કરીને મિશ્રિત માલથી રચાતા ઇમારતી આધારો ઊભા કરવા પ્રથમ આવું માળખું અથવા ફૉર્મવર્ક ઊભું કરાય છે, તે મિશ્રિત માલ ગોઠવવામાં મદદરૂપ થાય છે. આ માળખાની રચના ઇમારતના આધારોના આકાર પ્રમાણે થાય છે અને ખાસ કરીને લોખંડ અથવા લાકડાના ઉપયોગથી આવું માળખું ઊભું કરાય છે. આ માળખું ઊભું કરાયા પછી તેમાં મિશ્રિત ઇમારતી માલ નાખવામાં આવે છે. તે ઘનસ્વરૂપમાં ફેરવાય ત્યારપછી માળખું હટાવી લેવામાં આવે છે, તેથી માળખાના આકારને અનુરૂપ ઇમારતના આધારો ઘડાઈ જાય છે અને ઇમારતના આધાર તરીકે કામ આપે છે. આવી જાતના માળખાનો ઉપયોગ આરસીસી અને કૃત્રિમ માલસામાન સાથે સંકળાયેલ હોય છે. તે મૂળભૂત તબક્કામાં અર્ધપ્રવાહી રૂપમાં મિશ્રણ કરાયેલ હોય છે અને જામ્યા પછી ઘનસ્વરૂપમાં હોય છે.
રવીન્દ્ર વસાવડા