ફૉર્બ્સ, જેમ્સ (જ. 1750 આશરે, ઇંગ્લૅન્ડ; અ. 1819 એ. લા. શાયેલ) : અંગ્રેજ વહીવટદાર અને લેખક. ઈ. સ. 1766માં માત્ર 16 વર્ષની વયે ઇંગ્લૅન્ડથી મુંબઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં ‘રાઇટર’ તરીકે આવ્યો હતો. થોડાં વર્ષ મુંબઈમાં તેણે કામ કર્યું. તે પછી તેને મલબારના દરિયાકિનારે એન્જેન્ગો નામના સ્થળે કંપનીની ફૅક્ટરીમાં મોકલવામાં આવ્યો. ત્યાં થોડો સમય કામ કરી એ મુંબઈ પાછો આવ્યો. ઈ. સ. 1775માં ‘સૂરતની સંધિ’ પછી મુંબઈના અંગ્રેજ અધિકારીઓએ પેશ્વા રઘુનાથરાવ ઉર્ફે રાઘોબા સાથે અંગ્રેજ લશ્કર ગુજરાતમાં મોકલવાનું નક્કી કર્યું ત્યારે કર્નલ ટૉમસ કિટિંગને સેનાપતિ તરીકે અને જેમ્સ ફૉર્બ્સને તેના મંત્રી તરીકે મોકલવાનું નક્કી કર્યું. આ લશ્કર સૂરતથી ખંભાત, ડભોઈ, ખેડા, માતર, નડિયાદ, અડાસ વગેરે સ્થળોએ ફર્યું. તેથી જેમ્સ ફૉર્બ્સને આ સ્થળો જોવાની તક મળી. લડાઈના તથા કુદરતી આફતના કેટલાક કડવા અનુભવો પણ થયા.
ગુજરાતમાંના લાંબા પ્રવાસ અને ચોમાસાની ખરાબ ઋતુને લીધે માંદો પડવાથી એ ડિસેમ્બર 1775માં ઇંગ્લૅન્ડ ગયો. ત્યાં બે વર્ષ રહીને 1777માં પાછો મુંબઈ આવ્યો. મુંબઈમાં થોડા મહિના રહ્યા પછી 1778માં એની નિમણૂક ભરૂચમાં થતાં, એ દરિયાઈ રસ્તે મુંબઈથી સૂરત અને જમીનરસ્તે સૂરતથી ભરૂચ ગયો. 1780માં પેશ્વાની સરકારે જ્યારે ડભોઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સોંપ્યું ત્યારે કંપનીએ જેમ્સ ફૉર્બ્સની નિમણૂક કલેક્ટર તરીકે કરીને ડભોઈના વહીવટની જવાબદારી તેને સોંપી. 1781માં એણે ખંભાત અને અમદાવાદની મુલાકાત લીધી હતી.
1783માં 33 વર્ષની યુવાનવયે એ ઇંગ્લૅન્ડ પાછો ફર્યો ત્યારે તેની સાથે ઘણું ઐતિહાસિક સાહિત્ય લઈ ગયો. એ સાહિત્યનો ઉપયોગ કરીને એણે ‘પૂર્વના દેશોનાં સંસ્મરણો’ (Oriental Memoirs) નામનું પુસ્તક ચાર ભાગમાં લખ્યું, જે 1834માં પ્રસિદ્ધ થયું હતું. આ પુસ્તક 18મી સદીના અંત સમયના ગુજરાતનું વિવિધલક્ષી પ્રમાણભૂત ચિત્ર રજૂ કરે છે. તેમાં તેણે તે સમયનાં સૂરત, ભરૂચ, વડોદરા, ખંભાત, ડભોઈ, ખેડા, માતર, અડાસ, નડિયાદ, અમદાવાદ વગેરે સ્થળોનાં વાસ્તવિક વર્ણનો કર્યાં છે. મરાઠી પેશ્વા રાઘોબા, એના લશ્કરના વિભાગો, એના સરદારો, મરાઠી લશ્કરો દ્વારા ગુજરાતમાં થતી ક્રૂરતાભરી લૂંટફાટો, પીંઢારાઓ દ્વારા થતા અત્યાચારો વગેરેનું એણે આબેહૂબ વર્ણન કર્યું છે. ખંભાતનો નવાબ મોમીનખાન બીજો, તેનાં કુટુંબીજનોનું, ખંભાતના એ સમયના પ્રસિદ્ધ દિલખુશ બાગનું અને એમાં આવેલા જળમહેલનું પણ એણે વિગતવાર વર્ણન કર્યું છે. આ ઉપરાંત, એમાં કેટલીક મહત્વની વ્યક્તિઓ અને સ્થળોનાં એણે પોતે દોરેલાં ચિત્રો પણ મૂકવામાં આવ્યાં છે. આમ, વહીવટકર્તા અને લેખક તરીકે જેમ્સ ફૉર્બ્સનું પ્રદાન નોંધપાત્ર છે.
મુગટલાલ પોપટલાલ બાવીસી