ફૉર્બ્સ, ઍલેક્ઝાન્ડર કિન્લૉક

February, 1999

ફૉર્બ્સ, ઍલેક્ઝાન્ડર કિન્લૉક (જ. 7 જુલાઈ 1821, લંડન; અ. 31 ઑગસ્ટ 1865, પુણે) : સાહિત્ય-સંસ્કૃતિપ્રેમી, ઇતિહાસવિદ્, ગુજરાત-વત્સલ અંગ્રેજ અમલદાર. સ્થપતિ થવા માટે બ્રિટિશ કલાવિદ જ્યૉર્જ બાસ્સેવિની પાસે શિલ્પ-સ્થાપત્યનો અભ્યાસ કર્યો. સંજોગોવશાત્ હિંદી સનદી સેવા માટે હેલિબરી સ્કૂલમાં તાલીમ લઈ સનદી અમલદાર તરીકે ભારતમાં, અહમદનગરમાં ત્રીજા મદદનીશ કલેક્ટર તરીકે જોડાયા (1843). પછી ગુજરાતમાં અમદાવાદ ખાતે મદદનીશ ન્યાયાધીશ થયા (1846).

ઍલેક્ઝાન્ડર કિન્લૉક ફૉર્બ્સ

કવિ દલપતરામ પાસે ગુજરાતી ભાષા-સાહિત્યનો અભ્યાસ કર્યો. ફૉર્બ્સ-દલપતમૈત્રી ગુજરાતી સાહિત્યના ઇતિહાસની એક સ્મરણીય હકીકત છે. ફૉર્બ્સે ગુજરાતના પ્રવાસ દ્વારા ચારણો પાસેથી શૌર્યકથાઓ, પુરાતત્વ અને ઇતિહાસને લગતી સામગ્રી મેળવી. વિવિધ ગ્રંથભંડારોમાંથી ગુજરાતી ભાષાની પ્રશિષ્ટ કૃતિઓ મેળવી તેમનું સંકલન-સંપાદન કર્યું.

સંસ્કારપ્રીતિ, ઇતિહાસપ્રીતિ અને પ્રાચીન સાહિત્યના ગ્રંથો વિશેની જિજ્ઞાસાથી પ્રેરાઈને ગુજરાતની સંસ્કૃતિ તથા ગુજરાતી ભાષા-સાહિત્યના ઉત્કર્ષ અર્થે અમદાવાદના પ્રબુદ્ધ નાગરિકો અને અધિકારીઓના સહયોગથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી (1848), જે આજે ગુજરાત વિદ્યાસભા તરીકે જાણીતી છે.

ગુજરાતી ભાષાના હસ્તલિખિત ગ્રંથોને એકઠા કરવાના હેતુથી ફૉર્બ્સે મન:સુખરામ ત્રિપાઠીના સહયોગમાં મુંબઈમાં ગુજરાતી સભાની સ્થાપના કરી (1857). તેમના અવસાન બાદ તેમની સ્મૃતિની જાળવણી કાજે સંસ્થાનું નામ ‘ફાર્બસ ગુજરાતી સભા’ રાખવામાં આવ્યું.

ફૉર્બ્સે સૂરતમાં ‘સૂરત સમાચાર’ની સ્થાપના કરી. તેમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઉપક્રમે ‘બુદ્ધિપ્રકાશ’ સામયિકનો પ્રારંભ કર્યો (1850). પછી તેને માટે સંસ્થાનું પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું (1851). 1854માં તેઓ નિવૃત્ત થયા.

તેમણે દલપતરામની મદદથી મેળવેલા ગ્રંથરાશિમાંની ઇતિહાસ-સામગ્રીને આધારે, અંગ્રેજી ભાષામાં ગુજરાતની ઓસરતી જતી અસ્મિતાનું સમભાવપૂર્વક આલેખન કરતો ગ્રંથ ‘રાસમાળા (ભાગ 1–2)’ આપ્યો (1856).

અર્વાચીન ગુજરાતી સાહિત્ય તથા સંસ્કારના ઉદયમાં તેમની પ્રેરણા મહત્વની છે. કવિમિત્ર દલપતરામને તેમણે પશ્ચિમનાં મૂલ્યો ને ભાવનાઓથી અવગત કર્યા અને વ્રજભાષામાં કવિતા કરવાનું છોડાવીને માતૃભાષા ગુજરાતીમાં કવિતા રચવા પ્રેર્યા. લોકોની વૈજ્ઞાનિક બુદ્ધિ ખીલવવા માટે સુધારાવિષયક સાહિત્ય તૈયાર કરવા તેમણે જ મિત્ર દલપતરામને ગદ્ય લખવા પ્રેર્યા. ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફેનીઝની નાટ્યકૃતિ ‘પ્લુટસ’(ધનનો દેવતા)ના વસ્તુનો પરિચય કરાવીને દલપતરામને ‘લક્ષ્મી’ નાટક રચવા પ્રેર્યા. તેમની જ પ્રેરણાથી દલપતરામે ‘ભૂતનિબંધ’ લખી ગુજરાતીમાં નિબંધની શરૂઆત કરી. ફૉર્બ્સે તેની પ્રસ્તાવના લખેલી ને તેનો અંગ્રેજીમાં અનુવાદ કરેલો.

દલપતરામે નવા યુગનાં પરિબળોને ઝીલીને ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન યુગના આદ્ય પ્રણેતાનું ઐતિહાસિક સ્થાન મેળવ્યું, તેમાં તેમના મિત્ર ‘ફાર્બસ’ની પ્રેરણાએ ભાગ ભજવ્યો છે. ખરેખર ફૉર્બ્સ ગુજરાતી ‘કવિતાજહાજનો કૂવાથંભ’ હતા.

પ્રાગજીભાઈ ભાંભી