ફૉર્તાલેઝા : દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલના ઈશાન કિનારે આવેલું સીએરા રાજ્યનું પાટનગર, મહત્વનું બંદર તથા શહેર. ભૌગોલિક સ્થાન : 3° 43´ દ. અ. અને 38° 30´ પ. રે. બ્રાઝિલમાં ઈશાન છેડે આવેલી ભૂશિર નજીકના નાતાલથી વાયવ્યમાં 442 કિમી. અંતરે દરિયાકિનારાની અર્ધચંદ્રાકાર ખાંચાખૂંચીવાળા ભાગમાં પાજેવ (પીજુ) નદી પર તે વસેલું છે.
આબોહવા : આ શહેર વિષુવવૃત્તથી દક્ષિણે આશરે 500 કિમી. અંતરે આવેલું છે. આબોહવા અયનવૃત્તીય (tropical) છે. દરિયાકિનારે આવેલું હોવાથી અહીંનું સરેરાશ વાર્ષિક તાપમાન 27° સે. જેટલું રહે છે, જ્યારે વરસાદ માટે કોઈ ભરોસો રાખી શકાતો નથી.
વેપાર : અહીંના આજુબાજુના વિસ્તાર માટે આ શહેર અગત્યનું વેપારી મથક, માછીમારીનું કેન્દ્ર અને દરિયાકાંઠા પરનું વિહારધામ ગણાય છે. અહીંના પ્રમુખ ઉદ્યોગોમાં કાપડ-ઉત્પાદન અને વનસ્પતિ-તેલ-ઉત્પાદનનો સમાવેશ થાય છે. કાપડ ઉપરાંત સાબુ અને ખાંડ અન્ય મુખ્ય પેદાશો છે. અહીંનાં વિવિધ કારખાનાંઓમાં રંજકો (dyes), વીજસિરૅમિક્સ, તથા પૅક કરવાની ચીજો માટેનાં સાધનોનું ઉત્પાદન લેવાય છે. અહીં પુષ્કળ પ્રમાણમાં થતી દરિયાઈ લીલ પર પ્રક્રિયા કરીને તેને ઢોરોના ખોરાક માટે તથા કૃત્રિમ ખાતરો માટે ઉપયોગમાં લેવાય છે.
આટલાન્ટિક મહાસાગરના કિનારા પર આવેલું તેનું બારું ખુલ્લું, છીછરું તથા લાંબું-પહોળું છે. તેને જળતરંગોથી આરક્ષિત બનાવવામાં આવેલું છે. 6 કિમી. દૂર પૂર્વ તરફ આવેલા બારાના શિરોભાગ પર બંદર માટેની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે. મોટા કદનાં વહાણો દૂર ઊભાં રહે છે, જ્યારે મધ્યમ કદ સુધીનાં વહાણો નજીક આવી શકે છે. રાજ્યમાં ઉત્પન્ન થતો કાચો તથા તૈયાર માલ આ બંદરેથી નિકાસ થાય છે. અમુક વિશિષ્ટ પ્રકારનું મીણ (carnauba wax) તથા તેલ (oiticica oil), ખાંડ, કૉફી, કાજુ, મીઠું, રબર, કપાસ, ચોખા, વાલ, ફળો, ચામડાં, ખાલ, રમ, તથા લૉબ્સ્ટર જેવી પેદાશો અહીંથી બહાર મોકલાય છે. આ શહેરનું અર્થતંત્ર મુખ્યત્વે રાજ્યની વિવિધ પ્રવૃત્તિઓ પર, સરકારી વહીવટી પ્રવૃત્તિઓ પર, કાચા અને તૈયાર માલની પેદાશો, તેમની પ્રક્રિયા તથા નિકાસના પ્રમાણ પર આધારિત રહે છે.
આ શહેર રાજ્યના સોબ્રાલ અને પર્નામ્બુકોના રેસીફ સાથે ધોરી માર્ગોથી જોડાયેલું છે. જળનિમગ્ન ટેલિફોન-દોરડાં ફૉર્તાલેઝાથી વર્જિન ટાપુઓ સુધી લંબાવવામાં આવેલાં છે. બાટુરાઇટ રેલમાર્ગ આ શહેર તથા બંદરને નૈર્ઋત્યના ફળદ્રૂપ પ્રદેશો સાથે જોડે છે અને ત્યાંથી તે અગ્નિ તરફ પારાઇબા રાજ્યના પાટોસ સુધી જાય છે.
ફૉર્તાલેઝા પાદરીઓ માટેનું મુખ્ય મથક છે. અહીંનું મેટ્રોપૉલિટન કૅથીડ્રલ આ શહેરની ઓળખ માટે અગત્યનું ભૂમિચિહ્ન બની રહેલું છે. અહીંની પ્રમુખ શિક્ષણ-સંસ્થાઓમાં ટેક્નૉલોજી સ્કૂલ અને 1955માં સ્થપાયેલી સીએરા ફેડરલ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.
ઇતિહાસ : અગાઉના સમયમાં આ સ્થળ ઇન્ડિયન લોકોથી વસેલું નાનકડું ગામ હતું. સ્થાનિક ઇન્ડિયન લોકોના હુમલાઓને ખાળવા માટે અહીં અવરજવર કરતા રહેતા પોર્ટુગીઝોએ 1609માં અહીં કિલ્લો બાંધ્યો. ત્યારપછીથી આ સ્થળ વિકસતું ગયું. 1637થી 1654 સુધી સ્થળ પર ડચ લોકોનો કબજો રહેલો. 1654માં તેને ‘વિલા દો ફૉર્ત દ ઍઝમ્પકાઓ’ નામ અપાયેલું. 1711માં તેને નગરનો અને 1799માં તેને સીએરાના પાટનગરનો દરજ્જો મળ્યો, ત્યારે તે ‘ફૉર્તાલેઝા નૉવા દ બ્રૅગેન્કા’ તરીકે ઓળખાતું હતું. 20મી સદીના મધ્યકાળથી તે ઝડપથી વિકસતું ગયું છે. 1957થી તે બ્રાઝિલ દેશનાં મુખ્ય વિકસિત કેન્દ્રો પૈકીનું એક બન્યું છે. 1950ની તુલનામાં આજે તેની વસ્તી પાંચગણી થઈ ગઈ છે અને પહોળા રસ્તાઓવાળું આધુનિક શહેર બની રહેલું છે. તેની વસ્તી 1991 મુજબ 17,66,000 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા