ફૉર્ટ-દ-ફ્રાન્સ : ફ્રેન્ચ વેસ્ટ ઇન્ડીઝના લઘુ ઍન્ટિલિઝ ટાપુસમૂહમાં આવેલા માર્ટિનિક ટાપુનું પાટનગર, બંદર તથા મુખ્ય શહેર. ભૌગોલિક સ્થાન : 14° 36´ ઉ. અ. અને 61° 05´ પ. રે. તે માર્ટિનિક ટાપુના પશ્ચિમ કિનારા પરના નૈર્ઋત્ય ભાગમાં માદામ નદીમુખ પર આવેલું છે. માર્ટિનિક ટાપુ ફ્રાન્સનું દરિયાપારનું એક સંસ્થાન છે અને ફૉર્ટ-દ-ફ્રાન્સ ફ્લૅમેન્ડ્સના ઉપસાગરનું ઉત્તર તરફનું પ્રવેશદ્વાર ગણાય છે.

માર્ટિનિકનું મોટામાં મોટું ગણાતું આ શહેર સમુદ્ર અને ટેકરીઓ વચ્ચેનો સાંકડો મેદાની ભાગ આવરી લે છે, ટાપુના બધા જ ભાગોમાંથી રસ્તાઓ મારફતે આ શહેરમાં જઈ શકાય છે. શહેરના માર્ગો તાડવૃક્ષોની હારથી સુશોભિત બની રહેલા છે. ઇમારતો અને મકાનો રંગબેરંગી છે, અહીં ‘વૉટરફ્રન્ટ પાર્ક’ આવેલો છે, નજીકમાં ગરમ પાણીના ઝરા છે, ઉપસાગરની દક્ષિણે આવેલા ટ્રૉઇસ-ઇલેટ્સમાં જન્મેલી નેપોલિયનની પત્ની સામ્રાજ્ઞી જોસેફાઇનનું બાવલું શહેરની મધ્યમાં આવેલા ઉદ્યાન ‘સૅવાન’માં મૂકવામાં આવેલું છે. આ બધાં કારણોથી તે પ્રવાસીઓ માટેનું આકર્ષણનું કેન્દ્ર બની રહેલું છે. અહીં એક જૂનો કિલ્લો પણ છે, જે હવે ફૉર્ટ લુઈ નામથી ઓળખાય છે, આ કિલ્લો બારાને આરક્ષિત રાખે છે. ફૉર્ટ ટાર્ટેન્સન અને ફૉર્ટ ડેસેઇક્સ ટેકરીઓ પર આવેલા છે, તે શહેરમાંથી જોઈ શકાય છે.

ફૉર્ટ-દ-ફ્રાન્સનું ‘આયર્ન’ કથીડ્રલ – ભૂકંપ અને સમુદ્રીય ઝંઝાવાતથી સુરક્ષિત

આબોહવા : આ શહેરની આબોહવા અયનવૃત્તીય છે. અહીંનું સરેરાશ વાર્ષિક તાપમાન 26° સે. જેટલું રહે છે. વર્ષ દરમિયાનનો મોટાભાગનો વરસાદ ઑગસ્ટથી ઑક્ટોબર દરમિયાન પડી જાય છે. સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ 1520 મિમી. જેટલું રહે છે. શહેર ટાપુની વાતવિમુખ બાજુ પર આવેલું છે, પવનોથી આરક્ષિત પણ રહે છે, તેમ છતાં જુલાઈથી નવેમ્બર દરમિયાન ક્યારેક વિનાશ વેરતા હરિકેન – તોફાની દરિયાઈ વાવાઝોડાં – પણ થાય છે.

વેપાર : માર્ટિનિકનું આ મોટામાં મોટું શહેર હોવા ઉપરાંત તે મુખ્ય બંદર અને ધીકતું વ્યાપારી કેન્દ્ર તથા નાણાકીય મથક પણ છે. ફ્રાન્સનું નૌકામથક પણ અહીં તૈયાર કરવામાં આવેલું છે. અહીં પેદા થતી શેરડી અને ખાંડ, કેકાઓ અને રમ તેમજ કેળાં અને અન્ય ફળોની નિકાસ કરવામાં આવે છે.

ઇતિહાસ : ફ્રાન્સના દરિયાઈ ખાતાના પ્રધાન જીન બૅપ્ટિસ્ટ કૉલબર્ટે અહીંના બારાનું વ્યૂહાત્મક મહત્ત્વ પારખ્યું અને 1672માં ફૉર્ટ રૉયલ (કિલ્લો) બાંધ્યો ત્યારથી આ સ્થળ વસેલું છે. 18મી સદીના અંતભાગ સુધી તો તે ફૉર્ટ રૉયલ નામથી જ ઓળખાતું હતું. અહીં વારંવાર થતા રહેતા કમળા તથા અયનવૃત્તીય રોગોથી રહેવાસીઓ અને સૈનિકો મરણ પામતા હોવાથી આ સ્થળ ત્યારે તો વિકસેલું નહિ. 1674માં ડચ એડમિરલ મિશેલ એડ્રિયાન્ઝૂન દ રૉઇટરે ફૉર્ટ રૉયલ પર આક્રમણ કરેલું, પરંતુ તેના 1500થી વધુ સૈનિકો મરાયા અને તે હાર્યો. તે પછી ચાર વખત અંગ્રેજોએ તેનો કબજો મેળવેલો ખરો, પરંતુ 1816 સુધી તો તે ફ્રાન્સની હકૂમત હેઠળ રહેલું. 1864માં ફ્રાન્સ અને મૅક્સિકો વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન આ સ્થળ ફ્રેન્ચ મથક તરીકે રહેલું. આ ઘટના અગાઉ 1839માં થયેલા ભૂકંપથી તથા તે પછી 1890માં આગથી તે સંપૂર્ણપણે નાશ પામેલું. 1902માં માઉન્ટ પીલીના જ્વાળામુખી-પ્રસ્ફુટનથી સેન્ટ પિયરેનો વિનાશ થયો ત્યાં સુધી તો આ સ્થળનો મુખ્ય શહેર તરીકે વિકાસ થયો ન હતો. 1918માં તેનો વ્યાપારી વિકાસ થયો ત્યાં સુધી તો આ શહેરનો પાણી-પુરવઠો મર્યાદિત હતો. શહેરનો કેટલોક ભાગ કળણભૂમિથી છવાયેલો હતો. ત્યારપછી કળણવાળી ભૂમિને નવસાધ્ય કરવામાં આવી અને વિશાળ પરાં વિકસાવવામાં આવ્યાં, ખાસ કરીને મૉન્સ્યૉર નદીથી પૂર્વ તરફનો લેમેન્ટિન વિસ્તાર વધુ વિકસાવવામાં આવેલો છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અહીંના બારાને યુ.એસ. અને બ્રિટને ઘેરી રાખ્યું ત્યારે અહીંનો ફ્રેન્ચ ગવર્નર લડી લેવું કે શરણે થઈ જવું એવી દ્વિધામાં રહેલો. બૅંક ઑવ્ ફ્રાન્સનું સોનું, ઘણાં વહાણો તથા હવાઈ જહાજો ભરેલી સ્ટીમરો પણ આ ઘેરામાં ફસાયેલાં. બીજા વિશ્વયુદ્ધ બાદ તેનો વધુ વિકાસ થતો ગયેલો. છેક 1692થી તે માર્ટિનિકનું પાટનગર રહ્યું છે. તેની વસ્તી (2019 મુજબ) 76,512 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા