ફૉરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (વનસંશોધન સંસ્થા)
February, 1999
ફૉરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (વનસંશોધન સંસ્થા) : ભારતમાં વન અંગેનાં સંશોધનો સાથે સંકળાયેલી સંસ્થા. આ કાર્ય ભારતમાં લગભગ 1906માં આરંભાયું હોવાનો ઉલ્લેખ છે. આ કામગીરી દહેરાદૂન ખાતે ‘ઇમ્પીરિયલ ફૉરેસ્ટ કૉલેજ’ નામના વન મહાવિદ્યાલય ખાતે શરૂ કરવામાં આવી હતી. તે સમયે આ સંસ્થામાં વનવિજ્ઞાન(forestry), વનપ્રબંધ (forest management), વનપ્રાણીશાસ્ત્ર, વનવનસ્પતિશાસ્ત્ર, વનઅર્થશાસ્ત્ર અને વનરસાયણશાસ્ત્ર જેવી 6 મુખ્ય શાખાઓ હતી. 1914માં આ વનમહાવિદ્યાલય ચાંદબાગ ખાતે અને 1929માં વનઅનુસંધાન સંસ્થાન અને મહાવિદ્યાલયને ન્યૂ ફૉરેસ્ટ, દહેરાદૂન ખાતે ખસેડવામાં આવ્યું હતું. તે એક વિશાળ પ્રાંગણ ધરાવતી ખૂબ જ સુંદર, ભવ્ય ઇમારતને વનસંશોધન તેમજ વનતાલીમ માટેની વિવિધ સુવિધાઓથી સુસજ્જિત કરવામાં આવી. આ ગાળા દરમિયાન વનવિદ્યાના ક્ષેત્રમાં કાષ્ઠપ્રક્રિયા, કાષ્ઠકેળવણી, કાષ્ઠચકાસણી, કાષ્ઠસંરચના, ફૂગશાસ્ત્ર, કાગળનો માવો અને કાષ્ઠ-ઇજનેરી જેવી બાબતોનાં સંશોધનોમાં પણ ઠીક ઠીક પ્રગતિ થઈ હતી.
ફૉરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તેની પ્રસ્થાપના થઈ ત્યારથી વનવિદ્યા અંગેની તાલીમ અને તેના સંશોધન માટે દેશભરમાં ઉદગમસ્રોત બની રહેલ છે. તેણે વનવિદ્યાના સંશોધન અંગેનાં નિર્દેશન, દોરવણી, વ્યવસ્થા તેમજ તાલીમમાં સફળતાપૂર્વક યોગદાન આપીને એક સુયોજિત વ્યાવસાયિક વનવિદ્યા-સેવા-પ્રદાન કરવાનું ઉમદા કાર્ય કર્યું છે.
સાતમી પંચવર્ષીય યોજના દરમિયાન વનસંશોધન પરત્વે વિશેષ ભાર મુકાતાં ભારત સરકારે 1987થી ન્યૂ ફૉરેસ્ટ, દહેરાદૂન ખાતે ભારતીય વનસંશોધન અને શિક્ષણ સંસ્થાન [ઇંડિયન કાઉન્સિલ ઑવ્ ફૉરેસ્ટ્રી રિસર્ચ ઍન્ડ એજ્યુકેશન(ICFRE)]ની સ્થાપના કરીને તેને કેન્દ્ર સરકારની વનસંશોધનની કાર્યવાહીની સમગ્ર જવાબદારી સોંપેલ છે. આ ગોઠવણ અન્વયે તે સંસ્થાએ પોતાની વિવિધ શાખાઓ, વિશ્વવિદ્યાલયો, રાજ્યોની વનસંશોધન શાખાઓ અને વનઆધારિત ઉદ્યોગો દ્વારા હાથ ધરાતી વનસંશોધનકાર્યના સંગઠન અને નિયંત્રણની જવાબદારી પણ ઉપાડવાની રહે છે. 1990થી ભારત સરકારે આ સંસ્થાને સ્વાયત્ત દરજ્જો બક્ષ્યો છે. વળી તે હિમાલય આસપાસના પર્વતીય પ્રદેશો તેમજ સિંધુ-ગંગાના ફળદ્રૂપ મેદાની પ્રદેશમાંની વનસંશોધન અંગેની આવશ્યકતાઓ પૂર્ણ કરવા માટેની ખાસ સગવડો સાથેનું ઉત્કૃષ્ટતા-કેન્દ્ર (centre of excellance) પણ છે. આ ઉપરાંત હવે તેને વનસંશોધન માટેના કામ કરતા છાત્રો માટેનું મહાવિદ્યાલય પણ ગણવામાં આવે છે.
આ સંસ્થા હેઠળ નીચે મુજબની મુખ્ય પ્રાદેશિક સંશોધન સંસ્થાઓ 1987થી કામ કરી રહી છે : 1. રાષ્ટ્રીય શુષ્ક પ્રદેશ સંશોધન સંસ્થા, જોધપુર (National Institute of Arid Zone Research, Jodhpur), (2) કાષ્ઠવિજ્ઞાન અને તકનીકી સંસ્થા, બૅંગ્લોર (Institute of Wood-science and Technology, Bangalore), (3) જનીન અને વૃક્ષસંવર્ધન સંસ્થા, કૉઇમ્બતુર (Institute of Genetics and Tree Breeding, Coimbatore), (4) ઉત્તરીય દ્વીપકલ્પ પાનખર વનસંશોધન સંસ્થા, જબલપુર (Institute of Northern Peninsular Deciduous Forests, Jabalpur), (5) ઈશાની ભેજવાળાં તથા સદાહરિત વન સંશોધન સંસ્થા, જોરહાટ (Institute of North East Wet Evergreen Forests, Jorhat).
વનસંશોધન સંસ્થા, દહેરાદૂનનું વનસ્પતિ સંગ્રહાલય કલકત્તા ખાતે આવેલા વનસ્પતિ સંગ્રહાલય પછી દ્વિતીય ક્રમે આવે છે. આ સંગ્રહાલયમાં 35 લાખ નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ડુથી, હેઇન્સ અને બોર જેવા વનસ્પતિશાસ્ત્રીઓના સંગ્રહનો પણ તેમાં સમાવેશ થાય છે. તેનું વનસ્પતિ-ઉદ્યાન ભારતનાં શ્રેષ્ઠ વનસ્પતિ-ઉદ્યાનો પૈકીનું એક છે. તેમાં ઘણી આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિઓ ઉગાડવામાં આવી છે.
મૃગેન્દ્ર વૈષ્ણવ