ફૉરમૅન, મિલોસ (જ. 18 ફેબ્રુઆરી 1932, કાસ્લાવ, ચેકગણતંત્ર; અ. 13 એપ્રિલ 2018 ડેનબરી, કનેકટીકટ, યુ. એસ.) : હૉલિવુડના ખ્યાતિપ્રાપ્ત ચલચિત્ર દિગ્દર્શક અને અભિનેતા. યહૂદી પિતા અને પ્રોટેસ્ટન્ટ માતાનું સંતાન. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન નાઝી યાતના શિબિરમાં માતાપિતાનું છત્ર ગુમાવી દેતાં સગાંઓએ તેમનો ઉછેર કર્યો. પ્રાગની ખ્યાતનામ સંગીત અને નાટ્યકળાની અકાદમીમાંથી સ્નાતક થયા બાદ 1950ના દાયકામાં પટકથાઓ લખવાનો પ્રારંભ કર્યો. સાથોસાથ નાટકોમાં અભિનય કર્યો. 1963માં મધ્યમ લંબાઈનાં બે ચિત્રો ‘ઑડિશન/ટેલેન્ટ કૉમ્પિટિશન’ અને ‘ઇફ ધેર વેર નો મ્યુઝિક’નું દિગ્દર્શન કરીને દિગ્દર્શક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. પ્રથમ પૂરી લંબાઈના ચિત્ર ‘બ્લૅક પીટર’ને લોકાર્નો ચલચિત્ર મહોત્સવમાં પ્રથમ પારિતોષિક મળ્યું. એ પછીનાં બે ચિત્રો ‘લવર્સ ઑવ્ બ્લોન્ડ્સ’ અને ‘ધ ફાયરમૅન્સ બૉલ’ને સમીક્ષકો અને પ્રેક્ષકો બંનેનો ભરપૂર આવકાર મળતાં કળાક્ષેત્રે અને વ્યવસાયક્ષેત્રે સફળતા મળી.
એક ચલચિત્રની યોજના માટે ચર્ચા કરવા 1968માં તેઓ પૅરિસ ગયા ત્યારે સોવિયેત સંઘે ચેકોસ્લોવાકિયા પર આક્રમણ કર્યું અને તેને પોતાના તાબા હેઠળ લઈ લીધું. પરિણામે ફૉરમૅન દેશનિકાલ કરાયા હોય તેમ ફ્રાન્સમાં જ રહ્યા. 1969માં એક સાથી દિગ્દર્શક ઇવાન પેસર સાથે ન્યૂયૉર્ક ગયા. હોલિવુડમાં સ્થિર થતાં તેમને ઝાઝો સમય ન લાગ્યો. 1971માં પ્રથમ અમેરિકન ચિત્ર ‘ટેકિંગ ઑવ્’ બે પેઢીઓ વચ્ચેના અંતરનો વિષય લઈને બનાવ્યું. 1972માં જર્મનીના મ્યુનિક ખાતે યોજાયેલા ઑલિમ્પિક રમતોત્સવને કચકડે કંડારવા માટે આઠ આંતરરાષ્ટ્રીય દિગ્દર્શકોની ટીમમાં તેમનો સમાવેશ કરાયો હતો.
ફૉરમૅને આંગળીના વેઢે ગણી શકાય એટલાં ચિત્રોનું દિગ્દર્શન કર્યું, પણ તેઓ પ્રથમ પંક્તિના સર્જક ગણાયા. 1975માં ‘વન ફલ્યૂ ઓવર ધ કકુ’સ નેસ્ટ’ એક બાજુ ટિકિટબારી પર ખૂબ સફળ થઈ અને બીજી બાજુ શ્રેષ્ઠ ચિત્ર, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ પટકથા, શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેત્રી એમ ટોચના પાંચેપાંચ ઑસ્કર ઍવૉડર્ઝ જીત્યા. આ પહેલાં આવું ગૌરવ મેળવનાર એકમાત્ર ચિત્ર 1934માં ‘ઇટ હૅપન્ડ વન નાઇટ’ હતું.
1979માં ‘હૅર’ અને 1981માં ‘રૅગટાઇમ’ બનાવ્યા બાદ 1984માં બનાવેલા ‘ઍમેડ્યુસ’ને પણ ભારે સફળતા મળી. આ ચિત્રે શ્રેષ્ઠ ચિત્ર અને શ્રેષ્ઠ દિગ્દર્શક સહિત સાત ઑસ્કર ઍવૉડર્ઝ મેળવ્યા. 1996માં ફૉરમૅનના ચિત્ર ‘ધ પીપલ વર્સિસ લેરી ફ્લિન્ટ’ ખાસ્સું ચર્ચાસ્પદ નીવડ્યું હતું. ‘હાર્ટ બર્ન’ (1986) અને ‘ન્યૂ યર્સ ડે’ (1989)માં તેમણે અભિનય કર્યો હતો.
હરસુખ થાનકી