ફૉન્ડા, જેઇન (જ. 21 ડિસેમ્બર 1937, ન્યૂયૉર્ક) : હૉલિવુડની અભિનેત્રી અને સામાજિક કાર્યકર. તેણે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઑસ્કર એવૉર્ડ બે વાર જીત્યો હતો. પિતા : ખ્યાતનામ અભિનેતા હૅન્રી ફૉન્ડા. નાનો ભાઈ પીટર ફૉન્ડા પણ અભિનેતા બન્યો. દસ વર્ષની હતી ત્યારે માતાએ આપઘાત કરતાં તેના પર તેની ઘેરી અસર પડી હતી અને તેને લીધે તે અંતર્મુખ થઈ ગઈ હતી. શાળાનાં નાટકોમાં ભાગ લેતી, પણ અભિનેત્રી બનવાનું તેણે તે સમયે ક્યારેય વિચાર્યું નહોતું. પૅરિસમાં કળાનો અભ્યાસ કર્યા બાદ ન્યૂયૉર્ક આવીને તેણે મૉડેલિંગ શરૂ કર્યું. 1958માં ઍક્ટર્સ સ્ટુડિયોમાં અભ્યાસ દરમિયાન અભિનયમાં વધારે રસ જાગ્યો.
1960માં જેઇને બ્રોડવે તથા ચલચિત્રોમાં કામ શરૂ કર્યું. પ્રારંભથી જ એની અભિનયપ્રતિભાનો સૌને પરચો થયો. 1965માં ફ્રેન્ચ દિગ્દર્શક રૉજર વાદિમ સાથે પ્રથમ લગ્ન કર્યું. રૉજરે તેને બ્રિજિત બાર્દોત જેવી અભિનેત્રી બનાવવાના ધ્યેય સાથે ‘બાર્બારેલા’(1968)માં તેની પાસે અંગપ્રદર્શન કરાવ્યું. એ અરસામાં જ જેઇને સામાજિક સમસ્યાઓમાં રસ લેવા માંડ્યો. એ વખતે વિયેટનામ યુદ્ધ તેની ચરમસીમાએ હતું. યુદ્ધવિરોધી ચળવળમાં તે પણ જોડાઈ અને તે સંદર્ભમાં વિયેટનામનો પ્રવાસ પણ કર્યો.
1969માં ‘ધે શૂટ હોર્સિસ, ડોન્ટ ધેટ’ ચિત્ર માટે ઑસ્કર નામાંકન મળ્યું અને જેઇનને ‘ન્યૂયૉર્ક’ ફિલ્મ ક્રિટિક્સ ઍવૉર્ડ મળ્યો. 1971માં ‘ક્લ્યુટ’ ચિત્રમાં કૉલગર્લની ભૂમિકા ભજવીને પ્રથમ ઑસ્કર તથા ન્યૂયૉર્ક ફિલ્મ ક્રિટિક્સ ઍવૉર્ડ તેણે મેળવ્યા.
આ જ અરસામાં જેઇને છૂટાછેડા લીધા બાદ 1973માં યુદ્ધવિરોધી આંદોલનકાર ટૉમ હેડન સાથે બીજી વારનાં લગ્ન કર્યાં. 1972માં ‘ફ્રી ધ આર્મી’નું સહલેખન-સહનિર્માણ કર્યું. હેડન સાથે મળીને ‘ઇન્ટ્રોડક્શન ટુ ધ એનિમી’ નામના દસ્તાવેજી ચિત્રનું સહદિગ્દર્શન કર્યું, જેમાં તેના વિયેટનામ પ્રવાસનું નિરૂપણ કરાયું છે.
1970ના દાયકામાં વ્યાવસાયિક ચિત્રોમાં ફરી પ્રવૃત્ત થઈને જેઇને 1977માં ‘જુલિયા’ ચિત્ર માટે ઑસ્કર નામાંકન મેળવ્યું અને પછીના વર્ષમાં ‘કમિંગ હોમ’ ચિત્ર માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો બીજો ઑસ્કર ઍવૉર્ડ તેણે મેળવ્યો. આ ચિત્રમાં વિયેટનામ યુદ્ધ પૂરું થયા પછીની સ્થિતિનું નિરૂપણ છે. 1979માં ‘ધ ચાઇના સિન્ડ્રોમ’, 1981માં ‘ઑન ગોલ્ડન પૉન્ડ’ અને 1986માં ‘ધ મૉર્નિંગ આફ્ટર’ ચિત્રોમાં પણ ઑસ્કર નામાંકન મેળવ્યાં. ‘ઑન ગોલ્ડન પૉન્ડ’માં પ્રથમ વાર પિતા હેન્રી ફૉન્ડા સાથે અભિનય કર્યો. 1990માં ફરી છૂટાછેડા લીધા બાદ 1992માં પ્રસારમાધ્યમોના મોગલ ગણાતા ટેડ ટર્નર સાથે ત્રીજી વારનાં લગ્ન કર્યાં.
જેઇન ફૉન્ડાએ 1980ના દાયકામાં શારીરિક ચુસ્તી(ફિટનેસ)ના ક્ષેત્રે પણ ભારે ખ્યાતિ મેળવી. ‘જેઇન ફૉન્ડા’સ વર્કઆઉટ બુક’ પુસ્તક અને વિડિયો-કૅસેટ ખૂબ લોકપ્રિય થયાં. જેઇન ફૉન્ડાએ 1990ના દાયકાના પ્રારંભે અભિનયમાંથી નિવૃત્તિ જાહેર કરી. એ પછી તેણે સગર્ભા કિશોરી (ટીન પ્રેગનન્સી) સહિતની અમેરિકન સમાજની સમસ્યાઓમાં રસ લેવા માંડ્યો. અત્યારે આ ક્ષેત્રે તે કાર્યરત છે.
હરસુખ થાનકી