ફૉકલૅન્ડ : દક્ષિણ આટલાન્ટિક મહાસાગરમાં આવેલો બ્રિટન-શાસિત ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : 52° 0´ દ. અ. અને 60° 0´ પ. રે.ની આજુબાજુ આ ટાપુસમૂહ વિસ્તરેલો છે. દક્ષિણ અમેરિકાને દક્ષિણ છેડે આવેલી હૉર્નની ભૂશિરથી ઈશાનમાં 640 કિમી. અને મેગેલનની સામુદ્રધુનીથી પૂર્વમાં આશરે 500 કિમી. અંતરે તે આવેલો છે. આ ટાપુસમૂહમાં બે મુખ્ય ટાપુઓ છે : પૂર્વ ટાપુ અને પશ્ચિમ ટાપુ. તેમનો વિસ્તાર અનુક્રમે 66.82 ચોકિમી. અને 5278 ચોકિમી. જેટલો છે. આ બે મુખ્ય ટાપુઓ ઉપરાંત બીજા 200 જેટલા નાના ટાપુઓ પણ આ ટાપુસમૂહમાં આવેલા છે. આ પૈકી દક્ષિણ જ્યૉર્જિયા અને દક્ષિણ ઑર્કની, દક્ષિણ શેટલૅન્ડ અને દક્ષિણ સૅન્ડવિચ ટાપુઓ ઉલ્લેખનીય છે. ટાપુઓનું સામૂહિક ક્ષેત્રફળ લગભગ 12,170 ચોકિમી. જેટલું છે. બધા ટાપુઓની દરિયાકિનારાની સામૂહિક લંબાઈ 982 કિમી. જેટલી થાય છે. ટાપુઓની આબોહવા ભીનાશવાળી, ઠંડી તથા પવનોવાળી રહે છે. આ ટાપુસમૂહ પરની કુલ વસ્તી આશરે 4,000 જેટલી છે (2016). પૂર્વ ટાપુના ઈશાન ભાગમાં આવેલું પૉર્ટ સ્ટેનલી આ ટાપુસમૂહનું પાટનગર છે, તેની વસ્તી 2,000 (2016) જેટલી છે. અહીંના લોકોની મુખ્ય ભાષા અંગ્રેજી અને ધર્મ ખ્રિસ્તી છે. 95% લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે, જ્યારે 5% લોકો નોકરી કરે છે. અહીં બધા મળીને માત્ર 36 કિમી. લંબાઈના રસ્તા અને 12 કિમી. લંબાઈનો રેલમાર્ગ છે.
આર્થિક પ્રવૃત્તિ : ખેતી અને નોકરી ઉપરાંત ઘેટાં-ઉછેર તથા વહેલ માછલીનો શિકાર પણ અહીંના લોકોનો વ્યવસાય છે. અહીંથી ઊન અને માછલીઓની નિકાસ થાય છે. કેટલાક લોકો માછલીઓ, જૂના સંગૃહીત સિક્કા અને પોસ્ટની ટિકિટોનું વેચાણ કરી જીવનનિર્વાહ કરે છે. અહીંથી અમુક પ્રમાણમાં સીસા અને ચાંદીનાં ખનિજો પણ મળે છે.
વહીવટ : આજુબાજુના મર્યાદિત મહાસાગર વિસ્તાર સહિત આ ટાપુસમૂહ 1908માં ગ્રેટ બ્રિટનનું અવલંબિત સંસ્થાન બનેલું છે. બ્રિટન માટે વધુમાં વધુ દક્ષિણમાં આવેલું આ સંસ્થાન બ્રિટિશ ઍન્ટાર્ક્ટિક ટેરિટરીના બહારના ભાગમાં આવેલું છે. બ્રિટન તરફથી નિમાયેલ ગવર્નર તેનો વહીવટ સંભાળે છે. વહીવટી સંચાલનની સફળતા માટે વહીવટદાર તથા ધારાકીય કાઉન્સિલ ગવર્નરને મદદ કરે છે. 1962માં દક્ષિણ ઑર્કની અને દક્ષિણ શેટલૅન્ડ ટાપુઓ બ્રિટિશ ઍન્ટાર્ક્ટિક ટેરિટરીના ભાગ બનેલા છે. 1985થી દક્ષિણ જ્યૉર્જિયા અને દક્ષિણ સૅન્ડવિચ ટાપુઓ સ્વતંત્ર સંસ્થાનનો દરજ્જો ભોગવે છે.
દક્ષિણ અમેરિકાનો આર્જેન્ટિના દેશ પણ ફૉકલૅન્ડ પર પોતાનો દાવો કરે છે. તેઓ આ ટાપુઓને ‘ઇસલાસ માલવિનાસ’ તરીકે ઓળખાવે છે.
અહીં શિક્ષણ માટે સરકારી વ્યવસ્થા છે, બાળકોને તેમાં હાજરી આપવાનું ફરજિયાત છે. છૂટક વસાહતોમાં મુલાકાતી શિક્ષકો શિક્ષણની સેવા આપે છે.
ઇતિહાસ : 1592માં અંગ્રેજ દરિયાખેડુ જૉન ડેવિસે આ ટાપુઓની મુલાકાત લીધી હતી. 1690માં બ્રિટિશ કૅપ્ટન જૉન સ્ટ્રૉંગ આ ટાપુઓ પર પ્રથમ વાર ઊતરેલો. તેણે નૌકાઓના બ્રિટિશ ખજાનચી લૉર્ડ ફૉકલૅન્ડના નામ પરથી આ ટાપુઓને ફૉકલૅન્ડ નામ આપ્યું. ફ્રાન્સ, સ્પેન અને આર્જેન્ટિનાએ તે પછીથી આ ટાપુઓ પર પોતપોતાના દાવાની રજૂઆત કરેલી. 1833માં આર્જેન્ટિનીઓને દૂર કરીને આ ટાપુઓ પર બ્રિટિશ વર્ચસ્ સ્થપાયું. આજે પણ આ ટાપુઓ દક્ષિણ આટલાન્ટિક મહાસાગરમાં બ્રિટિશ મથક તરીકે મહત્ત્વના ગણાય છે. હજી આજે પણ આર્જેન્ટિનાએ આ ટાપુઓ પર પોતાનો દાવો ચાલુ રાખેલો છે. 1982ના એપ્રિલમાં આર્જેન્ટિનાનાં દળોએ આક્રમણ કરીને ટાપુઓનો કબજો મેળવેલો; પરંતુ બ્રિટને મે–જૂનમાં દળો, વહાણો અને હવાઈ જહાજો મોકલીને વળતો જવાબ આપેલો. બંને વચ્ચે ભૂમિ, જળ અને હવાઈ લશ્કરી પાંખોની લડાઈ ફાટી નીકળેલી. 1982ના જૂનમાં છેવટે આર્જેન્ટિનાએ શરણાગતિ સ્વીકારી અને બ્રિટને ટાપુઓનો કબજો પાછો મેળવ્યો. ઍપ્રિલ 1990માં આર્જેન્ટિનાની કૉંગ્રેસે (પાર્લમેન્ટે) ફૉકલૅન્ડ ટાપુઓ તથા બ્રિટિશ કબજા હેઠળના દક્ષિણ આટલાન્ટિકના ટાપુઓને આર્જેન્ટિનાના નવા રચેલા ટિએરા દલ ફ્યુગો પ્રાંતનો ભાગ જાહેર કર્યા. સપ્ટેમ્બર 1995માં યુનાઇટેડ કિંગ્ડમ અને આર્જેન્ટિનાએ ફૉકલૅન્ડ ટાપુઓની આસપાસના સમુદ્રમાંના ખનિજતેલના અધિકારો અંગે કરાર કર્યો.
ગિરીશભાઈ પંડ્યા