ફેરેન્સ, ક્રાઉઝ (Krausz, Ferenc) (જ. 17 મે 1962, મોર, હંગેરિયન પીપલ્સ રિપબ્લિક) : પદાર્થ(દ્રવ્ય)માં ઇલેક્ટ્રૉનની ગતિક્રિયાના અભ્યાસ માટે પ્રાયોગિક રીતે પ્રકાશનાં ઍટોસેકન્ડ કંપનો ઉત્પન્ન કરવા માટે 2023નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર પિયર ઍગોસ્ટિની અને આન લુઈલિયે સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો.
ફેરેન્સ ક્રાઉઝે બુડાપેસ્ટની ઍટવૉસ લોરેન્ડ યુનિવર્સિટીમાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો (1981–1985). ત્યારબાદ ટૅકનિકલ યુનિવર્સિટી ઑવ્ બુડાપેસ્ટમાંથી વિદ્યુત ઇજનેરી (ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ)માં ડિપ્લોમા પ્રાપ્ત કરી 1991માં તેઓએ ટૅકનિકલ યુનિવર્સિટી ઑવ્ વિયેનામાંથી લેસર ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી તથા 1993માં તે જ વિષયમાં હૅબિલિટેશનની પદવી (Doctor Habilitation) પ્રાપ્ત કરી.
ત્યારબાદ ક્રાઉઝ વિયેના યુનિવર્સિટી ઑવ્ ટૅકનૉલૉજીમાં જ સંશોધનકાર્યમાં આગળ વધ્યા. ક્રાઉઝ અને તેમના સહકાર્યકર્તાઓએ ઍટોસેકન્ડ કંપનો – 650 ઍટોસેકન્ડ સમયગાળાનાં એકાકી વિદ્યુતચુંબકીય કંપનો ઉત્પન્ન કર્યાં. ઍટોસેકન્ડ એટલે 10–18 સેકન્ડ. આ કંપનોનો ઉપયોગ પરમાણુની અંદર ઇલેક્ટ્રૉનની ગતિના અભ્યાસ માટે કર્યો.
હાલમાં તેઓ મૅક્સ પ્લૅન્ક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ક્વૉન્ટમ ઑપ્ટિક્સના નિયામક તરીકે તથા જર્મનીની લુડવિગ મૅક્સિમિલિયન યુનિવર્સિટી ઑવ્ મ્યુનિકમાં પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે.
તેમને અનેક પુરસ્કારો તથા સન્માન પ્રાપ્ત થયાં છે. 2006નો રૉયલ ફોટોગ્રાફિક સોસાયટી પ્રોગ્રેસ ચંદ્રક તથા 2013નો ઑટો હાન પુરસ્કાર તેમને પ્રાપ્ત થયા હતા. તે ઉપરાંત 2019માં તેમને વ્લાડિલેન લેટોખોવ ચંદ્રક તથા 2022માં ભૌતિકશાસ્ત્રમાં વુલ્ફ પુરસ્કાર પ્રાપ્ત થયા હતા.
પૂરવી ઝવેરી