ફેડરર, રૉજર (જ. 8 ઑગસ્ટ 1981, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વિટ્ઝર્લૅન્ડનો દંતકથા સમાન ટેનિસ-ખેલાડી. રૉજર ફેડરરે 13 ગ્રૅન્ડસ્લૅમ ટાઇટલો જીતીને ઇતિહાસ સર્જ્યો છે.
તેમણે સૌથી પ્રથમ ગ્રૅન્ડસ્લૅમ ટાઇટલ 2003માં ‘વિમ્બલ્ડન’નું જીત્યું હતું. તેમણે પોતાનું પહેલું ગ્રૅન્ડસ્લૅમ ટાઇટલ જ ‘વિમ્બલ્ડન’નું જીતીને ટેનિસ-જગતમાં પદાર્પણ કર્યું હતું. તેમણે 2003થી 2007 દરમિયાન વિમ્બલ્ડન ચૅમ્પિયન રહીને પણ ઇતિહાસ સર્જ્યો છે. એવી રીતે જ 2004થી 2008 દરમિયાન યુ.એસ. ઓપન ચૅમ્પિયન રહીને પણ એક અનોખો ઇતિહાસ સર્જ્યો છે. સતત પાંચ વર્ષ સુધી બે ગ્રૅન્ડસ્લૅમ ટાઇટલો જીતનાર તેઓ વિશ્વના પ્રથમ ખેલાડી છે.
વર્ષ 2004, 2006 અને 2007માં તેમણે ઑસ્ટ્રેલિયન ઓપન ચૅમ્પિયનશિપ પણ મેળવી હતી. 2008માં બેઇજિંગ ઑલિમ્પિક્સમાં ભાગ લઈ તેમણે સ્ટાનિસ્લાસ વાવટિકા સાથે જોડી બનાવીને પુરુષ યુગલ(મૅન્સડબલ્સ)નું ટાઇટલ જીત્યું હતું. તેમણે 13 ગ્રૅન્ડસ્લૅમ ટાઇટલો ઉપરાંત ઘણાં અન્ય ટાઇટલો પણ જીત્યાં છે. તેઓ ટેનિસ-જગતમાં સળંગ 237 સપ્તાહ (2 ફેબ્રુઆરી, 2004થી 17 ઑગસ્ટ, 2008 સુધી) વિશ્વસ્તરના નંબર વન ખેલાડી રહી ચૂક્યા છે; જે એક રેકર્ડ છે. વર્ષ 2008માં ફેડરરને સળંગ ચોથી વાર ‘લારિયસ વર્લ્ડ સ્પૉટર્સમૅન ઑવ્ ધ યર’નો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
પ્રભુદયાલ શર્મા