ફેઝ સ્વિચિંગ ઇન્ટરફેરોમિટર : ખૂબ દૂરના અંતરે આવેલા બિંદુવત્ અવકાશી પદાર્થનું કોણીય કદ (angular size) માપવા માટેની યોજના. તેમાં તરંગના વ્યતિકરણની ‘ઇન્ટરફેરોમૅટ્રી’ની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં નિશ્ચિત અંતરે આવેલા બે સ્થાન ઉપરથી અવકાશસ્થિત પદાર્થ દ્વારા ઉત્સર્જિત થતા તરંગોને ઝીલી, તેમને એકત્રિત કરી, તેમની વચ્ચે ઉદભવતી વ્યતિકરણની માત્રાનું માપ લેવામાં આવે છે. તેનું મૂલ્ય પદાર્થના કોણીય કદ તેમજ તરંગોને ઝીલતા બે સ્થાન વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
પ્રકાશીય તરંગોના વિસ્તારમાં પદાર્થનું પ્રતિબિંબ સરળતાથી મેળવી શકાય છે; કારણ કે પ્રકાશની તરંગલંબાઈ મિલિમીટરના હજારમા ભાગથી પણ નાના ક્રમની હોય છે; પરંતુ સેન્ટિમીટરથી પણ વધુ લંબાઈવાળા રેડિયો-તરંગોમાં રેડિયો-દૂરબીન વડે સીધું પ્રતિબિંબ મેળવવું મુશ્કેલ છે. તેથી ‘ઇન્ટરફેરોમિટર’ની રીત, ખાસ કરીને તો, રેડિયો-તરંગ દ્વારા કરવામાં આવતા ખગોલીય અભ્યાસમાં વિકાસ પામી. ‘ફેઝ સ્વિચિંગ ઇન્ટરફેરોમિટર’ની શોધ 1952માં યુ.કે.માં રાઇલ નામના વિજ્ઞાનીએ કરી. તેમાં બે જુદા જુદા સ્થાને આવેલા ઍન્ટેના-ક્ષેત્રો રેડિયો-તરંગો ઝીલવાનાં યંત્રો દ્વારા તરંગોને એકત્રિત કરીને વ્યતિકરણ મેળવતાં પહેલાં બેમાંના એક ક્ષેત્રમાં તરંગોની કલા(phase)ને સમાંતરે, 180° જેટલી ઉલટાવવામાં આવે છે. તેથી આ પદ્ધતિને ‘ફેઝ સ્વિચિંગ ઇન્ટરફેરોમિટર’ કહે છે. તેનો ખાસ ફાયદો એ છે કે અવલોકન કરવામાં આવતા અવકાશી પદાર્થ સિવાય અન્ય ક્ષેત્રમાંથી આવી રહેલા રેડિયો-તરંગોને કારણે ઉદભવતો વિક્ષેપ ટાળી શકાય છે.
જ્યોતીન્દ્ર ન. દેસાઈ