ફૅરડૉક્સિન : ઇલેક્ટ્રૉનના વહન સાથે સંકળાયેલું હીમ (haem) વગરનું ‘Fe’ તત્વ ધરાવતું પ્રોટીન-વર્ણમૂલક (chromophore). પ્રકાશ સંશ્લેષણના પ્રકાશ તંત્ર-Iના ભાગ રૂપે આવેલું આ વર્ણમૂલક, લોહ-સલ્ફર-પ્રોટીન(A-Fes)માંથી ઇલેક્ટ્રૉનને સ્વીકારી તેનું સ્થાનાંતર NADP સાથે કરે છે.
સામાન્ય માન્યતા મુજબ, જો પ્રકાશસંશ્લેષણ-પ્રક્રિયા દરમિયાન NADPનું પ્રમાણ ઘટે તો, તેવા સંજોગોમાં ‘Fd’ એ સ્વીકારેલ ઇલેક્ટ્રૉનને સાયટોક્રોમ (બી) 6 તરફ વાળે છે. પરિણામે ઇલેક્ટ્રૉન ફરીથી પ્રકાશ તંત્ર-Iમાં પ્રવેશે છે. NADP તરફ વાળવાથી ‘NADPH’ અણુ બંધાય છે, જે કેલ્વિનના કાર્બન-પથમાં કાર્બોદિતોના સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે; પરંતુ જો ઇલેક્ટ્રૉનને સાયટોક્રોમ (બી) 6 તરફ વાળવામાં આવે તો ઉચ્ચ કાર્યશક્તિક ATPના અણુઓ બંધાય છે. ATPના અણુઓ જીવરસની વિવિધ ચયાપચયી પ્રક્રિયામાં જરૂરી કાર્યશક્તિનો પુરવઠો એકત્ર કરે છે.
યોગેશ ડબગર