ફૅરડે, માઇકલ (જ. 22 સપ્ટેમ્બર 1791, ન્યૂઇંગટન, સરે, ઇંગ્લૅન્ડ; અ. 25 ઑગસ્ટ 1867, હૅમ્પટન કોર્ટ, સરે) : અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી તથા રસાયણશાસ્ત્રી, જેમના ઘણાબધા પ્રયોગોએ વિદ્યુતચુંબકત્વની ઘટના સમજાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે.

જીવનની શરૂઆત તેમણે પુસ્તકવિક્રેતા અને પુસ્તકો બાંધનાર (bookbinder) તરીકે કરી. 21 વર્ષની વયે તેમની નિમણૂક સુવિખ્યાત અંગ્રેજ રસાયણશાસ્ત્રી સર હમ્પફ્રી ડેવીના મદદનીશ તરીકે થઈ. 1821માં ફૅરડેએ વિદ્યુત-મોટરના સિદ્ધાંતની શોધ કરી અને તેનું એક પ્રાથમિક પ્રતિરૂપ (primitive model) બનાવ્યું. બે વર્ષ બાદ ક્લોરિન વાયુનું પ્રવાહીકરણ કરનાર તે પ્રથમ વિજ્ઞાની હતા અને ત્યારબાદ 1825માં તેમણે કોલટારમાંથી બેન્ઝિનને અલગ પાડ્યું. વિદ્યુત તથા ચુંબકત્વ વચ્ચે આંતરસંબંધ રહેલો છે તે હકીકત સાથે સંમત થઈ, તેમણે પ્રાયોગિક નિરીક્ષણો ઉપરથી 1831માં વિદ્યુત-ચુંબકીય પ્રેરણની ઘટના શોધી કાઢી; જેમાં ચુંબકીય તીવ્રતામાં ફેરફાર થતાં, વિદ્યુતપ્રવાહ ઉદભવતો હોય છે. તેમણે વિદ્યુતચુંબકીય પ્રેરણ માટેના નિયમો પણ આપ્યા. તેમની અન્ય સિદ્ધિઓમાં તેમણે સૌપ્રથમ ડાઇનેમો બનાવ્યો, વીજવિઘટન(electrolysis)ના મૂળભૂત નિયમોને વ્યાખ્યાયિત કર્યા અને પરાવૈદ્યુતો (dielectrics), અવાહક પદાર્થોનો અભ્યાસ કર્યો. વળી તેમણે શોધી કાઢ્યું કે ધ્રુવીભૂત પ્રકાશની દિશાના સમાંતરે ચુંબકીય ક્ષેત્ર લગાડતાં, તે પ્રકાશના ધ્રુવીભવન-તલ(અથવા તો તેના કંપનતલ)નું ભ્રમણ થતું હોય છે. આ ઘટના ‘ફૅરડે અસર’ તરીકે ઓળખાય છે.

માઇકલ ફૅરડે

1833માં રસાયણશાસ્ત્રમાં, વીજવિઘટન માટેના સંખ્યાત્મક નિયમો પણ આપ્યા અને પ્રતિપાદિત કર્યું કે (i) વિદ્યુતવાહક દ્રાવણ(electrolyte)માં રાખેલા વીજાગ્ર (electrode) ઉપર ફેરફાર રૂપે મળતા રાસાયણિક તત્વનો જથ્થો તેમાંથી પસાર કરવામાં આવતા વિદ્યુતપ્રવાહને સમપ્રમાણ હોય છે અને (ii) જુદા જુદા વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તે દરેકના વીજાગ્ર આગળ મળતાં રાસાયણિક તત્વોનું પ્રમાણ તેમના તુલ્યભાર(equivalent weight)ને સમપ્રમાણ હોય છે. વળી એ પણ શોધી કાઢ્યું કે દ્રાવણમાંથી એક ગ્રામ તુલ્યભાર (= ગ્રામમાં તુલ્યભારનું મૂલ્ય જેટલા તત્વનો જથ્થો મેળવવા માટે 96,489 ± 2 કુલંબ વિદ્યુતભાર અનિવાર્ય છે. વિદ્યુતભારનો આ જથ્થો ‘ફૅરડે’ તરીકે ઓળખાય છે. (1 Faraday = 96,486 ± 2 Coulombs).

1821માં ફૅરડેએ સારાહ બર્નાર્ડ સાથે લગ્ન કર્યું. તેમના અવસાનનાં થોડાં વર્ષો પૂર્વે સરેમાં આવેલા હૅમ્પટન કોર્ટ નજીક, શેષ જીવન ગાળવા માટે તેમણે નિવૃત્તિ લીધી. તેમનાં પ્રકાશનોમાં ‘કૅમિકલ મૅનિપ્યુલેશન (1827); ‘એક્સપેરિમેન્ટલ રિસર્ચિઝ ઇન ઇલેક્ટ્રિસિટી’ (1839–55); ‘એક્સપેરિમેન્ટલ રિસર્ચિઝ ઇન કૅમિસ્ટ્રી ઍન્ડ ફિઝિક્સ’ (1859) તથા ‘એ કૉર્સ ઑવ્ સિક્સ લેક્ચર્સ ઑન ધ કૅમિકલ હિસ્ટરી ઑવ્ કૅન્ડલ’- (1861)નો સમાવેશ થાય છે. ‘ધ વેરિયસ ફૉર્સિઝ ઇન નેચર’ (1873) એ તેમનું મરણોત્તર પ્રકાશન છે.

એરચ મા. બલસારા