ફૂલના ડીંટાનો કોહવારો : ફૂલ પૂરતું ખીલતાં પહેલાં ફળપાકો અને શોભાના ફૂલછોડના ખીલતા ફૂલના ડીંટા ઉપર સૂક્ષ્મ જીવોના આક્રમણને લીધે ડીંટાનું થતું કોહવાણ.
વ્યાધિજનકનું આક્રમણ ડીંટાના ભાગ પર થતાં ત્યાં પોચા જખમો થાય છે અને તે ખૂબ જ ઝડપથી વિકાસ પામી આ ભાગની પેશીઓમાં જુદા જુદા રંગનાં ધાબાં કે ચાઠાં કરે છે. આવાં અનેક રંગીન ચાઠાં ભેગાં થવાથી ડીંટાનો ભાગ કોહવાય છે. વધારે ભેજવાળા વાતાવરણમાં તો આ રોગ ખૂબ જ ઝડપથી ફેલાઈ નુકસાન કરે છે.
આ જ પ્રકારનો ગુલાબના ફૂલના ડીંટાનો કોહવારો ચોમાસામાં તેમજ વધારે ઝાકળવાળા દિવસોમાં ખૂબ જ તીવ્ર પ્રમાણમાં હોય છે, આ રોગનું કારણ ભૂરી ફૂગ હોવાથી તે ભૂરી ફૂગના રોગ તરીકે ઓળખાય છે. ગુલાબની ખીલતી કળી ઉપર આક્રમણ થતાં ડીંટાના ભાગે શરૂઆતમાં જાંબુડી રંગનાં ધાબાં કે ટપકાં જોવા મળે છે, જે વિકાસ પામી કળી ખીલતા પહેલાં ફૂલની પાંખડીના ડીંટા સુધી પહોંચી જાય છે અને પાંખડીઓ ખીલતાં પહેલાં જ ખરી પડે છે અથવા ખીલ્યા વિના જ બંધ કળીમાં સડીને કાળી, ભૂખરી કે ઘાટા બદામી રંગની થઈ સડીને સુકાઈ જાય છે.
ખેતરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઓછું રહે એવી પિયત કે ખેતી-પદ્ધતિ અપનાવવાથી અને રોગ જણાય કે તરત જ તાંબાયુક્ત દવાનો છંટકાવ કરવાથી આ રોગને નિયંત્રણમાં લાવી શકાય છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ