ફૂરિયે, ફ્રાંકોઝ મેરી ચાર્લ્સ (જ. 7 એપ્રિલ 1772, બોઝાંકો, ફ્રાંસ; અ. 10 ઑક્ટોબર 1837, પૅરિસ, ફ્રાંસ) : સમાજલક્ષી ફ્રેંચ ચિંતક. કાલ્પનિક સમાજવાદ અંગેની તેમની વિચારસરણી ‘ફૂરિયરવાદ’ તરીકે જાણીતી છે. તેમણે તેમની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કારકુન તરીકે કરી હતી. આ જ ગાળા દરમિયાન તેમણે લખેલા ‘ધ સોશિયલ ડેસ્ટિની ઑવ્ મૅન’ અને ‘થિયરી ફૉર મૂવમેન્ટ્સ’નું પ્રકાશન હાથ ધર્યું હતું.
1812માં માતા તરફથી તેમને સંપત્તિ મળ્યા બાદ તેમણે તેમનો સંપૂર્ણ સમય લેખન અને ચિંતન માટે ફાળવ્યો.
ફ્રેંચ ક્રાંતિ દરમિયાન સંઘરાખોરી કરતા વ્યાપારીઓનો પ્રજાવિરોધી વ્યવહાર તેમને ખટક્યો હતો. જીવનના કટુ અનુભવોથી તેઓ વ્યથિત હતા. આ સંદર્ભમાં ‘સભ્ય સમાજના 144 દોષો’ જેવા નિબંધો દ્વારા તેમણે સમાજવ્યવહારોનું પૃથક્કરણ કર્યું અને નવી સમાજવ્યવસ્થાનો એક અલગ નકશો રજૂ કર્યો, જે કાલ્પનિક સમાજવાદી તરીકેની તેમની ઓળખને રૂઢ કરે છે.
તેમના મતે આદિસમાજમાં જે સંવાદિતા હતી તે કાળક્રમે કલુષિત થઈ ગઈ. પરિણામે ત્યારપછીનો સમાજ જંગાલિયતભરી સ્થિતિની નજીક પહોંચી ગયો છે. તેઓ જણાવે છે કે માણસ પાસે પાયાની બાર લાગણીઓ (passions) હોય છે, પરંતુ તે ખરાબ સામાજિક સંસ્થાઓને કારણે વિકૃત થઈ ગઈ છે. તેથી તેમના મતે સમાજરચના બદલવાની તાતી જરૂર ઊભી થયેલી છે.
તેમની કાલ્પનિક સમાજવાદની વિભાવના મુજબ માનવ મૂળભૂત રીતે સારો છે; પણ સમાજના નિયમોથી દૂષિત થયો હોવાથી, સમાજે માનવ-જરૂરિયાતોને અનુકૂળ બનવાની જરૂર છે. તેમના અભિપ્રાય મુજબ સ્પર્ધાત્મક મૂડીવાદી પદ્ધતિ દરિદ્રતા અને શોષણની જન્મદાત્રી છે અને તેથી તે બિનઉપયોગી બની છે. અહીં તેમના આ પ્રકારના વિચારોમાં માર્ક્સની પૂર્વછાયા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. સમાજનવરચનાની તેમની કલ્પના અનુસાર, પ્રથમ તો, સમાજનાં નાનાં નાનાં એકમો (series) બનાવવાં જોઈએ. ત્યારપછી આવાં પચીસેક નાનાં એકમોમાંથી જૂથો રચવાં જોઈએ. જૂથોને તેઓ ફ્લૅંક્સ કહે છે. આ જૂથો શરૂઆતના નાનાં એકમો કરતાં ઉપરના સ્તરનું સંગઠન હશે. આવા ફ્લૅંક્સના મુખ્ય વ્યવસાયો ખેતી, પશુપાલન અને હસ્તકલા-કારીગરી અંગેના હશે. આવા પ્રત્યેક એકમની અલગ નિવાસવ્યવસ્થા હોય, પણ બધાં એક જ રસોડે જમે. પ્રત્યેકને તેમના કામ અનુસાર વેતન મળે. ફ્લૅંક્સ દ્વારા સંપત્તિની ન્યાયી વહેંચણી શક્ય બનશે એમ તેઓ માનતા હતા. રાજાશાહી કે અન્ય પ્રકારની રાજકીય પદ્ધતિમાં પણ ફ્લૅંક્સ પદ્ધતિ મુજબની સમાજની નવરચના તેમને મતે શક્ય હતી. આવા ફ્લૅંક્સનું એક વિશ્વવ્યાપી સમવાયતંત્ર ઊભું કરવાની તેમની મહેચ્છા હતી.
ફ્રાંસમાં નહિ પણ રુમાનિયા અને સ્વિટ્ઝર્લૅન્ડ જેવા દેશોમાં ફૂરિયેની વિચારસરણી મુજબની સમાજરચના ઊભી કરવાની દિશામાં પ્રયાસો થયા હતા. અમેરિકાના મૅસેચૂસેટ્સ રાજ્યનું બ્રુક ફાર્મ તેમજ રેડ બૅંક ખાતેના નૉર્થ અમેરિકી ફ્લૅંક્સ તથા ન્યૂજર્સીમાં કામ કરતા ફ્લૅંક્સ પણ એ જ દિશામાં હાથ ધરાયેલા પ્રયોગો હતા.
1968ના ફ્રાન્સમાં વિદ્યાર્થી-અજંપાના કાળ દરમિયાન ફ્લૅંક્સની દિશામાં જવાના પ્રયાસો થયા હતા, પરંતુ તે નિષ્ફળ નીવડ્યા હતા.
‘ટ્રીટિઝ ઑન ડૉમેસ્ટિક ઍગ્રિકલ્ચરલ એસોસિયેશન’ તથા ‘ધ ન્યૂ ઇન્ડસ્ટ્રિયલ વર્લ્ડ’ જેવા ગ્રંથોના તેઓ સર્જક હતા.
રક્ષા મ. વ્યાસ