ફૂદું (Moth) : કીટકવર્ગમાં રોમપક્ષ (lepidoptera) શ્રેણીના પતંગિયા જેવું પ્રાણી. કીટકોની દુનિયામાં રોમપક્ષ શ્રેણી સંખ્યાની ર્દષ્ટિએ બીજા ક્રમે આવે છે. એક અંદાજ મુજબ રોમપક્ષ શ્રેણીની આશરે એકાદ લાખ જેટલી જાતિઓથી વૈજ્ઞાનિકો પરિચિત છે. હજુ પણ હજારોની સંખ્યામાં અન્ય જાતિઓ ઓળખાઈ નથી. દેખાવે ફૂદાં અને પતંગિયાં એકસરખાં જ લાગે, પરંતુ ફૂદાં અને પતંગિયાં સ્પષ્ટ રીતે જુદાં પાડી શકાય છે. મોટાભાગે ફૂદાં નિશાચર હોવાથી રાત્રિના સમયે અને પતંગિયાં દિવસના સમયે ઊડતાં જોવા મળે છે. તેમ છતાં કેટલીક જાતિનાં ફૂદાં દિવસે પણ આમથી તેમ ઊડતાં જોવા મળે છે. ફૂદાંનો રંગ પ્રમાણમાં ઝાંખો હોય છે, જ્યારે પતંગિયાં વિવિધ રંગનાં, રંગબેરંગી અને દેખાવે આકર્ષક હોય છે. ફૂદાં જ્યારે પણ કોઈ સપાટી/વસ્તુ પર બેસે છે ત્યારે તેમની પાંખો સપાટીને સમાંતર રાખે છે. બેસતી વખતે પતંગિયાની બંને પાંખો એકબીજા સાથે ભેગી થઈને શરીરની ઉપરની બાજુએથી એકબીજાથી ચોંટેલી હોય છે એટલે કે સપાટી સાથે કાટખૂણો બનાવે છે. ફૂદાંનો ઉદરપ્રદેશ પ્રમાણમાં જાડો હોય છે. તેનો છેડાનો ભાગ અણીદાર હોય છે. પતંગિયાનું ઉદર પાતળું, નળાકાર અને છેડેથી બૂઠું હોય છે. પતંગિયામાં શૃંગિકામાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. સામાન્ય રીતે ફૂદાંના સ્પર્શકો (antennae) છેડા તરફ જતાં અણીદાર બને છે. પતંગિયાના સ્પર્શકો લાંબા હોય છે અને તેના છેવટના ખંડોની જાડાઈ ધીમે ધીમે વધીને તે દટ્ટાકાર (capitate) બને છે. જોકે કેટલાંક ફૂદાંમાં પણ તેનાં સ્પર્શકો દટ્ટાકાર જોવા મળે છે.
અન્ય કીટકોની જેમ ફૂદાંનું શરીર માથું (શીર્ષ), વક્ષ અને ઉદર – એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય છે. શીર્ષપ્રદેશમાં સ્પર્શકોની એક જોડ, એક જોડ સાદી આંખ, એક જોડ સંયુક્ત આંખ અને મુખાંગો આવેલાં હોય છે. સંયુક્ત આંખો માથાની ઉપરની તરફ બંને બાજુ એક એક આવેલી હોય છે. મુખાંગો પૃષ્ઠજમ્ભ (labrum) અને વક્ષજમ્ભ(labium)નાં બનેલાં હોય છે અને તે સૂંઢમાં રૂપાંતર પામેલાં છે. મુખાંગ વડે ફૂદાં પ્રવાહી ખોરાક (મધુરસ) ચૂસે છે. કેટલીક જાતિનાં ફૂદાંમાં મુખાંગ અવિકસિત હોઈ બિનકાર્યક્ષમ હોય છે. આવાં ફૂદાં તેમના જીવનકાળ દરમિયાન ખોરાક બિલકુલ લેતાં નથી; દા.ત., રેશમનાં ફૂદાં (Bombyx mori)નો વક્ષપ્રદેશ ત્રણ ખંડોનો બનેલો ભાગ છે. દરેક ખંડ પર નીચેની બાજુએ એક એક જોડ પગ આવેલા હોય છે, જ્યારે અનુક્રમે વક્ષપ્રદેશના બીજા અને ત્રીજા ખંડ પર ઉપરની બાજુએથી એક એક જોડ પાંખ નીકળે છે. સાયકિડી અને લાયમેન્ફ્રિડી કુળની કેટલીક જાતિઓનાં માદા ફૂદાંને પાંખો હોતી નથી, જ્યારે માત્ર નર ફૂદાં પાંખો ધરાવે છે. તે જ પ્રમાણે પાયરેલિડી કુળનાં કેટલાંક ફૂદાંની અમુક માદા પણ પાંખો વગરની હોય છે, જ્યારે કેટલીક પાંખોવાળી હોય છે. વક્ષ બાજુએથી શ્વસન માટેનાં અંગ રૂપે શ્વસનછિદ્રો (spiracles) આવેલાં હોય છે.
પાંખોનો ઉપયોગ મુખ્યત્વે ઉડ્ડયન માટે થતો હોય છે; પરંતુ કેટલીક જાતિનાં ફૂદાં પાંખનો ઉપયોગ સ્વરક્ષણ માટે કરતાં હોય છે. પાંખોના બાહ્ય સ્તર પર રહેલાં ભીંગડાં જુદા જુદા રંગ ધરાવે છે. તેથી ફૂદાં રંગબેરંગી અને આકર્ષક લાગે છે. પરિણામે નર અને માદા એકબીજાથી આકર્ષાય છે. કેટલાંક ફૂદાંમાં ભીંગડાં બિલકુલ હોતાં નથી, તેથી તે ઝાંખાં લાગે છે. કેટલીક જાતિમાં નર ફૂદાંની પાંખોમાં ખાસ પ્રકારની ગંધ માટેની ગ્રંથિઓ (scent glands) આવેલી હોય છે જે સંવનનક્રિયામાં મદદરૂપ નીવડે છે. મોટેભાગે ફૂદાંની પ્રથમ અને બીજી જોડ પાંખ એકાંતરે ક્રિયાશીલ બને છે; પરંતુ અમુક જાતિનાં ફૂદાંમાં પ્રથમ અને બીજી જોડ પાંખ એકબીજી સાથે આંકડાની જેમ ભિડાઈ જઈને એકીસાથે ઉપર-નીચે ખસે છે અને ઊડવા માટે સહાયભૂત બને છે. ફૂદાંની બંને પાંખની જોડ લગભગ એકસરખા આકાર અને કદની હોય છે તેમજ તેની શિરાઓ પણ એકસરખી હોય છે; પરંતુ મોટાભાગની પાંખની બીજી જોડ કદમાં નાની, ગોળાકાર અને ઓછી શિરાઓવાળી હોય છે. પાંખોમાં આવેલી શિરાઓની રચના ફૂદાંની ઓળખ અને વર્ગીકરણ માટે ખૂબ જ મહત્ત્વની બને છે.
ફૂદાંનો ઉદરપ્રદેશ દસ ખંડોનો બનેલો હોય છે. શરૂઆતના આઠ ખંડો પર એક એક જોડ શ્વસનછિદ્રો આવેલાં હોય છે, જે શ્વાસોચ્છવાસની ક્રિયામાં ઉપયોગી થાય છે. પાયરાલૉઇડ અને જિયોમેટ્રી જાતિનાં ફૂદાંમાં ઉદરપ્રદેશના પ્રથમ અથવા તો બીજા ખંડ પર સાંભળવા માટે કર્ણપટલ(tympanum)ની ગોઠવણ થયેલી છે. ઉદરપ્રદેશના છેડાના ખંડો પર જનનાંગો આવેલાં હોય છે.
ફૂદું એ સંપૂર્ણ કાયાન્તરણ પામતો કીટક છે. તેના જીવનક્રમમાં તે ઈંડાં, ઇયળ (larva), કોશેટો (pupa) અને પુખ્ત એમ ચાર અવસ્થામાંથી પસાર થાય છે.
ફૂદાંની ઇયળનાં મુખાંગો ચાવીને ખાવા માટે અનુકૂલન પામેલાં હોય છે અને વિવિધ ખેતીપાકોને કાપી ખાઈને નુકસાન કરે છે. ફૂદાંની જાતિ મુજબ જે તે ખેતીપાકને તે આર્થિક રીતે નુકસાન પહોંચાડે છે. કેટલીક જાતિની ઇયળો સંગ્રહેલા અનાજને પણ નુકસાન કરે છે. જોકે કેટલીક જાતિની ઇયળ હઠીલા નીંદામણનો નાશ કરે છે; દા.ત., દક્ષિણ અમેરિકામાં ઊગતા ફાફડાથોરના નાશ માટે કૅક્ટસ ફૂદાં- (Cactoblastis-cactorum)નો ઉપયોગ થાય છે. કેટલાક દેશમાં અમુક જાતિનાં ફૂદાં અને ઇયળો માનવ-આહાર તરીકે વપરાય છે. શેતૂરનાં ફૂદાંનો ઉપયોગ રેશમ મેળવવા માટે થાય છે. શેરડીના પાકમાં નુકસાન કરતી પાયરીલા નામની જીવાતના નિયંત્રણ માટે એપિરિકેનિયા મેલાનોલ્યુકા ફૂદાંનો ઉપયોગ થાય છે. ખેતીપાકોમાં પરાગનયનની ક્રિયામાં ફૂદાંનો ફાળો ખૂબ જ ઉપયોગી સાબિત થયેલો છે. આ સિવાય ફૂદાંની અમુક જાતિ (દા.ત., gypsy moth) જનીનવિજ્ઞાન, દેહધાર્મિક, આનુવંશિક અને ઉત્ક્રાંતિના અભ્યાસ માટે પ્રાયોગિક પ્રાણીઓની ગરજ સારે છે. ઘણા મહાન ચિત્રકારો ફૂદાંના રંગબેરંગી રંગો જોઈને પોતાની કલાકૃતિઓમાં આવા રંગો પૂરીને આકર્ષક ચિત્ર દોરે છે.
પરબતભાઈ ખી. બોરડ
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ