ફૂકો, ઝ્યાં બર્નાર્ડ-લિયૉન (જ. 18 સપ્ટેમ્બર 1819, પૅરિસ, ફ્રાંસ; અ. 11 ફેબ્રુઆરી 1868) : ફ્રેન્ચ ભૌતિકવિજ્ઞાની. તેમણે પ્રકાશનો વેગ માપવા માટે અત્યંત ચોકસાઈવાળી કાર્યપદ્ધતિ (technique) વિકસાવી. ઉપરાંત તેમણે પ્રાયોગિક રીતે પણ પુરવાર કર્યું કે પૃથ્વી પોતાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ(axis)ની આસપાસ ભ્રમણ (rotation) કરે છે. આમ તો તેમણે પોતે તબીબી વિજ્ઞાનનું શિક્ષણ લીધું હતું, પણ પાછળથી તેમને પ્રાયોગિક ભૌતિકવિજ્ઞાનમાં ભારે રસ પડ્યો. આ સમય દરમ્યાન આર્મંડ ફિઝૌની ફ્રાંસના નોંધપાત્ર ભૌતિકવિજ્ઞાની તરીકે ગણના થતી હતી. આથી ફૂકોએ ફિઝૌની સાથે રહીને પ્રકાશ અને ઉષ્માના ક્ષેત્રે શ્રેણીબદ્ધ અન્વેષણો શરૂ કર્યાં. 1850માં તેમણે સ્થાપિત કર્યું કે પ્રકાશ હવામાં વધુ ઝડપે અને પાણીમાં ઓછી ઝડપે મુસાફરી કરે છે. તે જ વર્ષે તેમણે પ્રકાશના વેગનું ચોક્કસ મૂલ્ય નક્કી કર્યું.
1851માં તેમણે 67 મીટર લાંબા તારના છેડે લોખંડનો ખૂબ ભારે ગોળો બાંધીને છત ઉપરથી લટકાવ્યો. આ ગોળાને પછીથી દોલાયમાન કરવામાં આવ્યો. ગોળાની ગતિને આધારે તેમણે અર્થઘટન કર્યું કે પૃથ્વી તેની ધરીની આસપાસ ભ્રમણ કરે છે. આ લોલકને ફૂકોનું લોલક કહે છે. આવું ફૂકો લોલક હંમેશાં એક જ ઊર્ધ્વ સમતલમાં દોલન કરે છે. આ સાથે પૃથ્વી પણ ભ્રમણ કરે છે. આથી ઊર્ધ્વ સમતલ પણ ધીમે ધીમે બદલાય છે. આ ઊર્ધ્વ સમતલના ફેરફારનો દર અને દિશા લોલક જે સ્થળે રાખ્યું હોય તેના ભૌગોલિક અક્ષાંશ ઉપર આધાર રાખે છે. આ નિર્દેશન અને વિઘૂર્ણદર્શી(gyroscope)નો ઉપયોગ કરીને બીજાં નિર્દેશન કર્યાં તે બદલ ફૂકોને લંડનની રૉયલ સોસાયટી તરફથી કૉપ્લે (Copley) ચંદ્રક એનાયત કરવામાં આવ્યો. આ સાથે પૅરિસની ઇમ્પીરિયલ વેધશાળામાં મદદનીશ વૈજ્ઞાનિક તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી. તેમણે પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતી તાંબાની તકતીમાં ઘૂમરી (eddy)-પ્રવાહનું અસ્તિત્વ શોધી કાઢ્યું. આ પ્રવાહને ‘ફૂકો પ્રવાહ’ પણ કહે છે. ઉપરાંત ટેલિસ્કોપના અરીસાઓ ઉપરની પૃષ્ઠક્ષતિઓની કસોટી માટે સાદી પણ અત્યંત પરિશુદ્ધ પદ્ધતિ વિકસાવી.
ફૂકોનું લોલક : પૃથ્વી તેની ધરીની આસપાસ એક દિવસમાં એક પરિભ્રમણ પૂરું કરે છે એટલે કે 24 કલાકમાં 360° ભ્રમણ કરે છે. આથી તેનું દર કલાકે ભ્રમણ 15° થાય છે. ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવ આગળ ફૂકો લોલકનો ભ્રમણ-દર કલાકે 7°½ થાય છે, કારણ કે Sin 30°નું મૂલ્ય ½ થાય છે. કોઈ પણ સ્થળ આગળ ફૂકો લોલકનો ભ્રમણ-દર હકીકતમાં તે સ્થળ આગળ પૃથ્વીની સપાટીને લંબ એવા ભ્રમણ-દરના ઘટકના સંખ્યાત્મક મૂલ્ય જેટલો થાય છે.
અમદાવાદની ભૌતિક સંશોધન પ્રયોગશાળા(PRL)માં અને પુણેની આંતર યુનિવર્સિટી ખગોળવિદ્યા અને ખગોળભૌતિકવિજ્ઞાન કેન્દ્ર(IUCAA)માં આ પ્રકારના ફૂકો લોલકનું ચોવીસે કલાક નિર્દેશન જોવા મળે છે.
આનંદ પ્ર. પટેલ