ફુલે, મહાત્મા જોતીબા

February, 1999

ફુલે, મહાત્મા જોતીબા (જ. 1827, પુણે; અ. 28 નવેમ્બર 1890, પુણે) : અર્વાચીન મહારાષ્ટ્રના ક્રાંતિકારી વિચારક અને સમાજસુધારક. મૂળ વતન સતારા જિલ્લાનું કંટગુણે પણ પછી પુરંદર તાલુકાના ખાનવડી ખાતે સ્થાયી રહ્યા. પિતાનું નામ ગોવિંદરાવ અને માતાનું નામ ચિમણાબાઈ. મૂળ અટક ગો–હે, પરંતુ ફૂલોના વ્યવસાયમાં પિતાએ ખૂબ સફળતા મેળવી હોવાથી તેમના જમાનાથી ‘ફુલે’ અટક પ્રચલિત થઈ. સાત વર્ષની ઉંમરે ગામઠી શાળામાં દાખલ થયા પરંતુ શાળાનું વાતાવરણ સારું ન હોવાથી અધવચ્ચેથી પિતાએ શાળા છોડાવી દીધી અને બાગકામમાં પરોવ્યા. 1842માં અંગ્રેજી શાળામાં દાખલ થયા પરંતુ અંગ્રેજી શાસન સામે ઝુંબેશ ચલાવવાના હેતુથી લહુજીબુવા નામના પહેલવાન પાસેથી વિવિધ પ્રકારની અંગકસરતો શીખ્યા. આતંકવાદી પ્રવૃત્તિઓથી બ્રિટિશ શાસનને ઉથલાવી શકાશે નહિ તેવું જણાતાં સમાજસુધારણાનું વ્રત લીધું. દરમિયાન શાળાંત પરીક્ષા સુધીનું અંગ્રેજી શિક્ષણ સારી પેઠે પૂરું કર્યું. અંગ્રેજી ભાષાના સારા ગ્રંથો વાંચવાની તથા અંગ્રેજીમાં લેખનકાર્ય કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી. 1840માં સાવિત્રી સાથે લગ્ન થયાં. પાંચ દાયકાની સમાજસુધારણાની પ્રવૃત્તિઓમાં તેમણે પતિને સંપૂર્ણ નિષ્ઠાથી સહકાર આપ્યો. તેનું અધુરું શિક્ષણ લગ્ન બાદ જોતીબાએ પૂરું કર્યું. જોતીબાએ ભારતનો પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ, પશ્ચિમના દેશોનું સાહિત્ય અને તેમનો ઇતિહાસ, ફ્રેન્ચ અને અમેરિકન રાજ્યક્રાંતિ વગેરેનો ઊંડો અભ્યાસ કર્યો. સાથોસાથ ચાર વેદો, સ્મૃતિઓ, ઉપનિષદો અને પુરાણોનું પણ અધ્યયન કર્યું. તેમની વિચારસરણી તથા સામાજિક સુધારણા પ્રત્યેનો તેમનો અભિગમ આ અધ્યયનની જ નીપજ ગણાય.

કેળવણીના પ્રસાર માટે 1848માં તેમણે પુણે ખાતે છોકરાઓ માટેની શાળા શરૂ કરી. આ શાળામાં તેમનાં પત્ની અધ્યાપન કરતાં. 1851માં તેમણે છોકરીઓ માટે પણ અલગ શાળાની સ્થાપના કરી. 1852માં નીચલા વર્ગનાં બાળકો માટે તેમણે બે ખાસ નિશાળો શરૂ કરી અને તેનું વ્યવસ્થિત સંચાલન થાય તે હેતુથી શિક્ષણ મંડળીની સ્થાપના કરી. કોઈ પણ સંપ્રદાય પર આધારિત ધર્મમાં તેમને આસ્થા ન હતી. તત્કાલીન સમાજ પર વર્ચસ્ ધરાવતા બ્રાહ્મણવાદને દૂર કરવાનું બીડું ઝડપ્યું હતું. સાથોસાથ બ્રાહ્મણવાદ સામેની ઝુંબેશ દરમિયાન બ્રાહ્મણો પ્રત્યે સમાજમાં વેરભાવના પેદા ન થાય તેની તેમણે પૂરતી તકેદારી રાખી હતી. અસ્પૃશ્યો પ્રત્યેની કરુણાને લીધે પોતાના મકાનના આંગણામાં આવેલ પીવાના પાણીનો હોજ તેમણે અસ્પૃશ્યો માટે ખુલ્લો મૂક્યો હતો.

સમાજસુધારણાની ઝુંબેશને સંગઠિત ઓપ આપવા માટે તેમણે 1873માં સત્યશોધક સમાજની સ્થાપના કરી અને તેમાં બધા જ ધર્મો તથા જાતિઓના નાગરિકોને સ્થાન મળે તેવું ધોરણ અપનાવ્યું. આ સંસ્થાનાં ચાર મુખ્ય તત્વો હતાં : (1) ઈશ્વર સર્વવ્યાપી છે અને પૃથ્વી પરનાં બધાં જ પ્રાણીઓ તેનાં સંતાન છે. (2) ઈશ્વરની ભક્તિ કરવાનો બધાંને સમાન અધિકાર છે. કોઈ પણ વ્યક્તિ તેની જાતિને કારણે નહિ, પરંતુ તેના ગુણોને આધારે જ શ્રેષ્ઠતાનો દાવો કરી શકે છે. (3) કોઈ પણ ગ્રંથ સર્વને માટે પ્રમાણ કે ઈશ્વરપ્રણીત નથી. (4) પુનર્જન્મ, જાપ, તપ, કર્મકાંડ જેવી બાબતો અજ્ઞાનમૂલક છે, તે અંધશ્રદ્ધાની નીપજ છે.

સમાજસુધારણાની ઝુંબેશ હેઠળ વિધવાવિવાહને પ્રોત્સાહન; વાસનાનો શિકાર બનેલી વિધવાઓને રક્ષણ; વિધવાઓના કેશવપનનો વિરોધ; અસ્પૃશ્યોદ્ધાર, બાળહત્યાપ્રતિબંધ, દ્વિભાર્યાપ્રતિબંધ; આંતર-જાતીય વિવાહને પ્રોત્સાહન; અનૌરસ બાળકો માટે અનાથાશ્રમની સ્થાપના જેવા વિવિધ કાર્યક્રમો તેમણે હાથ ધર્યા અને તે માટે ઠેર ઠેર પ્રચાર અભિયાન ચલાવ્યું.

જોતીબા અને તેમનાં પત્ની દ્વારા કરવામાં આવતી આ પ્રવૃત્તિઓનો તેમના પરિવારમાં અને સમાજમાં ખૂબ વિરોધ થયો. તે બંનેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવેલાં. તેમ છતાં તે બંને અડીખમ રહ્યાં.

1876–82 દરમિયાન જોતીબા પુણે નગરપાલિકાના સભ્ય હતા અને આ પદનો ઉપયોગ પણ તેમણે તેમના સમાજસુધારણાના કાર્યક્રમોને આગળ ધપાવવા કર્યો હતો.

આર્થિક બાબતો અંગે પણ તેઓ પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા હતા. ભારતની કૃષિવ્યવસ્થામાં તથા કુટિર અને નાના પાયાના ઔદ્યોગિક એકમોમાં અદ્યતન તંત્રવિજ્ઞાનનો ઉપયોગ કરવાની તેમણે તરફેણ કરી હતી.

‘સાર્વજનિક સત્યધર્મ’ (1891) શીર્ષક હેઠળના નિબંધમાં તેમણે વિશ્વકુટુંબના ખ્યાલને સમર્થન આપ્યું હતું તથા ફ્રેન્ચ રાજ્યક્રાંતિના ફળરૂપ સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતોની ભારતના પરિપ્રેક્ષ્યમાં જોરદાર હિમાયત કરી હતી. બ્રાહ્મણવાદીઓએ તત્કાલીન બહુજન સમાજ પર જે સામાજિક આર્થિક ગુલામી લાદી હતી તે ખુલ્લી પાડવા માટે તેમણે ‘બ્રાહ્મણાંચે કસબ’ (1869), ‘ગુલામગિરી’ (1873), તથા ‘સત્સાર’ (1885) – આ ત્રણ નિબંધો લખ્યા હતા. તેમના અન્ય સાહિત્યસર્જનમાં ‘અખંડાદી કાવ્યરચના’ (1869), છત્રપતિ શિવાજી મહારાજ પર લખેલ પવાડા (1869) અને ‘ઈશારા’ (1885)નો સમાવેશ થાય છે.

શિક્ષણક્ષેત્રે તેમણે કરેલ કાર્ય પ્રત્યેની કદર રૂપે 1852માં તત્કાલીન મુંબઈ પ્રાંતના શિક્ષણ વિભાગ દ્વારા તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. તેમની ષષ્ટિપૂર્તિ પ્રસંગે 1887માં મુંબઈના ગવર્નરના પ્રમુખપણા હેઠળ તેમનો સત્કાર કરવામાં આવ્યો હતો અને તે સમારંભમાં જ જોતીબાને ‘મહાત્મા’નું બિરુદ આપવામાં આવ્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે