ફુગાવાલક્ષી હિસાબી પ્રથાઓ : ચલણના મૂલ્યમાં ઘટાડો થવાથી ધંધાની મિલકતોની કિંમત અને નફાનુકસાનની ગણતરી ઉપર થતી અસર દર્શાવવાની એક પદ્ધતિ. હિસાબો રજૂ કરવાની સામાન્ય પદ્ધતિ મુજબ મિલકતોને ખરીદ-કિંમતે દર્શાવવામાં આવે છે અને નિયત દરે દર વર્ષે તેમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે. આમ ખરીદ-કિંમતમાંથી ઘસારો બાદ કરીને બાકી રહેલી કિંમત એટલે કે ઐતિહાસિક (historical) કિંમતે મિલકતો બતાવાય છે. ફુગાવા તેમજ અન્ય કારણોસર સમાન મિલકતોની ખરીદી કે પુન:સ્થાપના માટે ઘસારા દ્વારા ઊભું થતું ભંડોળ પૂરતું રહેતું નથી. ઐતિહાસિક કિંમત બતાવવા પાછળની એક ધારણા એ છે કે નાણાનું મૂલ્ય સ્થિર રહે છે. વાસ્તવમાં ભાવસપાટીનાં પરિવર્તનો ધ્યાનમાં ન રખાય તો સરવૈયામાં મિલકતની દર્શાવાતી કિંમતો અવાસ્તવિક બની રહે.
વળી, નફા, નુકસાન-ખાતામાં મહેસૂલી ખર્ચા ચાલુ ભાવસપાટીએ અને ઘસારો અગાઉનાં વર્ષોમાં ઓછી ભાવસપાટીએ ખરીદેલી મિલકતની મૂળ કિંમતના આધાર પર દર્શાવાય તો તે હિસાબોમાં વિસંગતતા પેદા કરે છે.
ઉદાહરણ તરીકે એક કંપનીનાં પાંચ વર્ષ અગાઉ ખરીદેલાં યંત્રોની મૂળ ખરીદ-કિંમત રૂ. 50,00,000 છે. ફુગાવાના લીધે સમાન યંત્રોની ચાલુ બજાર-કિંમત રૂ. 90,00,000 છે, સરળરેખા ઘસારા પદ્ધતિ અનુસાર ઘસારાનો દર 10% છે અને કંપનીએ ચાલુ વર્ષ દરમિયાન નીચે પ્રમાણે રૂ. 20,00,000 ચોખ્ખો નફો કર્યો છે.
ઉધાર | જમા | ||
ઉત્પાદન માટે વાપરેલા 3,000 યુનિટ કાચા માલની દર યુનિટના રૂ.1,000 લેખે ખરીદ-કિંમત | 30,00,000 | ઉત્પન્ન થયેલા બધા તૈયાર માલની વેચાણ-કિંમત | 80,00,000 |
મજૂરી | 15,00,000 | ||
ઑફિસ-ખર્ચ | 10,00,000 | ||
ઘસારો રૂ. 50,00,000 ઉપર 10% પ્રમાણે | 5,00,000 | ||
આવકવેરો ભર્યા અગાઉનો ચોખ્ખો નફો | 20,00,000 | ||
રૂ. 80,00,000 | રૂ. 80,00,000 |
નાણાનું મૂલ્ય સ્થિર રહેતું નથી તેવો વિશ્વમાં અનેક દેશોનો અનુભવ છે. ઉપર્યુક્ત ઉદાહરણમાં જુનવાણી પદ્ધતિ અનુસાર નક્કી કરેલો રૂ. 20,00,000નો નફો અવાસ્તવિક છે અને તેમાંથી આવકવેરો ભર્યા પછી બાકી રહેલી રકમ ડિવિડન્ડના સ્વરૂપમાં વહેંચવાની નીતિ કંપની અજમાવે તો તેના માટે તે લાંબા ગાળે આર્થિક રીતે જોખમકારક છે, કારણ કે યંત્રોની ઐતિહાસિક કિંમત પર આધારિત દર વર્ષે રૂ. 5,00,000 લેખે ઘસારા દ્વારા ઊભું કરવામાં આવતું ભંડોળ પૂરતું નથી. આ પ્રમાણે તો 10 વર્ષના અંતે ફક્ત રૂ. 50,00,000નું ભંડોળ જ ઊભું થાય અને સમાન યંત્રોની ચાલુ ભાવસપાટીએ ખરીદવાની કિંમત રૂ. 90,00,000 તેમજ ભવિષ્યમાં પણ ફુગાવો વધે તેવી પરિસ્થિતિ લક્ષમાં લેતાં જૂનાં યંત્રોના બદલે જરૂર પડ્યે નવાં યંત્રો ખરીદવામાં કંપનીને આર્થિક મુશ્કેલીઓ પડે.
આથી જ ઐતિહાસિક કિંમતોના આધારે તૈયાર થતા હિસાબો સાથે વર્તમાન ભાવસપાટી ધ્યાનમાં લઈ ફુગાવાની અસર દર્શાવતાં જે પત્રકો સાથે બીડવામાં આવે છે તેને ફુગાવાલક્ષી હિસાબી પ્રથા કહે છે. ફુગાવાલક્ષી હિસાબોમાં પ્રવર્તમાન ભાવસપાટીની અસર મૂડી-દેવાં-લેણાં અન્ય જવાબદારીઓની ચુકવણીમાં ન થતાં માત્ર મિલકતો પર થાય છે. આમ આ વિગતો તો ઐતિહાસિક કિંમતે જ દર્શાવાય છે.
ફુગાવાની મિલકતો પર પડતી અસરને આ હિસાબોમાં દર્શાવવામાં આવે છે. મિલકતોની કિંમતના વધારા સામે મૂળ કિંમતના આધારે ઘસારાની જોગવાઈ કરવાથી નફાનુકસાન ખાતામાં પરોક્ષ રીતે પેદા થતો નફો મૂડી-નફો હોઈ ડિવિડન્ડના સ્વરૂપમાં વહેંચી દેવાના બદલે ધંધામાં જ રાખવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ બાદ સતત ભાવવધારો થતો રહ્યો, તેથી આ હિસાબી પ્રથાનો ઉદભવ થયો અને તે ફુગાવાલક્ષી હિસાબી પ્રથા તરીકે ઓળખાઈ. વાસ્તવમાં આ પ્રથા એ ભાવવધઘટલક્ષી પ્રથા છે. ખાસ કરીને 1994 બાદ વિશ્વમાં મંદી પ્રસરી રહી છે, તેથી મિલકતોની કિંમત સતત ઘટી રહી છે, જે ઘટાડાને પણ આ પ્રથામાં દર્શાવવામાં આવે છે. આમ થવાથી જે ખોટ થાય તેને મૂડીનફા કે મહેસૂલી નફા – બંનેથી સરભર કરી શકાય છે. વર્તમાન પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો અગ્નિ એશિયાના દેશોએ આ અંગેની કાળજી લીધી હોત તો ઘણી કંપનીઓ નાદાર થતી અટકી હોત. ટૂંકમાં, ફુગાવાની વ્યાપક અસરો ધ્યાનમાં લેતાં, ઐતિહાસિક રીતે તૈયાર થતા હિસાબો ધંધાની પરિસ્થિતિનો સાચો અને વાજબી ખ્યાલ આપતા નથી, તેમજ ધંધાકીય પ્રવૃત્તિનું સાચું પરિણામ કે નાણાકીય સ્થિતિ દર્શાવતા નથી. તેથી ઐતિહાસિક રીતે તૈયાર થતા હિસાબોની સાથે વર્તમાન ભાવસપાટીને લક્ષમાં લઈને જુદાં પત્રકો તૈયાર કરવામાં આવે છે. ફુગાવાલક્ષી હિસાબી પ્રથા મુજબ હિસાબો પર ફુગાવાની અસર દર્શાવવાની પદ્ધતિઓમાં (1) હિસાબોમાં નોંધ મૂકવાની પદ્ધતિ, (2) પુન:સ્થાપના અનામત પદ્ધતિ, (3) અંશત: ફેરફાર પદ્ધતિ, (4) વર્તમાન ખરીદશક્તિ પદ્ધતિ અને (5) વર્તમાન પડતર પદ્ધતિનો સમાવેશ થાય છે. પ્રથમ બે પદ્ધતિઓ વાસ્તવમાં હિસાબોમાં ફેરફાર કરવાની પદ્ધતિ જ નથી. બાકીની ત્રણ પદ્ધતિઓની વિશિષ્ટતાઓ નીચે પ્રમાણે છે :
અંશત: ફેરફાર પદ્ધતિ : આ પદ્ધતિ હેઠળ સરવૈયામાં ફુગાવાની અસરને અનુરૂપ ફેરફારો કેટલીક રકમોમાં કરવામાં આવતા નથી અને કેટલીક રકમોમાં કરવામાં આવે છે. રોકડ રકમ, દેવાદારો, બૅન્ક-ખાતાં, લેણદારો, ફિક્સ્ડ ડિપૉઝિટો, લોન, ડિબેન્ચરો વગેરે કરાર અથવા કાનૂનથી બંધાયેલ અથવા નિયંત્રિત થયેલ હોય છે અને તેમની ઉપર સામાન્ય ભાવસપાટીની પ્રત્યક્ષ અસર વર્તાતી નથી. તેથી આવી રકમો નાણાકીય (monetary) રકમો કહેવાય છે અને તે પત્રકોમાં કોઈ પણ પ્રકારના ફેરફાર વગર બતાવવામાં આવે છે. જમીન, મકાન, યંત્રો, માલસામાન અને નાણાકીય રકમો સિવાયની અન્ય રકમો બિનનાણાકીય રકમો કહેવાય છે. જો તેમની કિંમતમાં ખરીદી કર્યા પછી ફુગાવાના કારણે વધારો થયો હોય તો પત્રકોમાં આનુષંગિક ફેરફાર કરવામાં આવે છે.
વર્તમાન ખરીદશક્તિ પદ્ધતિ (current purchasing power method) : નાણાની કિંમતમાં થતા ફેરફારની અસર બજારભાવના સ્તર ઉપર પડે છે તેવી ધારણા પર આધારિત આ પદ્ધતિ અનુસાર અધિકૃત સામાન્ય ભાવાંકનો ઉપયોગ કરીને તથા સરવૈયા અને નફાનુકસાન ખાતાની રકમોનું મૂલ્યાંકન કરીને ફુગાવાની અસર દર્શાવતાં પત્રકો બનાવવામાં આવે છે. ભારતમાં આવાં પત્રકો બનાવવા માટે ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા પ્રકાશિત જથ્થાબંધ ભાવાંકનો ઉપયોગ થાય છે; પરંતુ આ પ્રકારના ભાવાંક દરેક વસ્તુના બજારભાવમાં થયેલા ફેરફારનું પ્રતિબિંબ પાડતા ન હોવાથી કોઈક વાર એવું પણ બને કે કંપનીના સરવૈયામાં બતાવેલા કોઈ યંત્રની બજારકિંમતમાં ખરેખર ઘટાડો થયો હોય છતાં ભાવાંક-વધારાના કારણે યંત્રની કિંમત જો વધારવામાં આવી હોય તો ફુગાવાની અસર દર્શાવતું પત્રક અવાસ્તવિક બની જાય.
વર્તમાન પડતર પદ્ધતિ (current cost accounting method) : આ પદ્ધતિ યુ. કે.માં વિકસાવવામાં આવેલી છે. તે અનુસાર ફુગાવાની અસર દર્શાવતાં પત્રકોમાં ધંધાની સ્થાવર મિલકત તેના સાંપ્રત બજારભાવે, સ્ટોર્સ અને સ્ટૉક (જો તે ગુમાવવો પડે તો) માલિકને જે સંભવિત નુકસાન થાય તેને અનુરૂપ ભાવે, કાચો માલ ખરીદ-કિંમતના બદલે માલ જે તારીખે વાપર્યો હોય તે દિવસના પ્રવર્તમાન બજારભાવે અને મિલકતનો ઘસારો મિલકતની પ્રવર્તમાન બજારકિંમતના આધારે ગણવામાં આવે છે.
આ ત્રણ પદ્ધતિઓ પૈકી કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. જોકે દરેક પદ્ધતિની વિશેષતા અને મર્યાદાઓ છે. આમ ઉપયોગ કરતી વખતે જે તે પદ્ધતિની મર્યાદાઓ લક્ષમાં રાખવી ઉચિત ગણાય.
દુષ્યંતકુમાર જનકરાય વસાવડા