ફુકન, નીલમણિ (જ. 1933) : આધુનિક અસમિયા કવિતાના અગ્રણી કવિ. ઉચ્ચશિક્ષણ કૉટન કૉલેજ, ગુવાહાટી. ગુવાહાટીની એક કૉલેજમાં ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કર્યું છે. નીલમણિ ફુકન ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્ય આદિ વિવિધ લલિત કળાઓના મર્મજ્ઞ સમીક્ષક પણ છે; પરંતુ મુખ્યત્વે તો કવિ જ છે. તેમના પ્રકટ થયેલા કાવ્યસંગ્રહો છે : ‘સૂર્ય હેનો નામિ આહે એઈ નદીયેદિ’ (1963), ‘નિર્જનતાર શબ્દ’ (1965), ‘આરુ કિ નૈ:શબ્દ્ય’ (1968), ‘ફૂલિથકા સૂર્યમુખિ ફલટાર ફાલે’ (1972), ‘કાઇટ આરુ ગોલાળ આરુ કાઇટ’ (1975). આ સંગ્રહોમાંથી 65 રચનાઓ પસંદ કરી ‘ગોલાળી જામુર લગ્ન’ સંગ્રહ રૂપે 1977માં પ્રકટ કરી; બાકીની પોતાની કાવ્યરચનાઓને રદ ગણી છે. અલબત્ત, એ પછી 1980માં ‘કવિતા’ સંગ્રહ પ્રકટ થયો. ‘નૃત્યરતા પૃથિવી’ (1985) ફુકનનો છેલ્લો કાવ્યસંગ્રહ છે.

નીલમણિ ફુકન
નીલમણિ ફુકનની કવિતામાં કલ્પન, પ્રતીકના વ્યવહાર ઉપરાંત ભાષાપ્રયોગ પ્રત્યેની સજગતા ધ્યાન ખેંચે છે. એમની પ્રાય: વ્યંજનાપ્રધાન રચનાઓ સામાન્ય વાચકને દુર્બોધ પણ લાગે. નીલમણિ નિર્જનતાના કવિ ગણાય છે અને એ રીતે બંગાળી કવિ જીવનાનંદ દાસની સાથે થોડુંક સામ્ય ધરાવે છે. તેમની કવિતામાં નારી અને પ્રકૃતિ-વિષયક ચેતના મુખ્ય છે. નિર્જનતા કે નિ:સંગતાના બોધ ઉપરાંત મૃત્યુચેતના પણ છે; પરંતુ અગત્યની વાત એ છે કે આ સમગ્ર વેદના-વ્યથા વચ્ચે પણ અસમિયા કવિ-સમીક્ષક ભવેન બરુઆ કહે છે તેમ, એક પ્રકારનો આનંદબોધ એમની કવિતામાં પ્રતીત થાય છે.
નીલમણિ ફુકનની કવિતામાં સામ્પ્રતબોધનું મુખરિત આસ્ફાલન નથી, પણ આજના માનવીની નિ:સંગતાની, નિયતિની ગંભીરગહન વિષાદરેખા છે, જે રચનારીતિ અને સર્જનાત્મક ભાષાના જાદુઈ સ્પર્શથી રસજ્ઞ ચિત્તને ઊંડેથી ખળભળાવે છે. વળી શિલ્પ, ચિત્ર આદિ કળાઓના અનુશીલનથી તેમનાં કલ્પનોની સૃષ્ટિમાં વૈચિત્ર્ય-વૈવિધ્ય આવ્યું છે. નીલમણિની કવિતામાં ભાગ્યે જ ઊંચો સૂર જોવા મળશે. તેમનો વાક્-સંયમ, વ્યંજના ક્વચિત્ ફ્રેંચ પ્રતીકવાદી કવિ માલાર્મેના કાવ્યાદર્શની નજીક જઈ પહોંચે છે.
‘કવિતા’ નામે તેમના સંગ્રહને સાહિત્ય એકૅડેમીનો એવૉર્ડ મળ્યો છે. તેમણે યુગોસ્લાવિયામાં સ્ટુગાનગરમાં યોજાતા કવિતા-ઉત્સવમાં 1982માં ભારતીય કવિ તરીકે ભાગ લીધો હતો. તાજેતરમાં (1997) તેમને પ્રતિષ્ઠિત અસમ વૅલી એવૉર્ડથી અલંકૃત કરવામાં આવ્યા છે.
ફુકને જાપાની અને ચીની કાવ્યોના તથા સ્પૅનિશ કવિ લૉર્કાનાં કાવ્યોના અસમિયામાં અનુવાદ કર્યા છે, જે વ્યાપક પ્રશંસા પામ્યા છે.
ભોળાભાઈ પટેલ