ફુકન, તરુણ રામ (જ. 22 જાન્યુઆરી 1877, ગુવાહાટી, આસામ; અ. 28 જુલાઈ 1939, ગુવાહાટી, આસામ) : આસામના જાણીતા સ્વાતંત્ર્યસેનાની અને સાહિત્યકાર. પોતાના પ્રદેશની જનતામાં તેઓ ‘દેશભક્ત’ના ઉપનામથી જાણીતા હતા. તેઓ પ્રભાવશાળી વક્તા અને ઉચ્ચ કોટિના લેખક હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ ગુવાહાટીમાં લીધું હતું અને કૉલેજશિક્ષણ શરૂઆતમાં ગુવાહાટી અને પછીથી કલકત્તામાં મેળવ્યું હતું. સ્નાતકની પદવી મેળવ્યા પછી વધુ અભ્યાસાર્થે તેઓ લંડન ગયા અને બૅરિસ્ટર બની સ્વદેશ પાછા ફર્યા. શરૂમાં ગુવાહાટીની લૉ કૉલેજમાં પ્રાધ્યાપક તરીકેની કારર્કીદી પસંદ કરી અને પછીથી વકીલાતના વ્યવસાયમાં જોડાયા અને તેમાં ઘણી પ્રતિષ્ઠા મેળવી.
વ્યવસાયની સાથે સાથે તેમણે રાજકીય પ્રવૃત્તિમાં રસ લીધો અને આસામ ઍસોસિયેશનના સભ્ય બન્યા. આસામ પ્રદેશમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની શાખા ઊભી કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ આ શાખાના પ્રથમ અધ્યક્ષ ચૂંટાયેલા. ગાંધીવિચારનો ફેલાવો કરવા તેમણે સમગ્ર આસામનો પ્રવાસ ખેડી પ્રજામાં જાગૃતિ લાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. તેઓ અસહકાર આંદોલનમાં સક્રિય બન્યા હતા, પરિણામે 1921માં તેમને 1 વર્ષની સખત કેદની સજા કરવામાં આવી હતી. કારાવાસમાંથી બહાર આવ્યા બાદ તેઓ ‘સ્વરાજ્ય પક્ષ’માં જોડાયા. આઝાદી પૂર્વેની કેન્દ્રીય ધારાસભામાં તેઓ બે વાર ચૂંટાયા હતા. 1926માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનની સ્વાગત સમિતિના અધ્યક્ષ તરીકે તેમની વરણી થઈ હતી. ગુવાહાટી નગરપાલિકા અને સ્થાનીય બૉર્ડના અધ્યક્ષ તરીકે તેમણે સેવાઓ આપી હતી. તેમણે પછાત વર્ગોની ઉન્નતિ માટે પણ ઘણાં કામ કર્યાં હતાં. ગુવાહાટી ખાતેનો ‘કુષ્ઠ આશ્રમ’ તેમના આવા પ્રયાસોનું પરિણામ છે. આસામની મુખ્ય સાહિત્યિક સંસ્થા ‘આસામ સાહિત્ય સભા’ના 1927માં યોજાયેલા ગોલપાડા અધિવેશનના તેઓ પ્રમુખ હતા. 1928માં તેઓ આસામ વિદ્યાર્થી સંમેલનના અધ્યક્ષ બન્યા હતા.
રક્ષા મ. વ્યાસ