ફીલિક્સમૂલર, કૉનરાડ (જ. 1897, ડ્રેસ્ડન; અ. 1977, બર્લિન) : જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. 15 વરસની ઉંમરે ડ્રેસ્ડન આર્ટ કૉલેજમાં વિદ્યાર્થી તરીકે જોડાયા અને બે જ વરસમાં 1914માં અભ્યાસ પૂરો કર્યો. એ અરસામાં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં દેશદાઝ કે દેશપ્રેમનો આવેશ અનુભવ્યા વિના યુદ્ધમાં સૈનિક તરીકે જોડાવાની ધરાર ના પાડી અને પોતાનાં ચિત્રો દ્વારા રાજકીય વિચારોની અભિવ્યક્તિ કરવી શરૂ કરી. વુડકટની છાપો દ્વારા આ પ્રચારને બહોળી પ્રસિદ્ધિ મળી. ફેમ્ફર્ટ નામના પ્રસિદ્ધ જર્મન પત્રકારના ‘ડાય ઍક્ટયૉન’ નામના સામયિક માટે પણ નિયમિત રીતે પ્રસંગચિત્રો રજૂ કર્યાં. 1915માં બર્લિન ગયા. ત્યાં સ્ટર્મ ગૅલરીમાં વૈયક્તિક ચિત્રપ્રદર્શન કર્યાં, અને પત્રકાર ફેમ્ફર્ટના મિત્રવર્તુળ સાથે ઘનિષ્ઠતા કેળવી; જેમાં ચિત્રકારો મિડ્નર, ગ્રોઝ, હૉસ્મન, હેર્ઝફેલ્ડ અને કવિ થિયોડૉર ડૉબ્લરનો સમાવેશ થતો હતો. આ બધા જ ફીલિક્સમૂલરની માફક જર્મન દેશદાઝના આવેશના વિરોધી હતા. 1916 પછી તેમની કલામાં ઘનવાદી અસર ડોકાવા લાગી. તેમનાં ચિત્રોમાં આધુનિક માનવીની એકલતા, તત્કાલીન યુરોપિયન પ્રજાના જીવનની કઠિન પરિસ્થિતિ અને ખાણિયાની દુ:ખભરી પરિસ્થિતિ વ્યક્ત થઈ છે.
તેમને 1920માં રોમમાં અભ્યાસ કરવાની શિષ્યવૃત્તિ મળી હતી. તે ‘ડ્રેસ્ડન સેસેશન ગ્રૂપ’ના સહસ્થાપક સભ્ય હતા. 1937માં જર્મન સત્તાએ તેમને ભ્રષ્ટ થયેલા ઘોષિત કર્યા અને તેમની આ કહેવાતી ભ્રષ્ટકલાના 151 ઉત્તમ નમૂનાઓને જર્મનીનાં વિવિધ મ્યુઝિયમોમાંથી એકઠા કરીને બાળી નાખ્યા.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1944માં બર્લિન ખાતેનો તેમનો સ્ટુડિયો બૉંબમારામાં નાશ પામ્યો અને તેમણે જર્મન લશ્કરમાં સેવા આપી. તેઓ જર્મન કૉમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય હતા. 1949થી 1962 દરમિયાન પૂર્વ જર્મનીની હૅલે યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક રહ્યા. 1967માં પશ્ચિમ બર્લિન આવ્યા. તેમનાં બચેલાં ચિત્રો લૉસ ઍન્જલિસ કાઉન્ટી મ્યુઝિયમમાં સંગ્રહાયેલાં છે.
અમિતાભ મડિયા