ફીનિન્જર, લિયૉનલ

February, 1999

ફીનિન્જર, લિયૉનલ (જ. 1871, ન્યૂયૉર્ક, અમેરિકા; અ. 1956, ન્યૂયૉર્ક.) : જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. તેઓ 16 વરસની ઉંમરે અમેરિકા છોડી માબાપ સાથે બર્લિનમાં સ્થાયી થયા. 1892–93માં પૅરિસની અકાદમી કોલા રોસીમાં કલાઅભ્યાસ કર્યો. 1912 સુધીમાં બર્લિનસ્થિત બ્રુક જૂથના ચિત્રકારો સાથે સંપર્ક અને મૈત્રી કેળવ્યાં; જેમાંથી હેકલ અને શ્મિટરોટલુફ સાથેની મૈત્રી ઘનિષ્ઠ થઈ; પરંતુ પોતાની ચિત્રશૈલી એ બધા કરતાં નિરાળી જ રહી.

1913માં ચિત્રકાર ફ્રાન્ઝ માર્કની વિનંતીથી ફર્સ્ટ જર્મન ઑટમ સેલોંમાં પોતાનાં ચિત્રો પ્રદર્શિત કર્યાં. પ્રથમ વિશ્વયુદ્ધ પછી 1919થી 1925 સુધી વાઇમર નગરની બાઉહાઉસ કલાશાળાના અને ત્યારપછી 1926થી 1932 દરમિયાન ડેસો ખાતેની પ્રખ્યાત બાઉહાઉસ કલાશાળાના મહત્વના પ્રાધ્યાપક બની રહ્યા.

ફીનિન્જરનાં ચિત્રોમાં ભૌમિતિક આકારોથી બદ્ધ નગરદૃશ્યો જોવા મળે છે : અણિયાળી સીધી રેખાઓ અને વિવિધ કોણ, લંબાકાર આકૃતિઓ અને સ્થળલક્ષી પરિપ્રેક્ષ્ય અંતિમવાદી વલણ સૂચવે છે. ફીનિન્જરના ભૌમિતિક અભિગમ પાછળ ઘનવાદી અસર રહેલી છે. 1911ની પૅરિસયાત્રાથી આ ઘનવાદી અસર પ્રબળ બનેલી. આ યાત્રા પછી ફીનિન્જરનાં નગરચિત્રોમાંથી માનવ-આકૃતિઓ અદૃશ્ય થઈ ગઈ તેમજ જર્મન ગૉથિક સ્થાપત્ય અને તેમાંયે ખાસ કરીને ગૉથિક ચર્ચની આકૃતિઓ ચિત્રમાં કેન્દ્રસ્થાન પામતી ગઈ. 1913 પછી ફીનિન્જર પર ડેલોનેની ચાક્ષુષ સિદ્ધાંતોની અસર થઈ, જેના પ્રતાપે તેમનાં ચિત્રોમાં ઝગમગતા રંગોએ સ્થાન લીધું.

1924માં જૉલેન્સ્કી, કૅન્ડિન્સ્કી અને કલી સાથે ડાય બ્લૉન વીર નામે ચિત્રકારજૂથ રચ્યું. 1936માં અમેરિકા પરત આવી કૅલિફૉર્નિયામાં ઑકલૅન્ડની મિલ્સ કૉલેજમાં ચિત્રકલાના પ્રાધ્યાપક બન્યા. 1937માં ન્યૂયૉર્કમાં સ્થિર થયા. 1945થી નૉર્થમાં કૅરોલિનાની બ્લૅક માઉન્ટ કૉલેજમાં પ્રાધ્યાપક બન્યા. જીવનના અંતિમ ભાગમાં સમુદ્રકિનારાનાં ચિત્રો સર્જ્યાં. વુડકટ દ્વારા છાપચિત્રો પણ સર્જ્યાં.

ફીનિન્જર સારા વાયોલિનવાદક પણ હતા. તેમનાં ચિત્રો, ન્યૂયૉર્કના મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑવ્ આર્ટ, હૅનોવરના સ્પ્રેન્ગલ મ્યુઝિયમ ઑવ્ આર્ટ, એસેનના ફોકવેન્ગ મ્યુઝિયમ અને મૅન્હાઇમના કુન્સ્થલે મ્યુઝિયમમાં સંગૃહીત થયેલાં છે.

અમિતાભ મડિયા