ફિશર, એમિલ હરમાન (જ. 9 ઑક્ટોબર 1852; અ. 15 જુલાઈ 1919, બર્લિન) : જર્મન કાર્બનિક રસાયણવિદ અને કુદરતી પેદાશોના રસાયણના નિષ્ણાત. ફિશરનો જન્મ કોલોન નજીક એક ઊન કાંતવાની મિલ તથા આસવની ફૅક્ટરી ધરાવતા વેપારીને ત્યાં થયો હતો. શાળાનો અભ્યાસ પૂરો કર્યા બાદ યુનિવર્સિટી-પ્રવેશ માટે તેમની ઉંમર નાની પડતી હોવાથી કાકાના ઇમારતી લાકડાંના ધંધામાં જોડાયા. ત્યાં તેમણે એક નાની પ્રયોગશાળા બનાવી, જેમાં દિવસ દરમિયાન તેઓ કામ કરતા તથા સાંજ પિયાનો વગાડવામાં કે દારૂ પીવામાં ગાળતા. કુટુંબીજનોના મતે તેઓ વેપારી તરીકે નકામા હતા. તેઓ ફરી અભ્યાસમાં પરોવાયા અને 1871માં બોનમાં કેક્યૂલેના હાથ નીચે ભૌતિકશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર તથા થોડી કૅમિસ્ટ્રી ભણ્યા. બીજા વર્ષે તેઓ બાયરના હાથ નીચે ભણવા સ્ટ્રાસબુર્ગ ગયા તથા 1875માં બાયર સાથે મ્યુનિક ગયા. આ દરમિયાન તેમણે ફિનાઇલહાઇડ્રેઝીન બનાવેલું, જે તેમને માટે દસ વર્ષ પછી ખૂબ કામમાં આવ્યું હતું. ફિનાઇલહાઇડ્રેઝીનથી તેમને દીર્ઘકાલીન ખરજવું પણ થયું હતું. ફિશર એકનિષ્ઠ અને સફળ કાર્બનિક રસાયણ-સંશોધક હતા, પણ તેમની દારૂ તથા સિગાર પીવાની લતથી દર વર્ષે તેમને થોડો આરામ કરવો પડતો. જોકે સંશોધનકાર્ય તો સતત ચાલતું જ રહેતું હતું. પ્યુરાઇન્સ, શર્કરાઓ, રંગકો અને ઇન્ડોલ ઉપર તેઓ કાર્ય કરતા હતા. તે દરમિયાન સ્કેટોલ પણ બનાવ્યું, જેની તીવ્ર ગંધથી તેમને મુસાફરી દરમિયાન હોટલમાં જગ્યા મેળવવામાં પણ તકલીફ પડી હતી. 1882માં તેઓ વુર્ઝબુર્ગમાં પ્રોફેસર તરીકે જોડાયા અને 1892માં બર્લિનમાં હાફમૅન પછી પ્રાધ્યાપકની જગ્યા તેમણે સંભાળી. એ જગ્યા વહીવટી કાર્યમાં વધારે સમય માગતી હતી તેવી તેમની સતત ફરિયાદ છતાં 12 વર્ષ તેઓ એ પદે રહ્યા.
તેમનું કુદરતી પદાર્થો ઉપરનું સંશોધન અદ્વિતીય હતું. થોડે અંશે ફિનાઇલહાઇડ્રેઝીનના ઉપયોગથી અને થોડે અંશે ગ્લુકોઝ સહિત કેટલીક શર્કરાઓના સંશ્લેષણ દ્વારા તેમણે કાર્બોહાઇડ્રેટના રસાયણમાં વ્યવસ્થા આણી. આ ઉપરાંત તેમનાં ગ્લાઇકોસાઇડ, ટૅનિન, ડેપ્સાઇડ વગેરે સંશોધનો પણ અપૂર્વ ગણાયાં છે. 1899માં તેમણે શરૂ કરેલું પ્રોટીન અને પેપ્ટાઇડ ઉપરનું સંશોધનકાર્ય તો શકવર્તી મનાય છે, કારણ કે જીવરસાયણમાં આ પદાર્થો પાયારૂપ છે. પૉલિપેપ્ટાઇડ એ ઍમિનો ઍસિડમાંથી મળતી રેખીય રચના છે. પૉલિપેપ્ટાઇડના સંશ્લેષણની રીતો તેમણે વિકસાવી અને 1907માં ઑક્ટા ડેકા પેપ્ટાઇડ[જેમાં 15 ગ્લાયસીન તથા 3 (–) લ્યૂસીન અણુઓ હોય છે તથા તેનો અણુભાર 1213 હોય છે.]નું સંશ્લેષણ કર્યું. શર્કરા, પ્યુરીન અને કુદરતી પદાર્થોના રસાયણ અંગેના સંશોધનમાંના તેમના પ્રદાન માટે 1902માં તેમને નોબેલ પારિતોષિક મળ્યું હતું.
1852થી 1932 દરમિયાન તેમણે તેમના પિતરાઈ ભાઈ ઑટો ફિશર સાથે મ્યુનિકમાં ટ્રાઇફિનાઇલ મિથેન રંગકોના બંધારણ ઉપર સંશોધન કરેલું. 1890માં તેમણે d–ગ્લુકોઝનું સંશ્લેષણ કરેલું તથા 1891માં એપિમેરિઝેશન અસર શોધી કાઢી. 1914માં તેમણે ન્યૂક્લિયોટાઇડનું સંશ્લેષણ સૌપ્રથમ કર્યું હતું. ઉત્સેચકોની વિશિષ્ટતા ઉપર પણ તેમણે પાયારૂપ કાર્ય કરેલું. ફિશરનો કૈસર વિલ્હેમ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપનામાં મોટો ફાળો હતો. પાછળથી આ સંસ્થા વિજ્ઞાનની વિવિધ શાખાઓમાં સંશોધન માટેની મૅક્સ પ્લાન્ક સંશોધન સંસ્થાઓની શૃંખલામાં પરિણમી.
ફિશરનાં પત્ની ઘણાં વહેલાં ગુજરી ગયેલાં અને તેમના ત્રણ પુત્રોમાંના બે પ્રથમ વિશ્વયુદ્ધમાં માર્યા ગયા હતા. ફિશર ઉપર ફિનાઇલ-હાઇડ્રેઝીન તથા મરક્યુરીની વિષાળુ અસર થઈ હતી, જે તેમના મૃત્યુ માટે કારણભૂત હતી.
તેમની આત્મકથા ‘Aus meinen Leben’ 1922માં પ્રકાશિત થઈ હતી.
જ. પો. ત્રિવેદી