ફિશર, ઇર્વિંગ (જ. 1867; અ. 1947) : વિખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી. નાણાકીય અને ગણિતબદ્ધ અર્થશાસ્ત્રના ક્ષેત્રે તેમનું પ્રદાન મહત્વનું છે. તેમણે ગણિતશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી મેળવી હતી અને તેથી આર્થિક સિદ્ધાંતો અને સમસ્યાઓના વિશ્લેષણમાં તેમણે ગણિતીય પદ્ધતિઓનો બહોળો ઉપયોગ કર્યો હતો. 1898–1935ના લગભગ ચાર દાયકા દરમિયાન તેઓ અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા. જાણીતા ફ્રેન્ચ અર્થશાસ્ત્રી એ. એ. કોર્નુના ગણિતબદ્ધ અર્થશાસ્ત્ર પરના ગ્રંથના અંગ્રેજી ભાષાંતરની પ્રસ્તાવના સાથે ફિશરે ગણિતીય અર્થશાસ્ત્રને લગતી વિસ્તૃત ગ્રંથસૂચિ પ્રગટ કરી હતી. તેમની વિશ્લેષણ પૂર્ણ હરીફાઈ, સ્થિર આર્થિક માળખું (stationary state) અને પસંદગીનું સ્વાતંત્ર્ય – આ ત્રણ મુખ્ય બાબતો પર આધારિત રહ્યું છે. અમેરિકામાં તટસ્થ રેખા/સમતૃપ્તિ વક્રરેખા વિશ્લેષણ પદ્ધતિનો ઉપયોગ કરનાર તેઓ પ્રથમ અર્થશાસ્ત્રી હતા. નાણાકીય અર્થશાસ્ત્રમાં નાણાના પરિમાણના સિદ્ધાંત ઉપરાંત ભાવસપાટી, કિંમત-નિર્ધારણ, વ્યાજના દરનું નિર્ધારણ તથા ફુગાવો અને નાણાસંકોચનના ક્ષેત્રે તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે.
અર્થશાસ્ત્ર પર લખેલા તેમના ગ્રંથોમાં ‘થિયરી ઑવ્ વૅલ્યૂ ઍન્ડ પ્રાઇસિસ’ (1892), ‘ધ નેચર ઑવ કૅપિટલ ઍન્ડ ઇન્કમ’ (1906), ‘ધ રેટ ઑવ્ ઇન્ટરેસ્ટ’ (1907) (સુધારેલી આવૃત્તિ : 1930), ‘એલિમેન્ટરી પ્રિન્સિપલ્સ ઑવ્ ઇકૉનૉમિક્સ’ (1910), ‘પર્ચેસિંગ પાવર ઑવ્ મની’ (1911), ‘ધ મેકિંગ ઑવ્ ઇન્ડેક્સ-નંબર્સ’ (1922), ‘ધ મની ઇલ્યૂઝન’ (1928), ‘થિયરી ઑવ્ ઇન્ટરેસ્ટ’ (1930), ‘બૂમ્સ ઍન્ડ ડિપ્રેશન્સ’ (1932), ‘સ્ટેબલ મની’ (1934), ‘હન્ડ્રેડ પર્સેન્ટ મની’ (1935) તથા ‘સ્ટૅબિલાઇઝિંગ ધ ડૉલર’ (1935) – એ ગ્રંથોનો સમાવેશ થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે