ફિલ્મોત્સવ નિર્દેશાલય (Directorate of Film Festival)
February, 1999
ફિલ્મોત્સવ નિર્દેશાલય (Directorate of Film Festival) : દેશમાં અર્થપૂર્ણ અને સારાં ચલચિત્રોને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રની પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાના હેતુસર ભારત સરકારે સ્થાપેલું નિર્દેશાલય. માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત ફિલ્મોત્સવ નિર્દેશાલયની સ્થાપના 1973માં કરવામાં આવી. આ સંસ્થા દેશમાં નિર્માણ પામતાં સારાં ચલચિત્રોનો દર વર્ષે રાષ્ટ્રીય મહોત્સવ યોજે છે અને દર વર્ષે ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવનું આયોજન કરે છે. એક પરામર્શક સમિતિ આ નિર્દેશાલયની પ્રવૃત્તિઓ અને નીતિ નિર્ધારિત કરે છે. ફિલ્મકળાની નિપુણ વ્યક્તિઓ આ સમિતિના સભ્યો હોય છે. વિદેશોમાં યોજાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવોમાં ભાગ લેવા માટે ભારતીય ચિત્રો મોકલવાનું કામ પણ આ સંસ્થા કરે છે.
હરસુખ થાનકી