ફિલ્મપ્રકારો : ચલચિત્રની વાર્તાનો વિષય, તેની પ્રસ્તુતિ, શૈલી આદિના આધારે કરાતું ચલચિત્રોનું વર્ગીકરણ. વિદેશી ફિલ્મોમાં આ વર્ગીકરણ જેટલું સ્પષ્ટપણે કરી શકાય છે એવું ભારતીય ફિલ્મોમાં કરી શકાતું નથી. ભારતીય ફિલ્મોમાં વાર્તાનો મુખ્ય વિષય ગમે તે હોય. અમુક ઘટકો તેમાં સામાન્ય હોવાને કારણે મોટાભાગની ફિલ્મો કોઈ સમાન વર્ગમાં આવી જતી હોય છે.

વિદેશી ચલચિત્રોના મુખ્યત્વે 11 પ્રકારો પાડી શકાય છે. આ પ્રકારોના પણ ઘણા ઉપપ્રકાર હોઈ શકે છે. મુખ્ય 11 પ્રકારો આ પ્રમાણે છે : (1) સુખાંતચિત્ર (comedy), (2) પ્રણયચિત્ર (romance), (3) પશ્ચિમરંગી-ચિત્ર (western), (4) યુદ્ધચિત્ર (war), (5) વીર-કથાત્મક ચિત્ર (epic), (6) સંગીતપ્રધાન ચિત્ર (musical), (7) રોમહર્ષક ચિત્ર (thriller), (8) ચેતનારોપણ–વ્યંગચિત્ર (animation-cartoon), (9) વિભીષિકા-ચિત્ર (horror) તથા વિજ્ઞાનકથા-ચિત્ર (science fiction), (10) દસ્તાવેજી ચિત્ર (documentary) અને (11) રાજદ્વારી ચિત્ર (political). કેટલાંક વર્ષોથી એક નવો પ્રકાર દુર્ઘટનાત્મક ચિત્રો(disaster)નો વિકસ્યો છે.

હોલિવુડમાં આ તમામ પ્રકારની ફિલ્મો બની છે અને તેમાંની અનેક ફિલ્મોએ દુનિયાભરમાં ખ્યાતિ પણ મેળવી છે. ભારતીય ફિલ્મોમાં સુખાંત, પ્રણય, સંગીતપ્રધાન, રોમહર્ષક, ચેતનારોપણ, વ્યંગચિત્ર, વિભીષિકા, તથા દસ્તાવેજી ચિત્રોનું નિર્માણ થાય છે. પણ ભારતીય ફિલ્મોનો ઢાંચો જ એવા પ્રકારનો છે કે દરેક ફિલ્મમાં ગીતોને આવશ્યક માનવામાં આવે છે. ભારતીય ફિલ્મોમાં પશ્ચિમરંગી-ચિત્ર, વીરકથાત્મક ચિત્ર, રાજદ્વારી ચિત્ર નથી બનતાં; પણ પૌરાણિક-ધાર્મિક, ઐતિહાસિક, વેશભૂષાપ્રધાન ચિત્રો બને છે અને ખાસ્સાં લોકપ્રિય પણ થાય છે. ભારતીય ચલચિત્રોનો પાયો જ પૌરાણિક-ધાર્મિક (mythological) ચિત્રોથી નંખાયો હતો. ભારતનું પ્રથમ ચલચિત્ર દાદાસાહેબ ફાળકેએ 1913માં બનાવ્યું હતું તે ‘રાજા હરિશ્ચંદ્ર’નું કથાનક પૌરાણિક હતું. મોટાભાગની ભારતીય ભાષાઓનાં પ્રથમ ચિત્રો પૌરાણિક-ધાર્મિક વિષયો પર આધારિત હતાં. મૂક ચિત્રોના યુગમાં પૌરાણિક-ધાર્મિક ચિત્રોની સંખ્યા ઘણી મોટી હતી. બોલપટનો યુગ શરૂ થયા બાદ પણ ઘણાં વર્ષો સુધી ધાર્મિક-પૌરાણિક વિષયો પર ચિત્રો બનતાં રહ્યાં. વર્ષો વીતવા સાથે આવાં ચિત્રોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો. થોડાંક નોંધપાત્ર ધાર્મિક-પૌરાણિક ચિત્રો : ‘દેવી દેવયાની’ (1931), ‘અયોધ્યા કા રાજા’ (’32), ‘રાજરાની મીરાં’ (’33), ‘ચંડીદાસ’ (’34), ‘સીતા’ (’34),  ‘સંત જ્ઞાનેશ્વર’ (’40), ‘ભરતમિલાપ’ (’42), ‘રામરાજ્ય’ (’43), ‘શકુંતલા’ (’43), ‘સંત તુકારામ’ (’48), ‘જનમ જનમ કે ફેરે’ (’57), ‘સંપૂર્ણ રામાયણ’ (’61), ‘જય સંતોષી મા’ (’75).

બીજો મહત્ત્વનો પ્રકાર ઐતિહાસિક ઘટનાઓ, પાત્રો પર આધારિત ચિત્રોનો છે. ઐતિહાસિક (historical) ચલચિત્રો પણ પ્રારંભથી બનતાં રહ્યાં છે. 1915માં નિર્માણ પામેલું ‘ડેથ ઑવ્ નારાયણરાવ પેશવા’ ભારતનું પ્રથમ ઐતિહાસિક ચિત્ર ગણાય છે. કેટલાંક નોંધપાત્ર ઐતિહાસિક ચિત્રો : ‘નૂરજહાં’ (1931), ‘ચંદ્રગુપ્ત’ (’34), ‘પુકાર’ (’39), ‘સિકંદર’ (’41), ‘પૃથ્વીવલ્લભ’ (’43), ‘રામશાસ્ત્રી’ (’43), ‘બાબર’ (’44), ‘આમ્રપાલી’ (’45), ‘પન્નાદાઈ’ (’45), ‘1857’ (’46), ‘મહારાણા પ્રતાપ’ (’46), ‘રાજપૂતાની’ (’46), ‘સમ્રાટ અશોક’ (’47), ‘આનંદમઠ’ (’52), ‘જલિયાંવાલા બાગ’ (’53), ‘ઝાંસી કી રાની’ (’53), ‘અનારકલી’ (’53), ‘મિરઝા ગાલિબ’ (’54), ‘રાની રૂપમતી’ (’59), ‘મોગલે આઝમ’ (’60), ‘શતરંજ કે ખિલાડી’ (’77), ‘રઝિયા સુલતાન’ (’83), ‘બાજીરાવ મસ્તાની’ (2015) અને ‘પદ્માવત’ (2018)

અદભુતકથા(fantacy)-ચિત્ર : જાદુ અને ચમત્કારથી ભરપૂર કથાનકો પરથી બનેલાં ચિત્રો આ વર્ગમાં આવે છે. આવાં ચિત્રોમાંની ઘટનાઓમાં ચમત્કારો બનતા દર્શાવવા છબીકલાની અવનવી પ્રયુક્તિઓનો ઉપયોગ થાય છે. પૌરાણિક-ધાર્મિક ચિત્રોમાંનાં ઘણાં ચિત્રો આ વર્ગમાં પણ આવી જાય છે. આવાં ચિત્રો તમામ ભારતીય ભાષાઓમાં બન્યાં છે. આ પ્રકારનાં કેટલાંક નોંધપાત્ર ચિત્રો : ‘અલીબાબા ઍન્ડ ફૉર્ટી થીવ્ઝ’ (1932), ‘ઇન્દ્રસભા’ (’32), ‘હાતિમતાઈ’ (’33), ‘હાતિમતાઈ કી બેટી’ (’40), ‘અરેબિયન નાઇટ્સ’ (’46), ‘સિંદબાદ ધ સેલર’ (’46), ‘અલ્લાદ્દીન ઔર જાદુઈ ચિરાગ’ (’52), ‘પાતાલભૈરવી’ (’52), ‘સિન સિનાકી બુબલા બૂ’ (’52), ‘બહુત દિન હુએ’ (’54), ‘લોક પરલોક’ (’79), ‘અજૂબા’ (’91),.

વેશભૂષાપ્રધાન(costume)-ચિત્ર : ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળાની કે કોઈ કાલ્પનિક સ્થળ-સમયની વાત કરતા કથાનકમાં પાત્રો ઐતિહાસિક હોય, પણ પ્રસંગો કાલ્પનિક હોય કે પાત્રો પણ કાલ્પનિક હોય તો તેમાં સમયગાળાને અનુરૂપ પોશાકો અને પરિવેશ રજૂ કરવા અનિવાર્ય થઈ પડે છે. એવાં ચિત્રો આ વર્ગમાં આવે છે. નોંધપાત્ર પરિધાનચિત્રો : ‘આલમઆરા’ (1931), ‘યહૂદી કી લડકી’ (’33), ‘હરિકેન હંસા’ (’37), ‘જમ્બો કા બેટા’ (’39), ‘રાજનર્તકી’ (’41), ‘લાખારાની’ (’45), ‘નિશાન’ (’49), ‘અનારકલી’ (’53), ‘ચન્દ્રકાન્તા’ (’56), ‘મદારી’ (’59), ‘મુગલે આઝમ’ (’60).

સંગીતપ્રધાન(musical)-ચિત્ર : વિદેશી ‘મ્યુઝિકલ’ ચિત્રોની ખાસિયત એ છે કે તેમાં ગીતો હોય. ભારતીય ભાષાનાં ચિત્રોમાં લગભગ બધે ગીત-સંગીત તો હોય જ છે. ગીત-સંગીતવાળાં મોટાભાગનાં ભારતીય ચિત્રો સામાજિક અથવા પ્રણયરંગી હોય છે; તેમ છતાં જેમાં સંગીત જ કેન્દ્રમાં હોય છે, એવાં ચિત્રોને આ વર્ગમાં અલગ રીતે મુકાય છે. નોંધપાત્ર સંગીતપ્રધાન ચિત્રો : ‘બૈજુ બાવરા’ (1952), ‘શબાબ’ (’54), ‘ઝનક ઝનક પાયલ બાજે’ (’55), ‘નવરંગ’ (’56), ‘બસંતબહાર’ (’56), ‘ગૂંજ ઉઠી શહનાઈ’ (’59), ‘સંગીતસમ્રાટ તાનસેન’ (’62), ‘ગીત ગાયા પથ્થરોં ને’ (’62), ‘જલ બિન મછલી, નૃત્ય બિન બિજલી’ (’71), ‘આલાપ’ (’77), ‘સરગમ’ (’79) અને ‘સૂરસંગમ’ (1985).

હાસ્ય(comic)-ચિત્ર : બે પ્રકારનાં હાસ્યચિત્રો ભારતીય ભાષાઓમાં બન્યાં છે. એક તો માત્ર શુદ્ધ મનોરંજનના હેતુથી બનાવેલાં નિર્ભેળ હાસ્યચિત્રો અને દ્વિઅર્થી સંવાદોવાળાં હાસ્યચિત્રો. કેટલાંક નોંધપાત્ર હાસ્યચિત્રો : ‘અલબેલા’ (1951), ‘ચલતી કા નામ ગાડી’ (’58), ‘દિલ્લી કા ઠગ’ (’58), ‘હાફ ટિકટ’ (’62), ‘બૉમ્બે ટૂ ગોવા’ (’72), ‘બાવરચી’ (’72), ‘ચુપકે ચુપકે’ (’75), ‘બાતોં બાતોં મેં’ (’79), ‘ગોલમાલ’ (’79), ‘ખૂબસૂરત’ (’80), ‘ચશ્મે બદદૂર’ (’81), ‘અંગૂર’ (’82), ‘જાને ભી દો યારો’ (’84), ‘અંદાજ અપના અપના’ (’94).

રહસ્ય(suspense)-ચિત્ર : રહસ્યકથાઓ, જાસૂસકથાઓ પર આધારિત ચિત્રો આ વર્ગમાં આવે છે. મૂક ફિલ્મોના સમયમાં પણ ઘણાં રહસ્યચિત્રો બન્યાં હતાં. નોંધપાત્ર રહસ્યચિત્રો : ‘સી.આઈ.ડી.’ (1956), ‘ગેસ્ટહાઉસ’ (’59), ‘કાનૂન’ (’60), ‘બીસ સાલ બાદ’ (’62), ‘વોહ કૌન થી?’ (’64), ‘કોહરા’ (’64), ‘ગુમનામ’ (’65), ‘જ્વેલ થીફ’ (’67), ‘ઇત્તેફાક’ (’69), ‘હત્યા’ (’88), ‘કૌન?’ (’99).

ચેતનારોપણ(animation)-ચિત્ર : જીવંત પાત્રોને બદલે ચિત્રો, કઠપૂતળીઓ કે વાર્તાનાં પાત્રો તરીકે રજૂ કરી શકાય એવી ઢીંગલીઓ કે અન્ય રમકડાંઓને અટક છબીકલા (stop motion photography) પ્રયુક્તિથી કૅમેરામાં ઝડપવામાં આવે છે અને ચલચિત્રની ટૅકનિક પ્રમાણે જ એક સેકન્ડનાં 24 ચોકઠાં પ્રમાણે તેમને પડદા પર પ્રદર્શિત કરવામાં આવે છે ત્યારે ચિત્રો કે અન્ય રીતે રજૂ કરાયેલાં પાત્રો હાલતાં-ચાલતાં લાગે છે. બાળકો માટે બનાવાતી કાર્ટૂન-ફિલ્મો આ વર્ગમાં આવે છે. ભારતમાં પૂર્ણ લંબાઈની ચેતનારોપણ ફિલ્મો બનાવાતી નથી. આ કળાનો મુખ્ય ઉપયોગ વિજ્ઞાપનો, લઘુફિલ્મો કે કાર્ટૂન-ફિલ્મોના નિર્માણમાં થાય છે. વિદેશોમાં પૂરી લંબાઈનાં ચેતનારોપણ ચિત્રો બને છે. ખાસ કરીને વૉલ્ટ ડિઝનીએ બનાવેલાં કાર્ટૂનચિત્રો તો ખૂબ લોકપ્રિય થયાં છે.

ચરિત્રાત્મક(biographical)-ચિત્ર : કોઈ પણ ખ્યાત કે કુખ્યાત વ્યક્તિના જીવનનું કે તેના જીવનના મહત્ત્વના પ્રસંગોનું નિરૂપણ કરતાં ચિત્રો આ વર્ગમાં આવે છે. ભારતીય ભાષાઓમાં આવાં ચિત્રોની સંખ્યા જૂજ છે. નોંધપાત્ર ચિત્રો : ‘ડૉ. કોટનીસ કી અમર કહાની’ (1946), ‘ગાંધી’ (’83), ‘સિદ્ધેશ્વરી’ (’89), ‘ગાંધી’ (’83), ‘સરદાર’ (’94), ‘બૅન્ડિટ ક્વીન’ (’96), ‘મેકિંગ ઑવ્ ધ મહાત્મા’ (’98), ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર’ (’99), ‘મંગલ પાંડે’, ‘ઝ રાઇઝીંગ’ (2005), ‘રંગરસિયા’ (2014)

પ્રચારાત્મક(propaganda)-ચિત્ર : કોઈ કાલ્પનિક વાર્તા, સત્ય ઘટના કે પ્રવર્તમાન પરિસ્થિતિને વાર્તામાં સાંકળીને કોઈ એક બાબતની કે વ્યક્તિની કે સિદ્ધાંતની તરફેણ કરતા કે વિરોધ કરતા કથાનકવાળાં ચિત્રો આ વર્ગમાં આવે છે. સરકારી આધિપત્ય હેઠળનાં પ્રચારમાધ્યમો સરકારની નીતિઓની તરફેણ કરતાં ચિત્રો બનાવે છે કે સરકારની સૂચના મુજબ અથવા કોઈ એક ઝુંબેશના ભાગરૂપે અન્ય દેશ કે મંડળની વિરુદ્ધ કે તરફેણમાં આવાં ચિત્રો બનાવે છે, જે કથાચિત્ર સ્વરૂપનાં, દસ્તાવેજી ચિત્રસ્વરૂપનાં કે અર્ધદસ્તાવેજી ચિત્ર સ્વરૂપનાં હોય છે. સામ્યવાદી દેશોમાં જ્યાં પ્રચારમાધ્યમો સરકારી અંકુશ હેઠળ હતાં, ત્યાં આવાં ઘણાં ચિત્રોનું નિર્માણ થયું હતું. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ પહેલાં અમેરિકા અને યુરોપમાં નાઝીવિરોધી ઘણાં ચિત્રોનું નિર્માણ થયું હતું. બીજા વિશ્વયુદ્ધ પહેલાં અને યુદ્ધ દરમિયાન જર્મનીમાં નાઝીવાદની તરફેણ કરતાં ચિત્રો બન્યાં હતાં, તો ઘણા દેશોએ એ દરમિયાન તથા એ પછીનાં વર્ષોમાં યુદ્ધવિરોધી ચિત્રો પણ બનાવ્યાં હતાં.

પશ્ચિમરંગી(western)-ચિત્ર : ચલચિત્રનો આ પ્રકાર પૂર્ણપણે અમેરિકી છે. યુરોપી પ્રજાએ સોળમી, સત્તરમી સદીમાં અમેરિકી પ્રદેશોમાં સામ્રાજ્યો વિસ્તારવા મોટી સ્પર્ધા ચલાવી. તેમાં તેમણે અત્યંત ક્રૂરતાથી અમેરિકાની સ્થાનિક સંસ્કૃતિઓનો સર્વનાશ કર્યો. આ દુષ્કૃત્યોને તેમના સાહિત્યકારોએ વીરતાનાં કાર્યો રૂપે રજૂ કર્યાં. વેસ્ટર્ન કથાનકો તે આવાં દુષ્કૃત્યોને યશકીર્તિના વાઘા પહેરાવીને રજૂ કરેલાં કથાનકો છે. તેમાં વૈવિધ્ય ખાતર ડાકુઓનાં કથાનકો પણ વણી લેવાયાં છે. ક્યાંક ગોરાઓનાં જૂથો વચ્ચે સંઘર્ષો પણ જોવા મળે છે. આવાં કથાનકો પર આધારિત ચિત્રો આ વર્ગમાં આવે છે; જેમાં ખડતલ બંદૂકબાજ નાયકો, તેમની અફલાતૂન ઘોડેસવારી, વિષમ પરિસ્થિતિઓમાં તેમનું ચિંતામુક્ત જીવન, ગુપ્ત ખજાનાઓ શોધવા માટેનાં સાહસો વગેરે કેન્દ્રમાં હોય છે. અમેરિકન ચિત્રોનો પ્રારંભ જ આ પ્રકારનાં ચિત્રોથી થયો. 1903માં ‘ધ ગ્રેટ ટ્રેન રૉબરી’નું નિર્માણ થયું હતું. મારફાડથી ભરપૂર આવાં ચિત્રોએ સમય જતાં ગુણવત્તાની દૃષ્ટિએ પણ નામના મેળવી હતી. ખ્યાતનામ દિગ્દર્શકોએ વેસ્ટર્ન ચિત્રો બનાવ્યાં છે. ‘ડાન્સિઝ વિથ ધ વુલ્વ્ઝ’ (1990) અને ‘અનફરગિવન’(1992)ને શ્રેષ્ઠ ચિત્રોનો ઑસ્કર એવૉર્ડ મળ્યા હતા. નોંધપાત્ર વેસ્ટર્ન ચિત્રો : ‘સ્ટેજકોચ’ (1939), ‘નૉર્થવેસ્ટ પૅસેજ’ (’40), ‘માઇ ડાર્લિગ ક્લેમેન્ટાઇન’ (’46), ‘રેડ રિવર’ (’48), ‘ડ્યુઅલ ઇન ધ સન’ (’46), ‘ધી આઉટ-લૉ’ (’46), ‘બ્રોકન ઍરો’ (’50), ‘ધ ફ્યુરિઝ’ (’50), ‘ધ લેફ્ટહૅન્ડેડ ગન’ (’58), ‘હાઉ ધ વેસ્ટ વૉઝ વન’ (’62), ‘યંગ ગન્સ’ (’88) વગેરે.

યુદ્ધ(war)-ચિત્ર : યુદ્ધના વિવિધ પ્રસંગોને વર્ણવતી, તેની ભીષણતાનું નિરૂપણ કરતી કે તેને પશ્ચાદભૂમાં રાખીને ઘટનાઓનું નિરૂપણ કરતી ફિલ્મો આ વર્ગમાં આવે છે. બે વિશ્વયુદ્ધો અને એમાંય ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધમાં ભારે ખુવારી વેઠી ચૂકેલા યુરોપનાં રાષ્ટ્રોએ સુંદર યુદ્ધચિત્રો બનાવ્યાં છે. અમેરિકાએ પણ સુંદર યુદ્ધચિત્રો ઉતાર્યાં છે. ખ્યાતનામ દિગ્દર્શક સ્ટીવન સ્પિલબર્ગે 1998માં ‘સેવિંગ પ્રાઇવેટ રાયન’નું નિર્માણ કર્યું. ત્યાં સુધીમાં અંદાજે 1,500થી વધુ યુદ્ધચિત્રો બની ચૂક્યાં હતાં, જેમાં ઘણાં ચિત્રો યાદગાર બની ગયાં છે. નોંધપાત્ર યુદ્ધચિત્રો : ‘ધ બર્થ ઑવ્ એ નૅશન’ (1915), ‘હી હૂ રિટર્ન્ડ’ (’16), ‘ધ બિગ પરેડ’ (’25), ‘ઑલ ક્વાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ (’30), ‘ગ્રાન્ડ ઇલ્યૂઝન’ (’37), ‘ધ બ્રિજ ઑન ધ રિવર ક્વાઈ’ (’57), ‘ધ ગન્સ ઑવ્ નેવેરૉન’ (’61), ‘ધ લૉન્ગેસ્ટ ડે’ (’62), ‘ધ ગ્રેટ એસ્કેપ’ (’63), ‘પ્લાટન’ (’86).

ભારતીય ભાષાઓમાં યુદ્ધચિત્રો જૂજ સંખ્યામાં બન્યાં છે. યુદ્ધના ઉલ્લેખ સાથે બનેલાં કેટલાંક ચિત્રો સાહસચિત્રોના વર્ગમાં આવે તેવાં છે; જેમ કે રામાનંદ સાગર નિર્મિત ‘લલકાર’ (1972). નોંધપાત્ર યુદ્ધચિત્રો : ‘હકીકત’ (1964), ‘હિન્દુસ્તાન કી કસમ’ (’73 અને ’99), ‘બૉર્ડર’ (’97), ‘કારગીલ : LOC’ (2003), ‘લક્ષ્ય’ (2004).

વિભીષિકા(horror)-ચિત્ર : ભૂત-પ્રેત અને પારલૌકિક શક્તિઓને કેન્દ્રમાં રાખીને લખાયેલાં કથાનકોવાળાં ચિત્રો આ વર્ગમાં આવે છે. ધ્વનિ–પ્રકાશ–સંગીતનાં સંયોજન અને વેશભૂષાને આધારે પ્રેક્ષકોને ભય પમાડીને તેમનું મનોરંજન કરવાનો આ ચિત્રોનો આશય હોય છે. હોલિવુડે આ પ્રકારનાં કેટલાંક લોકપ્રિય ચિત્રો બનાવ્યાં છે. ઉદાહરણ તરીકે ‘ધ એક્ઝોર્સિસ્ટ’. હિંદીમાં પણ આવાં ચિત્રો બન્યાં છે; પણ ‘રેડ રોઝ’ (’80), ‘ગૅહરાઈ’ (’81) જેવા અપવાદોને બાદ કરતાં આવાં ચિત્રોની ગુણવત્તા મોટાભાગે નબળી રહી છે.

પ્રણય(romance)-ચિત્ર : દુનિયાની જે જે ભાષાઓમાં ચિત્રો બને છે તે સર્વમાં પ્રણયચિત્રોની સંખ્યા ઘણી મોટી હોય છે. યુવાન અને યુવતી વચ્ચેનો પ્રેમ તેમાં કેન્દ્રસ્થાને હોય છે. ભારતીય ચિત્રોના પ્રારંભકાળથી પ્રણયચિત્રો બનતાં રહ્યાં છે હિંદીમાં આવાં ચિત્રોની સંખ્યા ઘણી મોટી છે. મનોહર કુદરતી દૃશ્યો, કર્ણપ્રિય ગીતો અને અંતે બંને પ્રેમીઓનું મિલન – એવો ઢાંચો આ ચિત્રોનો હોય છે. આવાં ઘણાં ચિત્રોમાં ગીત-સંગીતને વધુ પ્રાધાન્ય અપાતું હોવાથી તે સંગીતપ્રધાન બની રહેતાં હોય છે. ‘હમ દિલ દે ચૂકે સનમ’ (1999), ‘દેવદાસ’ (2002).

સામાજિક(social)-ચિત્ર : પ્રણયચિત્રની જેમ જ ભારતીય ભાષાઓમાં આ વર્ગનાં ચિત્રોની સંખ્યા પણ ઘણી મોટી છે. સામાજિક સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને બનાવાયેલાં, સામાજિક રીતરિવાજોનું નિરૂપણ કરતાં કે કોઈ એક કુટુંબના વિશિષ્ટ સંજોગોનું નિરૂપણ કરતાં ચિત્રો આ વર્ગમાં આવે છે. ઘણાં પ્રણયચિત્રો પણ આ વર્ગનાં હોય છે; ઉદાહરણ તરીકે, ‘અછૂત કન્યા’ (1936), ‘પડોસી’ (’43), ‘કાલા બાજાર’ (’60), ‘હરે રામ હરે કૃષ્ણ’ (’72) ‘નિકાહ’ (1982).

વિજ્ઞાનકથા(science fiction)-ચિત્ર : ભવિષ્યના જગતમાં વિજ્ઞાનના પ્રભુત્વને કેન્દ્રમાં રાખીને લખાયેલી કથાઓ પર આધારિત અને પરગ્રહવાસીઓના પૃથ્વી પરના આક્રમણને કેન્દ્રમાં રાખતી કથાઓ પર આધારિત ચિત્રો આ વર્ગમાં આવે છે. ભૂતકાળમાં બનેલાં આવાં ચિત્રોમાં ટ્રિક ફોટોગ્રાફીનું મહત્ત્વ રહેતું. આધુનિક સમયમાં કમ્પ્યૂટર ગ્રાફિક્સનો ઉપયોગ કાલ્પનિક પરિસ્થિતિઓ દર્શાવવા માટે કરાય છે. હોલિવુડે આવાં અનેક ચિત્રો બનાવ્યાં છે, જેમાંનાં ઘણાં ખૂબ લોકપ્રિય થયાં છે. ભારતમાં આવાં ચિત્રોનું નિર્માણ નહિવત્ છે.

દુર્ઘટના(disaster)-ચિત્રો : સિત્તેર-એંશીના દાયકાઓમાં અમેરિકી ચિત્રોમાં આ નવતર પ્રકાર લોકપ્રિય થયો. તેનો આરંભ આમ તો ચલચિત્ર જેટલો જ જૂનો છે. પ્રારંભિક ગાળામાં : ‘ટાઇડલ વેવ’, ‘સાન ફ્રાન્સિસ્કો’, ‘ધ લાસ્ટ ડેઝ ઑવ્ પૉમ્પિયાઇ’, ‘ઇન ઓલ્ડ શિકાગો’, અને ‘ધ રેઇન્સ કેમ’. યુદ્ધના ગાળામાં દુર્ઘટનાચિત્રો દેખાતાં બંધ થયાં, પણ ચિત્રઉદ્યોગને કળ વળતાં ‘ટાઇટેનિક’, ‘એ નાઇટ ટુ રિમેમ્બર’, તથા પછીના દસકામાં ‘ધ ડેવિલ ઍટ ફોર ઓ’ક્લૉક’ અને ‘ક્રાકાતાઉ, ઇસ્ટ ઑવ્ જાવા’ આવ્યાં. સિત્તેરના દાયકામાં આવાં ચિત્રોને પ્રચંડ સફળતા મળવા લાગી. ‘ઍરપૉર્ટ 77’, ‘અર્થક્વેક’, ‘ટાવરિંગ ઇન્ફર્નો’, ‘પોસાઇડોન એડવેન્ચર’, ‘ધ સ્વૉર્મ’, ‘ઍવેલૅન્શ’, ‘મીટિયૉર’ અને નવું ‘ટાઇટેનિક’ આકર્ષક રહ્યાં. ટેલિવિઝન પણ આ પ્રકારનાં ચિત્રો દર્શાવવામાં પાછળ ન રહ્યું. હિન્દી ક્ષેત્રે ‘બર્નિંગ ટ્રેન’ નોંધપાત્ર હતું. પણ, તેને સાધારણ લોકપ્રિયતા જ સાંપડી.

લઘુચિત્ર : નાનકડી વાત કે વાર્તાનું નિરૂપણ કરતાં આવાં ચિત્રોની લંબાઈ પૂર્ણ લંબાઈના ચિત્ર કરતાં ઘણી ઓછી હોય છે. એક મિનિટથી માંડીને એક કલાક સુધીની અવધિ ધરાવતાં લઘુચિત્રોનું નિર્માણ ભારતમાં ઓછું થાય છે; કારણ કે તેને જોનારો વર્ગ ખૂબ નાનો છે. રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ચલચિત્ર-મહોત્સવોમાં લઘુચિત્રો માટે એક અલાયદો વિભાગ હોય છે. ખાસ લઘુચિત્રોના મહોત્સવો પણ યોજાય છે. ટેલિવિઝન પર લઘુચિત્રો દર્શાવાય છે.

ટેલિફિલ્મ : ખાસ ટેલિવિઝનના પ્રેક્ષકો માટે બનાવાતાં કથાચિત્રો આ વર્ગમાં આવે છે. આ ચિત્રોનું નિર્માણ ટેલિવિઝનના માધ્યમને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આવાં ચિત્રોનું નિર્માણ કરનારને ચિત્ર વ્યાવસાયિક રીતે સફળ થશે કે કેમ એની ચિંતા હોતી નથી. ચિત્ર વ્યાવસાયિક રીતે સફળ થાય તે માટે અમુક નિશ્ચિત મસાલાતત્વોનો સમાવેશ કરવાનો નિર્માતા દ્વારા જે આગ્રહ રખાતો હોય છે તે ટેલિફિલ્મમાં રખાતો નથી.

બાલચિત્ર : ખાસ બાળકો અને કિશોરોને ધ્યાનમાં રાખીને બનાવેલાં ચિત્રો આ વર્ગમાં આવે છે. જાણીતી બાલકથાઓ કે કાલ્પનિક વાર્તાઓ આ ચિત્રોનો આધાર હોય છે. નોંધપાત્ર બાલચિત્રો : ‘મુન્ના’ (1954), ‘જાગૃતિ’ (’54), ‘હમ પંછી એક ડાલ કે’ (’57), ‘ફૂલ ઔર કલિયાં’ (’60) ‘હમારા ઘર’ (’64), ‘કિતાબ’ (’77), ‘સફેદ હાથી’ (’77), ‘મુઝ સે દોસ્તી કરોગે ?’ (’93).

કલાફિલ્મ : ભારતમાં ચલચિત્રોના બે મુખ્ય વર્ગ પણ પાડવામાં આવે છે : કલાચિત્રો અને વ્યાવસાયિક ચિત્રો. ચિત્રનું કથાનક અને તેની નિરૂપણશૈલી પસંદ કરતી વખતે દિગ્દર્શક ચિત્રને વ્યાવસાયિક સફળતા મળશે કે કેમ તે ધ્યાનમાં નથી રાખતો અને ચલચિત્રને એક કલાકૃતિ તરીકે બનાવે છે : તેને બહુધા ‘કલાચિત્ર’ (art film) કહે છે. સામાન્ય પ્રેક્ષકોના મનોરંજન માટે જે તત્વો આવશ્યક ગણાયાં છે એવાં તત્વો કલાચિત્રમાં જરૂરી હોતાં નથી. આવાં ચિત્રોને ‘સમાંતર ચિત્રો’ પણ કહે છે, જ્યારે વ્યાવસાયિક ચિત્રનું ધ્યેય વધુમાં વધુ કમાણી કરવાનું હોય છે. આ ધ્યેય પાર પાડવા માટે પ્રેક્ષકોને ચલચિત્રમાં અમુક બાબતો જોવી ગમે જ છે એવું માનીને દિગ્દર્શક એવાં ‘મસાલા’રૂપ તત્વોને ગમે તેમ કરીને ચિત્રમાં સમાવવાનો પ્રયત્ન કરે છે. આવાં ચિત્રોને ‘પૉપ્યુલર ફિલ્મ’ અથવા ‘ફૉર્મ્યુલા ફિલ્મ’ પણ કહે છે.

દસ્તાવેજી રૂપક : તેનું અધિકરણ જુઓ.

હરસુખ થાનકી