ફિલાઇટ : વિકૃત ખડકનો એક પ્રકાર. તેના ખનિજ-બંધારણમાં ક્વાર્ટ્ઝ અને અબરખ-પતરીઓ અનિવાર્યતયા રહેલાં હોય છે. અબરખની પતરીઓને કારણે આ ખડક મંદ ચમકવાળો અને રેશમી સુંવાળપવાળો બની રહે છે. મૃણ્મય નિક્ષેપો પર થતી પ્રાદેશિક વિકૃતિ દ્વારા તૈયાર થતા વિકૃત ખડકોના વિશાળ સમૂહ પૈકીનો આ ખડક પ્રમાણમાં ઓછા તાપમાન-દાબવાળી ગ્રીનશિસ્ટ પ્રકારની કક્ષામાં પુન:સ્ફટિકીકરણ પામી તૈયાર થાય છે. અર્થાત્ સ્લેટ અને શિસ્ટ વચ્ચેની વિકૃતિ-કક્ષા દર્શાવે છે. આ કારણે તે સ્લેટને મળતો આવતો સંભેદ (વિભાજકતાનો ગુણધર્મ) અને શિસ્ટવત્ પત્રબંધી જેવાં બંને લક્ષણો ધરાવે છે. તે મોટેભાગે સૂક્ષ્મ દાણાદાર, શિસ્ટોઝ સંરચનાવાળો હોય છે. આ પ્રકારના ખડકો પર્વત-પ્રદેશોમાં બહોળા પ્રમાણમાં વિતરણ પામેલા જોવા મળે છે અને ઉપર્યુક્ત લક્ષણોને લીધે સહેલાઈથી પારખી શકાય છે.
પ્રાદેશિક વિકૃતિની કક્ષાભેદે મૂળ ખડક પર જરૂરિયાત કરતાં ઓછી વિકૃતિ થઈ હોય તો તે ફિલાઇટને બદલે સ્લેટ બન્યો હોત, એ જ રીતે જો વધુ વિકૃતિ થઈ હોય તો તે શિસ્ટ બની ગયો હોત. બંધારણની ર્દષ્ટિએ જો તેમાં લોહ-મૅગ્નેશિયા મળ્યાં અને ભળ્યાં હોત તો ક્લૉરાઇટ, આલ્મેન્ડાઇટ–સ્પેસરટાઇટ જેવાં ગાર્નેટ કે પછી ક્લૉરિટૉઇડ પ્રકારનાં ખનિજો વિકસ્યાં હોત. ફિલાઇટમાં સામાન્યપણે પૅરાગોનાઇટ (સોડિયમ-અબરખ) તો જોવા મળતું હોય છે.
દુનિયાની સ્ફટિકમય ખડકબંધારણવાળી મોટાભાગની પર્વતમાળાઓમાં ફિલાઇટ બહોળા પ્રમાણમાં વિતરણ પામેલા જોવા મળે છે, જેમ કે સ્કૉટલૅન્ડની ઉત્તરની પર્વતમાળા, નૉર્વેના પર્વતો, જર્મનીના હાર્ઝ પર્વતો, આલ્પ્સ, હિમાલય, એપેલેશિયન પર્વતમાળા, યુ.એસ.નો સરોવરપ્રદેશ, અરવલ્લી પર્વતમાળા(ઉદયપુર, શામળાજી)માં આ ખડકો જોવા મળે છે.
ફિલાઇટમાં જોવા મળતી શિસ્ટોઝ સંરચના જો વ્યવસ્થિતપણે ઘનિષ્ઠ ગોઠવણીવાળી હોય તો તે છત માટેના પાટડા તરીકે ખૂબ જ ઉપયોગી નીવડે છે. રાજસ્થાનની જૂની ઇમારતોમાં તેનો ઉપયોગ થયેલો જોવા મળે છે.
ગિરીશભાઈ પંડ્યા