ફિરોજપુર : પંજાબ રાજ્યનો પશ્ચિમ સીમાવર્તી જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. જિલ્લો : આ જિલ્લો 29° 55´થી 31° 09´ ઉ. અ. અને 73° 52´થી 75° 26´ પૂ. રે. વચ્ચેનો આશરે 5,874 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અમૃતસર અને કપુરથલા જિલ્લા, ઈશાન અને પૂર્વ તરફ જલંધર અને લુધિયાણા જિલ્લા તથા દક્ષિણમાં મોગા, ફરીદકોટ, મુક્તસર અને ગંગાનગર (રાજ.) જિલ્લા તેમજ પશ્ચિમે પાકિસ્તાનની સરહદ આવેલાં છે.
પ્રાકૃતિક લક્ષણો : રાજ્યમાં અન્યત્ર મળે છે એવાં, આ જિલ્લામાં ટેકરીઓ કે રેતીના ઢૂવા જેવાં કોઈ વિશિષ્ટ પ્રાકૃતિક લક્ષણો જોવા મળતાં નથી. જિલ્લાનો મોટો ભાગ નદીજન્ય કાંપનાં મેદાનોથી બનેલો છે. સામાન્ય પ્રાદેશિક ઢોળાવ ઈશાનથી નૈર્ઋત્ય તરફી છે. જમીનો ફળદ્રૂપ છે અને કપાસની ખેતી માટે ખૂબ જ અનુકૂળ પડે છે. અહીંનું એક માત્ર ખનિજદ્રવ્ય કંકર છે, જે માર્ગ-બાંધકામમાં ઉપયોગી બને છે.
સતલજ આ જિલ્લાની મુખ્ય નદી છે, તે જિલ્લાની ઉત્તર અને પશ્ચિમ સીમાએ વચ્ચે 185 કિમી. જેટલી લંબાઈમાં વહે છે. હરિ-કે-પત્તન ખાતે તે બિયાસ નદીને મળે છે. જિલ્લાની અન્ય મુદતી નદીઓ – સુખર નાલા, સતાર નાલા અને ડંડા નાલા છે. જિલ્લામાં ભાકરા બંધ, ભાકરા નહેર તથા રૂપનગર, હરિ-કે-પત્તન અને હુસેનીવાલા જેવા આડબંધોના (barrages) નિર્માણ બાદ સતલજના પૂર પર નિયંત્રણ લાવી શકાયું છે. વળી તેમાંથી સિંચાઈનો લાભ પણ મળે છે.
આબોહવા : પૂર્વ પંજાબ જેવી અહીંની અર્ધશુષ્ક આબોહવાને કારણે રેતીના વંટોળ વધુ થાય છે. સરેરાશ વાર્ષિક વરસાદ દક્ષિણ તરફના ભાગોમાં માત્ર 275 મિમી. અને પૂર્વી-ઈશાન તરફ જિરામાં 500 મિમી. જેટલો પડે છે. ઓછા વરસાદને કારણે અહીં સિંચાઈની સગવડ પૂરી પાડવા માટે નહેરોની ગૂંથણી જોવા મળે છે.
ખેતી : જિલ્લાની જમીનો ફળદ્રૂપ હોવાથી અહીંના કૃષિ પાકોમાં કપાસ, શેરડી, ઘઉં, ડાંગર, મકાઈ, જવ, જુવાર, બાજરી, ચણા, મઠ અને તેલીબિયાં થાય છે. કપાસ-ઉત્પાદનમાં રાજ્યમાં તે ચોથા ક્રમે આવે છે. અહીં અન્ય ફળોની સાથે ખાટાં ફળોની પણ ખેતી થાય છે. નહેરો, કૂવા અને પાતાળકૂવા દ્વારા સિંચાઈની સગવડ મળે છે. ખેડૂતો ગાય, બળદ, ભેંસો, ઘેટાં-બકરાં અને મરઘાંનો ઉછેર પણ કરે છે. અન્ય પાલતુ પ્રાણીઓમાં ઊંટ, ઘોડા, ગધેડાં, ખચ્ચર, ટટ્ટુનો સમાવેશ થાય છે. અહીં પશુઓ માટે મોટી સંખ્યામાં પશુ-દવાખાનાં તેમજ સારવાર-કેન્દ્રોની સગવડ છે.
ઉદ્યોગો : હમણાં સુધી ખેતીપ્રધાન ગણાતા આ જિલ્લાનો 1980 પછીથી ઉદ્યોગો તરફનો ઝોક વધતો ગયેલો છે. કપાસનાં જિનિંગ અને પ્રેસિંગના, આટો બનાવવાના, ડાંગર છડવાના, દાળ તૈયાર કરવાનાં, તેલ પીલવાના, ચામડા કમાવાના તથા પગરખાં તૈયાર કરવાના એકમો વિકસ્યા છે. આ ઉપરાંત ઊન સાફ કરવાના, સૉલ્ટપીટર શુદ્ધ કરવાનાં તથા કૃષિઓજારો બનાવવાના એકમો પણ ઊભા થયા છે.
વેપાર-વાણિજ્ય-નિકાસ : આ જિલ્લામાં ચાલતા રહેતા ઘઉં, ચણા અને બાજરાના વેપાર ઉપરાંત હવે ડાંગર અને કપાસના વેપારનો પણ વિકાસ થયો છે. અહીંથી કપાસ, કપાસિયાં, સૂતર, ઘઉં, ઘઉંનો લોટ, ડાંગર, ચણા, મરચાં, જવ, બટાટા, ડુંગળી, સરસવ, બાજરો, ઊન, ચામડાં અને ખાલ બહાર મોકલવામાં આવે છે; જ્યારે મીઠું, કોલસો, કોથળા, કેરોસીન, કાપડ, લોખંડ, ખાતરો તેમજ કૃષિ-ઓજારો અને જંતુનાશકો આયાત કરવામાં આવે છે.
પ્રવાસન : ભારત-પાકિસ્તાન સરહદે આવેલો આ જિલ્લો મોકાનું સ્થાન ધરાવતો હોવાથી ખાસ કરીને શીખ-સંપ્રદાય માટે તે મહત્વનો બની રહેલો છે. અહીં વર્ષમાં ઘણા મેળાઓ ભરાય છે. ગુરુ નાનકનું પોથીમાલાનું મંદિર અહીં આવેલું છે. ઇબ્ન બતુતાના ઉલ્લેખ મુજબ મુલતાન–દિલ્હી માર્ગ પર આવેલું એબોહર હિંદુસ્તાનનું પ્રાચીન નગર ગણાય છે. સૈકાઓ પહેલાં રાજા અબ્રામ ચંદે બાંધેલા એક મોટા કિલ્લાનાં ખંડિયેર અહીં જોવા મળે છે. ફિરોજપુર શહેરથી 16 કિમી.ની ત્રિજ્યામાં રહેલા આશરે 10,000 એકર વિસ્તારમાં ખાટાં ફળોનું વાવેતર થતું હોવાથી તે ભારતનું કૅલિફૉર્નિયા ગણાય છે. વળી દેશનો સારામાં સારી જાતનો કપાસ પણ અહીં થાય છે. 1869માં લડાયેલ પ્રથમ શીખયુદ્ધની યાદમાં બાંધેલું સ્મારક તથા 24 મીટર ઊંચો ત્રિકોણાકાર સ્તંભ અને ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ જેવા સ્વાતંત્ર્ય ક્રાંતિવીરોની યાદમાં બનાવેલું ભગતસિંહ મેમૉરિયલ ફિરોજપુર લશ્કરી છાવણીથી 10 કિમી. અંતરે હુસેનીવાલાની નજીકમાં આવેલાં છે. અહીં દર વર્ષે 23મી માર્ચે આ શહીદોની યાદમાં મેળો ભરાય છે.
પરિવહન : ફિરોજપુર જિલ્લાનું અર્થતંત્ર લગભગ સંપૂર્ણપણે ખેતી પર નિર્ભર હોઈ અહીંનાં શહેરો, નગરો તેમજ ગામડાં માર્ગોથી અન્યોન્ય જોડાયેલાં છે. જિલ્લામાં 3,372 કિમી.ના રસ્તા છે. રાજ્ય-ધોરીમાર્ગો 14, 15, 19 અને 20 અહીંથી પસાર થાય છે. ફિરોજપુર, જાલંધર, લુધિયાણા, ફાઝિલ્કા, ભટિંડા રેલમાર્ગોથી જોડાયેલાં છે.
વસ્તી-વસાહતો : આ જિલ્લાની વસ્તી 2011ની વસ્તીગણતરી મુજબ 20,26,831 જેટલી છે. જિલ્લાને 4 તાલુકા અને 9 સામૂહિક સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 10 નગરો અને 1162 ગામડાં આવેલાં છે. આ જિલ્લામાં હિંદુ, શીખ, મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન તેમજ અન્ય ધર્મના લોકો રહે છે. લોકો પંજાબી અને હિંદી ભાષા બોલે છે. શૈક્ષણિક દૃષ્ટિએ જૂના વખતમાં પછાત ગણાતા આ જિલ્લામાં આજે આશરે 1,500 જેટલી નાની-મોટી શિક્ષણસંસ્થાઓ છે. કુલ વસ્તી પૈકી 40% જેટલા લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. અહીં 13 જેટલી કૉલેજો, સ્વાસ્થ્ય-કેન્દ્રો, દવાખાનાં, આયુર્વેદિક તથા યુનાની દવાખાનાં, પ્રસૂતિગૃહો, બાળકલ્યાણ-કેન્દ્રો અને કુટુંબનિયોજન-કેન્દ્રોની સુવિધા છે.
ઇતિહાસ : 1845ની લાહોરની સંધિ અનુસાર બ્રિટિશ સરકારે સતલજ નદીની પૂર્વ તરફના બધા જ પ્રદેશને એક કરીને તેને ફિરોજપુર, લુધિયાણા અને બધાણા જિલ્લાઓમાં વિભાજિત કરેલો ત્યારે ફિરોજપુર જિલ્લામાં જિરા, મુડકી, ખાઈ, કોટ કપુરા, ગુરુ હર્સાહાઈ, ઝુમા, કોટાભાઈ, ભૂચો અને મહારાજનો સમાવેશ કરેલો. ત્યારપછી 1845થી 1884 વચ્ચેના ગાળામાં તેમાં ફેરફારો થયેલા, પરંતુ 1884થી 1972 દરમિયાન કોઈ ખાસ ફેરફાર થવા પામેલ નહિ. 1972ના ઑગસ્ટમાં આ જિલ્લામાંના મોગા અને મુક્તસરને ફરીદકોટમાં સમાવ્યાં છે. આજે આ જિલ્લો ફિરોજપુર, ફાઝિલ્કા અને જિરા જેવા ત્રણ પેટાવિભાગો ધરાવે છે.
ફિરોજપુર શહેર : જિલ્લાનું વહીવટી મથક. ભૌ.સ્થાન : 30° 55´ ઉ. અ. અને 74° 36´ પૂ. રે. આ શહેર પાકિસ્તાનની સરહદથી તદ્દન નજીક, માત્ર 8 કિમી.ને અંતરે સતલજ નદી પર વસેલું છે. આ શહેર ચૌદમી સદીમાં જાહેર ઇમારતો બાંધવાના શોખીન ફિરોજશાહ તઘલખે (ફિરોજશાહ ત્રીજાએ – શાસનકાળ : 1351–1387) વસાવેલું; 1835માં તે અંગ્રેજ હકૂમત હેઠળ આવ્યું, ત્યારે અંગ્રેજોએ આ મોકાના મથકને રક્ષણાત્મક ચોકીમથક માટેના પરા તરીકે વિકસાવ્યું. 1845–’46ના પ્રથમ શીખયુદ્ધમાં તે સંકળાયેલું. આ શહેર કિલ્લેબંધીવાળું છે. શહેરને ફરતો ગોળાકાર માર્ગ છે, શહેરની અંદર વ્યવસ્થિત, પાકા અને પહોળા રસ્તાઓની સગવડ છે. તે ભારત-પાકિસ્તાન વચ્ચેનું મુખ્ય રેલવે-જંક્શન છે. આજુબાજુના વિસ્તાર માટે તે વેપારી મથક તથા ખેતપેદાશોનું બજાર બની રહ્યું છે. શહેરમાં જુદી જુદી કૉલેજો છે, હવાઈ મથક છે અને શહેરની દક્ષિણે 3 કિમીને અંતરે લશ્કરી છાવણી આવેલી હોવાથી તે વધુ જાણીતું બન્યું છે. આ ઉપરાંત અહીં દેશનો મોટામાં મોટો શસ્ત્રાગાર છે તથા બ્રિગેડનું મુખ્ય સ્થળ છે. જિલ્લાની વહીવટી કચેરીઓ આ શહેરમાં આવેલી છે. બલૂચિસ્તાનના સારાગઢી ખાતે જે 21 શીખ-સૈનિકો શહીદ થયેલા તેમના બલિદાનની યાદમાં અહીં સારાગઢી ગુરુદ્વારા નામનું ઐતિહાસિક સ્મારક તૈયાર કરવામાં આવેલું છે, ત્યાં દર વર્ષે 12મી સપ્ટેમ્બરે સૈનિકોને અંજલિ અપાય છે અને સારાગઢી દિનની ઉજવણી થાય છે. આ શહેરની વસ્તી 1,10,000 (2011) જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા