ફિરદોસી (હકીમ અબૂલ કાસિમ હસનબીન અલી)

February, 1999

ફિરદોસી (હકીમ અબૂલ કાસિમ હસનબીન અલી) (જ. 940, બાઝ તૂસ, ઈરાન; અ. 1020) : ફારસી સાહિત્યના વિખ્યાત મહાકવિ. તે એક સુખી ખેડૂત જમીનદાર. તેમની કુન્નિયત અબૂલકાસિમ હતી. તેમના પિતા ‘ચહાર બાગે ફિરદોસ’ નામે એક બગીચાના માલિક હોવાને લીધે તેમણે પોતાનું ઉપનામ ‘ફિરદોસી’ રાખ્યું હતું.

ઈરાનનો ગઝનવી યુગ સાહિત્યની ર્દષ્ટિએ ફિરદોસીના યુગ તરીકે ઓળખાવી શકાય. જગતનાં ઉત્તમ મહાકાવ્યો પૈકી એક અને ફારસીનું સૌથી મોટું મહાકાવ્ય ‘શાહનામા’ ફિરદોસી દ્વારા આ યુગમાં રચાયું. આ ઐતિહાસિક મહાકાવ્ય લગભગ 60,000 પંક્તિઓનું છે. તે ફિરદોસીને અમરતા બક્ષનાર મહાકાવ્ય છે. ફિરદોસીના લેખનની શરૂઆત ઈ. સ. 980ની આસપાસ થયેલી. તેમણે ‘શાહનામા’ના સર્જન પાછળ 30થી 35 વર્ષ ગાળ્યાં હતાં.

ફિરદોસી

ફિરદોસીનું ‘શાહનામા’ એટલે (એક પારંપરિક રેખાચિત્ર) ઈરાનના ભૂતકાળની લાંબી અને કડીબંધ યશગાથા. તેમાં ઈરાનના આદ્યપુરુષ ક્યુમર્સથી શરૂ કરી છેલ્લા ઈરાની જરથોસ્તી બાદશાહ યજ્દગર્દ બીજા સુધીનો સળંગ રાજવંશોનો ઇતિહાસ આવી જાય છે. તેનું વર્ગીકરણ મુખ્યત્વે આ પ્રમાણે થઈ શકે : (1) પુરાણોક્ત કાળ – તેમાં ક્યુમર્સ, હોશાંગ, તેહમુરસ, જમશીદથી ફરીદ્દીન સુધીના ઈરાની શાહોનું વિસ્તૃત વર્ણન છે; (2) પહેલવાનોનો કાળ – દંતકથાઓ પર આધારિત ‘શાહનામા’નો આ શૌર્યપ્રધાન અને રસપૂર્ણ ભાગ છે. તેમાં રુસ્તમ અને સોહરાબ ઉપરાંત ઈરાનના બીજા ઘણા પહેલવાનોની રજૂઆત થઈ છે; (3) શુદ્ધ ઐતિહાસિક કાળ.

ફિરદોસીનું ‘શાહનામા’ પ્રાચીન ઈરાનનો એક સર્વસંગ્રહગ્રંથ છે; તેમાં ઈરાનની માત્ર રાજકીય નહિ, પરંતુ સામાજિક-સાંસ્કૃતિક રીતરસમોનું પણ આલેખન છે. તેમાં પ્રસિદ્ધ રુસ્તમ અને સોહરાબની શૌર્યકથા તથા બેઝન વ મનીઝાની પ્રેમકથાઓનું આકર્ષક વર્ણન છે. મનુષ્યની ઊર્મિઓનો ચિતાર તથા યુદ્ધના બનાવોનું આબેહૂબ વર્ણન ‘શાહનામા’ની લોકપ્રિયતાનું એક સબળ કારણ છે. ફારસી સાહિત્યમાં આ કૃતિનાં ઘણાં અનુકરણો થયાં, પરંતુ તેની કક્ષા સુધી કોઈ પહોંચી શક્યું નથી.

‘શાહનામા’ની રચના, સુલતાન મહેમૂદે એના માટે જાહેર કરેલું ઇનામ, તેનો વચનભંગ, ફિરદોસીનું સુલતાન મહેમૂદ વિરુદ્ધ કટાક્ષકાવ્ય (હુજ્વ) લખવું તથા તેની નાસભાગ સંબંધી ઘણી દંતકથાઓ પ્રચલિત છે, જે તથ્ય બિનપાયાદાર છે. ફિરદોસીએ વૃદ્ધાવસ્થામાં ‘યુસુફ વ ઝુલીખા’ નામની મસ્નવી લખી હોવાનું મનાય છે, પરંતુ તેનો કોઈ આધાર નથી.

ઈસ્માઈલ કરેડિયા