ફિનિશ ભાષા અને સાહિત્ય : ફિનો-યુગ્રિક ભાષાઓ પૈકીની અને યુરોપમાં આવેલ ફિનલૅન્ડમાં બોલાતી ભાષા. તે સૂઓમી તરીકે પણ ઓળખાય છે. 1809થી ફિનલૅન્ડમાં સ્વીડિશ અને ફિનિશ રાજ્યમાન્ય ભાષાઓ હતી. સ્વયંશાસિત કૅરૅલિયન પ્રદેશની ભાષાની જેમ ફિનિશ પણ રાજ્યભાષા છે. ઇસ્ટૉનિયન, વૅપ્સ, લિવૉનિયન અને વૉટ ભાષાઓની નજીકની અને થોડે અંશે હંગેરિયન અને સેમી ભાષાઓ સાથે પણ તે સંકળાયેલી ભાષા છે. તે યુરેલિક ભાષાઓના પેટાજૂથની છે. ફિનલૅન્ડના 50 લાખથી વધુ લોકો તેનો ઉપયોગ કરે છે. સ્વીડન અને રશિયાનાં પ્રજાસત્તાક રાષ્ટ્રોમાં પણ કેટલેક અંશે તેનો ઉપયોગ થાય છે. ફિનિશની વર્ણમાલા લૅટિન જેવી છે.
આ ભાષાનાં કેટલાંક લખાણો સોળમી સદીનાં છે. તેમાં બાઇબલના નવા કરારનો અનુવાદ છે. ઇલિયાસ લૉનરોતના લોક-મહાકાવ્ય ‘કાલેવાલા’(1835)એ રાષ્ટ્રીય ચળવળને પીઠબળ પૂરું પાડ્યું. આનાથી જ સ્વીડિશને બદલે ફિનિશ ભાષા સરકારની અને સાક્ષરવર્ગની ભાષા બની.
ફિનિશ ભાષાનું આગવું લક્ષણ તેની સંવાદી સ્વરરચના છે. શબ્દના પ્રથમ સ્વર ઉપર ભાર મૂકવામાં આવે છે. તેમાં 14થી વધુ વિભક્તિઓ છે. દીર્ઘ અને હ્રસ્વ સ્વરો અને વ્યંજનો વચ્ચે ભેદ દેખાય છે; દા.ત., i અને ii, p અને pp ભિન્ન છે; તે જ પ્રમાણે શબ્દના મૂળ રૂપમાં આવેલો વ્યંજન આગળના શબ્દના સ્વરૂપને અનુલક્ષીને પણ બને છે. ફિનિશ ભાષામાં અનેક નામવિભક્તિ, નકારાત્મક ક્રિયાપદો અને શબ્દને છેડે લગાડાતા પ્રત્યયો છે. આમાં બાલ્ટિક, સ્લાવિક તથા જર્મન જૂથની ભાષાઓ અને સ્વીડિશ ભાષાના શબ્દોનું પ્રમાણ ગણનાપાત્ર છે.
સાહિત્ય : ફિનલૅન્ડના લેખકો ફિનિશ અને સાથે સાથે સ્વીડિશ ભાષામાં પણ સાહિત્યની રચના કરે છે.
લોકસાહિત્યની મૌખિક પરંપરા ઈ. સ. 100થી શરૂ થાય છે. ફિન્સ લોકો રઝળપાટ કરતાં કરતાં એ રચનાઓ કરતા હતા. દંતકથાઓ અને પુરાકલ્પનોએ તેમના સર્જનને પ્રેરણા પૂરી પાડી હોય તેમ લાગે છે. તે જમાનાનાં સૌથી લોકપ્રિય સાહિત્યસ્વરૂપોમાં મહાકાવ્ય, ઊર્મિકાવ્યો, લોકગીતો, બોધકથાઓ, કહેવતો અને કોયડાઓ છે.
ઈ. સ. 1157માં સ્વીડને ફિનલૅન્ડને જીતી લીધું. પછીના છ સૈકામાં સ્વીડનની પ્રબળ અસર તેના વહીવટ, ધર્મ અને કેળવણીમાં સુસ્પષ્ટ જણાય છે. ફિનલૅન્ડની સંસ્કૃતિ જ જાણે સમૂળગી બદલાઈ ગઈ. સ્વીડિશ રાજ્યભાષા હતી. ખ્રિસ્તી ધર્મના આગમનથી લૅટિનનો પણ બહોળો ઉપયોગ થવા માંડ્યો. મોટાભાગના લેખકો સુશિક્ષિત હતા અને તેથી ફિનિશ ભાષાનો પ્રયોગ નહિવત્ થતો હતો. બિશપ માઇકલ એગ્રિકોલાએ સૌપ્રથમ ‘એબીસી-બુક’ (1563) પ્રસિદ્ધ કરી. બિશપે નવા કરાર(બાઇબલ)નો અનુવાદ (1548) આપ્યો. ધાર્મિક લખાણોમાં ફિનિશ ભાષાનું આ સૌથી જૂનું લખાણ છે. મૌખિક પરંપરાનું લોકસાહિત્ય રચાતું રહ્યું; પરંતુ એ સિવાય તે જમાનાનું ફિનિશ સાહિત્ય ઉપલબ્ધ નથી.
ઈ. સ. 1809માં રશિયાએ ફિનલૅન્ડને પોતાની સાથે ભેળવી દીધું. આમ સ્વીડનથી તે છૂટું પડ્યું. પરિણામે ફિનિશ રાષ્ટ્રીય ચળવળ શરૂ થઈ. આમાં રાષ્ટ્રીય અકાદમીનાં ઐતિહાસિક સંશોધનો પ્રેરણાદાયી બન્યાં. એલિયાસ લૉનરોત નામના વિદ્વાને ઘણાં વર્ષો સુધી જે તે સાહિત્ય ભેગું કર્યું અને જૂના ફિનલૅન્ડનાં લોકગીતો અને કહેવતોનો અભ્યાસ કરીને ‘કાલેવાલા’ (1835) પ્રસિદ્ધ કર્યું. 1849માં તેની જ બૃહદ્ આવૃત્તિ બહાર પાડી. રાષ્ટ્રના લેખકોનો જુસ્સો આનાથી જાગ્રત થયો અને પોતાની ભાષામાં લખવાનો પુરુષાર્થ પ્રગટ થવા લાગ્યો.
ઓગણીસમી સદીના મધ્યભાગમાં ફિનિશ કૃતિઓ સાહિત્યનાં મુખ્ય સ્વરૂપ રૂપે પ્રગટ થવા લાગી. ફિનિશ ગદ્યનું આગવું પ્રકાશન ઍલેક્સી કિવીની ‘સેવન બ્રધર્સ’ (1870; અનુ. 1929) નવલકથા છે. આમાં ગ્રામ-વિસ્તારનાં વાસ્તવિક ચિત્રો રજૂ થયાં છે. કિવી નાટ્યકાર પણ હતા. આવું જ વાસ્તવિક લખાણ જુહાની આહોની ટૂંકી વાર્તા અને નવલકથામાં અને મિના કથનાં નાટકોમાં મળે છે. મારિયા જોતુનીનું ‘મૅન્સ રિબ’ (1914) હાસ્યપ્રધાન નાટક છે. તેમાં લગ્ન અને લગ્નવિચ્છેદની વાત છે. તેનું ‘ક્લોઝ, ધ માસ્ટર ઑવ્ લોહીક્કો’ નાટક 1941નું શ્રેષ્ઠ નાટક ઠર્યું હતું. પ્રકૃતિવાદ-વાસ્તવવાદના નવલકથાકારોમાં જૉએલ લેહતોનેન, તૉઇવો પિક્કાનન અને ફ્રાન્સ ઇમિલ સિર્લાંપાનાં નામ નોંધપાત્ર છે. તૉઇવો પિક્કાનને લખેલી ‘માય ચાઇલ્ડહુડ’(1953; અનુ. 1966)માં શ્રમજીવી પરિવારની કથા છે. 1939ના નોબેલ પારિતોષિકના વિજેતા ફ્રાન્સ એમિલ સિલાન્પાનું ગ્રામીણ જીવનનું મહાકાવ્ય ‘પીપલ ઇન ધ સમર નાઇટ’ (1934; અનુ. 1966) સુપ્રસિદ્ધ છે. માઇકા વૉલ્તારીની ‘ધ ઇજિપ્શિયન’ (1949) આંતરરાષ્ટ્રીય કીર્તિ પ્રાપ્ત કરનારી ઐતિહાસિક નવલકથા છે. વિશ્વયુદ્ધ પછીના સમકાલીન યુરોપનું નિર્ભ્રાન્ત ચિત્ર તેમાં ઊપસ્યું છે. ફિનિશ પદ્યમાં ઊર્મિકાવ્યનો સિદ્ધહસ્ત કવિ ઇનોલીનો અને દેશભક્ત કવિ વિક્કો આન્તેરો કૉઝ્કેનીમી, દુ:ખ-પીડા અને મૃત્યુનો ગાયક યૂનો કૈલાસ અને તીવ્ર લાગણીનો ઊર્મિકવિ કાર્લો ચાર્કિયા નોંધપાત્ર છે.
દ્વિતીય વિશ્વયુદ્ધ પછીનો ગણનાપાત્ર નવલકથાકાર વૈનો લિન્ના છે. તેનું ‘ધ અનનોન સોલ્જર’ (1954) અધિકારીઓનું વાસ્તવિક અને કટાક્ષયુક્ત ચરિત્રચિત્રણ કરે છે. તેનો અનુવાદ અનેક ભાષાઓમાં થયો છે. તેની નવલત્રયી ‘અન્ડર ધ નૉર્થ સ્ટાર’(1959–62)માં 1917ના ફિનલૅન્ડના આંતરવિગ્રહનું ગજબનાક વર્ણન છે. નોંધપાત્ર સમકાલીન નવલકથાકારોમાં વીજો મેરી ‘ધ મનિલા રોપ’(1957, અનુ. 1967)માં રજા ઉપર પોતાના વતનમાં ગયેલ સૈનિકની આપવીતી રજૂ કરે છે. પાવો રિન્તાલાની નવલત્રયી ‘ગ્રાન્ડમા ઍન્ડ મૅનરહિલ’(1960 –62)માં હૃદયમાં સંગ્રહાયેલી રાષ્ટ્રની પ્રાચીન દંતકથાઓનો હ્રાસ દર્શાવ્યો છે. આધુનિક યુવા કવિઓમાં ટુમાસ આન્હવા, ઇવા-લિસા મેનર, મૅટિટ રોઝી અને પેન્ટી સારિકોસ્કિ સુપ્રસિદ્ધ છે. ઇવા, પ્રકૃતિ અને સ્વપ્ન-કલ્પનોની અને રોઝી રાજકીય વિરોધની કવિતા આપે છે. પેન્ટીની પ્રેમ અને સ્વપૃથક્કરણની કવિતા લોકવાણીમાં લખાઈ છે. પેન્ટીએ જેમ્સ જૉઇસની સુપ્રસિદ્ધ નવલકથા ‘યૂલિસીસ’નો અનુવાદ કર્યો છે. મેરી અને આર્વો સેલોએ સમકાલીન નાટકો લખ્યાં છે. તેની પ્રસિદ્ધ કૃતિ ‘લાપુઆ ઑપેરા’(1966)માં ફિનિશ નાઝીવાદનાં દર્શન થાય છે.
કેટલાક ફિનિશ લેખકો સ્વીડિશમાં પણ લખવાનું પસંદ કરે છે. તેમનો વાચકવર્ગ વિશાળ છે. આમાં જૉહાન લુડવિગ રૂનેબર્ગનું કાવ્ય ‘વાર્તલૅન્ડ’ (1948) ફિનલૅન્ડનું રાષ્ટ્રીય ગીત છે. ઝાકારિયાઝ તૉપેલિયસ પરીકથાઓ અને ઐતિહાસિક નવલકથાઓના સંમાન્ય લેખક છે. વીસમી સદીના ઊર્મિકવિઓ ઍડિથ જૉદેરગ્રાન આધુનિકતાના પ્રણેતા છે. અરવિંદ મૉર્ન સ્વીડિશભાષી ફિનિશ લોકોની લઘુમતીના પ્રવક્તા છે. બર્ટેલ ગ્રિયેનબર્ગ સાહિત્યસ્વરૂપોના અને એલ્મર ડિક્ટોનિયસ સમકાલીન રાજકીય ક્રાન્તિના સંનિષ્ઠ અભ્યાસીઓ છે.
વિ. પ્ર. ત્રિવેદી