ફાસીવાદ : બે વિશ્વયુદ્ધો વચ્ચેના ગાળામાં ઇટાલીમાં વિકસેલું એક-હથ્થુ સત્તાવાદને વરેલું ઉગ્રરાષ્ટ્રવાદી જમણેરી રાજકીય આંદોલન. તે ઇટાલીના સરમુખત્યાર બેનિટો મુસોલીની (1883–1945) દ્વારા વિકસાવવામાં આવેલું. જર્મની સહિતના અન્ય યુરોપિયન દેશોમાં પણ તે પ્રસર્યું હતું. ‘ફૅસિઝમ’ શબ્દ લૅટિન શબ્દ ‘ફાસીસ’ પરથી ઊતરી આવ્યો છે. ‘ફાસીસ’ એટલે રાતા પટાથી બાંધવામાં આવેલ ભોજપત્રના લાકડાની ભારી. આ લાકડાની ભારીના ઉપલા ભાગે કુહાડીનું ફણું બહાર રહેતું. આમ ‘ફાસીસ’ એટલે લાકડાની ભારી અને કુહાડી. રોમન કાળના મૅજિસ્ટ્રેટો, ગવર્નરો તથા સમ્રાટની આગળ ‘લિક્ટોર્સ’ નામના સેવકો આ પ્રતીક લઈને ચાલતા. ‘ફાસીસ’ સત્તાનું પ્રતીક ગણાતું હોવાથી તે જે તે અધિકારીને મૃત્યુદંડ સુધીની સજા ફરમાવવાની સત્તા બક્ષતું હતું. મુસોલીનીની સરકારે પણ તેને ઇટાલીની રાજ્યસત્તાના પ્રતીક તરીકે સ્વીકાર્યું.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઇટાલીમાં જોવા મળતા રાજકીય અને સામાજિક ફેરફારો તથા સમાજવાદી (સામ્યવાદી) વિચારસરણીના પ્રસારના પ્રત્યાઘાત રૂપે ફાસીવાદી આંદોલન ઉદભવ્યું હતું. નબળી સરકાર, પ્રેરણાહીન નેતાગીરી તથા વિષમ આર્થિક પરિસ્થિતિએ એકહથ્થુ સત્તાવાદ અને લશ્કરી ગુણોને ગૌરવવંતું સ્થાન બક્ષ્યું. ગ્રેબ્રિયલ દ’ એન્યુનઝીવો તથા અન્ય બૌદ્ધિકોએ સાહસ, સંઘર્ષ અને યુદ્ધનો મહિમા ગાયો, જેને લીધે સામાન્ય પ્રજાના માનસ પર પણ તેની હકારાત્મક છાપ પડી.
એક સમયે ક્રાંતિકારી સમાજવાદી તરીકે જાણીતા બનેલા મુસોલીનીએ મિલાન ખાતે માર્ચ 1919માં પોતાના કેટલાક સહકાર્યકરો સાથે નૅશનલ ફાસિસ્ટ પક્ષ દ્વારા ઇટાલિયન ફાસીવાદની સ્થાપના કરી. ‘ડ્યુસ’(મુસોલીની)ની જેમ આ સૌ કાર્યકરો મૂળે સમાજવાદી પક્ષના સભ્યો હતા; પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલીની સરકારની સામેલગીરીની વિરુદ્ધમાં આ સમાજવાદીઓએ મુસોલીનીની રાહબરી સ્વીકારી હતી. ફાસીવાદી આંદોલનના અનુયાયીઓ જે મુખ્યત્વે પ્રથમ વિશ્વયુદ્ધમાંથી પાછા ફરેલા સૈનિકો હતા, તેઓ અર્ધલશ્કરી ધોરણે સંગઠિત થયા હતા. કાળું ખમીસ તેમનો ગણવેશ હતો. ફાસીવાદી પક્ષનો શરૂઆતનો કાર્યક્રમ ડાબેરી તથા જમણેરી વિચારોનો શંભુમેળો હતો. તે રાષ્ટ્રવાદ, ઉત્પાદકતા, અગ્રવર્ગ તથા શક્તિશાળી નેતાની રાહબરી પર ભાર મૂકતો હતો. સમાજવાદનો તે વિરોધી હતો. મુસોલીનીની વક્તૃત્વ-છટા, યુદ્ધોત્તર આર્થિક પરિસ્થિતિ, પરંપરાગત રાજ્યપદ્ધતિમાંથી પ્રજામાં સર્વત્ર પ્રસરેલ હતાશા અને અવિશ્વાસ તથા વિકસતા સમાજવાદની ભીતિએ ફાસીવાદના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 1921 સુધીમાં ફાસીવાદી પક્ષની સભ્યસંખ્યા 30,000ની થઈ હતી.
1921ની ઇટાલીની સંસદની ચૂંટણીમાં ફાસીવાદ પક્ષના 35 સભ્યો ચૂંટાયા. મુસોલીની તથા તેના અનુયાયીઓએ રોમ તરફ કૂચ આદરી. મુસોલીનીને વડાપ્રધાનપદ ન આપવામાં આવે તો સરકાર કબજે કરવાની ધમકી મળતાં ઇટાલીના રાજાએ મુસોલીનીને સરકાર રચવા આમંત્રણ આપ્યું. આમ ઑક્ટોબર 1922માં તે વડાપ્રધાન તરીકે નિમાયો. ઐતિહાસિક રોમકૂચ તથા ત્યારપછીની ત્રણ વર્ષની હિંસક રાજનીતિના પરિણામે 1926માં મુસોલીનીએ સંપૂર્ણ રાજ્યસત્તા હસ્તગત કરીને પોતાની સરમુખત્યારશાહી સ્થાપી અને ઇટાલીની ફાસિસ્ટ ગ્રાન્ડ કાઉન્સિલે તેને પદભ્રષ્ટ કર્યો (1944) ત્યાં સુધી તેનું ઇટાલીમાં એકચક્રી શાસન હતું. 1945માં સામ્યવાદના સમર્થકોએ રોમમાં મુસોલીનીનો જાહેરમાં શિરચ્છેદ કર્યો, ત્યાં સુધી નાઝીવાદી જર્મનીના આશ્રય નીચે મુસોલીનીની નામમાત્રની સરકાર ઇટાલીમાં અન્યત્ર હયાત રહી હતી.
ફાસીવાદી વિચારશ્રેણીનાં મૂળ કિખ્તે, કાર્લાઇલ, આર્થર શોપનહોર, ફ્રેડરિક નિત્શે, હેન્રી બર્ગસા અને સામાજિક ઉત્ક્રાંતિવાદના વિચારોમાં રહેલાં છે એવો એક મત છે. અન્ય મત અનુસાર ‘ફ્રેન્ચ રેવોલ્યૂશનરી ટેરર’ને ફાસીવાદનો આધાર માન્યો છે. તે પશ્ચિમ યુરોપમાં ઓગણીસમી સદીના અંતે પ્રવર્તતા ઉદારમતવાદી મધ્યમવર્ગીય (બુઝર્વા) વિચારો વિરુદ્ધનો આકરો પ્રત્યાઘાત હતો.
નૂતન આદર્શવાદી ચિંતક ગિયોવાન્ની જેન્ટાઇલ ફાસીવાદી વિચારશ્રેણીનો સર્જક હતો. તેણે સર્વસત્તાધારી રાજ્ય સમક્ષ વ્યક્તિની સંપૂર્ણ શરણાગતિ પર ભાર મૂક્યો. ફાસીવાદ હિંસાને એક રચનાત્મક બળ તરીકે મૂલવે છે. રાષ્ટ્રવાદ અને નિગમાત્મક (corporate) રાજ્યની મદદથી ઇતિહાસના ફલક પરથી વર્ગસંઘર્ષને નાબૂદ કરવાની તેની નેમ હતી. ઉત્પાદકતા વધારવા તથા ઔદ્યોગિક વિવાદો નાબૂદ કરવાના હેતુસર મુસોલીનીએ અર્થતંત્રના તમામ ઘટકોને બાવીસ કૉર્પોરેશનોમાં સંગઠિત કર્યા હતા. આ બધાં અંતિમ પગલાં છતાં ઇટાલીના અર્થતંત્રમાં કોઈ ચમત્કારિક વિકાસ થયો નહિ. શાસનના પ્રચારાત્મક દાવાઓ છતાં આ ક્ષેત્રે નિગમાત્મક રાજ્યની કામગીરી નબળી પુરવાર થઈ. મુસોલીનીને મોટાં ઉદ્યોગગૃહો, રાજાશાહી તથા રોમન કૅથલિક ચર્ચ સાથે સમાધાન સાધવું પડ્યું. ફાસીવાદની વિસ્તારવાદી લશ્કરી નીતિએ મુસોલીનીને ઇથિયોપિયા તથા બાલ્કની પ્રદેશમાં સામ્રાજ્યવાદી દુ:સાહસ કરવા પ્રેર્યો. તેને પગલે પગલે દ્વિતીય વિશ્વયુદ્ધ(1939–45)નું મંડાણ થયું.
ઇટાલિયન ફાસીવાદ સાથે ઘણી બાબતોમાં સામ્ય ધરાવતી જર્મન નાઝીવાદી ચળવળ પણ યુરોપમાં આવો જ અન્ય પ્રકારનો એક પ્રત્યાઘાત હતો. લગભગ તે જ અરસામાં સ્પેનમાં પણ ફાસીવાદી ચળવળ ઊભી થઈ હતી. 1936માં સ્પૅનિશ યુદ્ધ શરૂ થયું ત્યારે પ્રજાસત્તાક પરના આક્રમણમાં આ ચળવળના સૂત્રધારોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. 1930ના દાયકા દરમિયાન બેલ્જિયમ, ઑસ્ટ્રિયા તથા નેધરલૅન્ડ્ઝ જેવા યુરોપના અન્ય દેશોમાં પણ ઓછાવત્તા પ્રમાણમાં ફાસીવાદી આંદોલનો ઉદભવ્યાં. દ્વિતીય વિશ્વયુદ્ધ(1939–45)માં જર્મની અને ઇટાલીનો કારમો પરાજય થતાં યુરોપમાં ઉદભવેલી ફાસીવાદી આંધી શમી ગઈ.
દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્વે જાપાનમાં ફાસીવાદી વિચારો અને વલણો ર્દષ્ટિગોચર થતાં રહ્યાં હતાં. જાપાનનો સમ્રાટ તેના દેશમાં રાષ્ટ્રીય ઇચ્છાશક્તિનું મૂર્તિમંત સ્વરૂપ લેખાતો. 1930ના દાયકામાં ત્યાંની શક્તિશાળી લડાયક પરંપરાએ જાપાનમાં ફાસીવાદના વિકાસ માટેની જરૂરી સામગ્રી અને પરિસ્થિતિ પૂરી પાડી. ઘણા બૌદ્ધિકોએ પશ્ચિમી અસરોને ફગાવી દઈને દેશના લોકોને જાપાની ધર્મ, નૈતિકતા તથા સમુરાઈ પરંપરાનાં પ્રાચીન મૂલ્યોને અનુસરવાની હાકલ કરી. જર્મનીની જેમ જાપાનમાં પણ વિશ્વના કહેવાતા અન્ય ‘અસંસ્કૃત’ લોકોને ‘સભ્ય’ બનાવવાની વૈશ્વિક જવાબદારી ધરાવતા દેશ તરીકેની પોતાની ભૂમિકા હોવાનો તેણે દાવો કર્યો હતો.
નાઝીવાદની જેમ ફાસીવાદી વિચારસરણી પણ સર્વસત્તાધીશને સ્થાને રાજ્યને સ્થાપે છે. તે રાષ્ટ્રીય ઇચ્છાશક્તિનું મૂર્તિમંત સ્વરૂપ ગણાયું. રાજ્યના સર્વોચ્ચ હિતમાં વ્યક્તિઓએ પોતાની ઇચ્છાઓનું બલિદાન આપવું જોઈએ તેવું તેમનું મંતવ્ય હતું. વળી ફાસીવાદી વિચારસરણી લોકસંમોહનની શક્તિ ધરાવનાર સર્વોચ્ચ નેતા સમક્ષ પ્રજા સંપૂર્ણપણે તાબેદારી વ્યક્ત કરે તેવો આગ્રહ સેવે છે, કારણ કે આ સર્વોચ્ચ નેતા ફ્યુરર (fuhrer) જ રાજ્યનું મૂર્તિમંત પ્રતીક છે એવી તેમની શ્રદ્ધા હતી. ફાસીવાદી વિચાર લડાયક ગુણોની પ્રશંસા કરે છે. નાઝીવાદીઓની જેમ ફાસીવાદીઓ પણ અમુક રાષ્ટ્ર કે જાતિના લોકોના લોહીની પવિત્રતા અને તેમના ગુણોની શ્રેષ્ઠતામાં વિશ્વાસ ધરાવતા હતા. આવી શ્રેષ્ઠ જાતિના લોકો જ શાસન કરવા સર્જાયા છે એવું તેઓ માનતા હતા. ‘બળવાન હોય તે જ સાચા હોય છે’ (Might is right) એ તેમનું સૂત્ર હતું. મુસોલીનીએ તો રોમન સામ્રાજ્યના પુનર્જન્મ અંગે આગાહી પણ કરી હતી. ફાસીવાદી ઇટાલીમાં સત્તાધારી રાજકીય પક્ષની ભૂમિકા નિર્ણાયક અને અસરકારક હતી. રાજ્યની અસરકારક સત્તા સંસદ કે પ્રધાનમંડળના હાથમાં નહિ, પરંતુ સરમુખત્યાર કે પક્ષની શાસક ટોળકીના હાથમાં હતી. પક્ષ એ સરમુખત્યારની માત્ર મુલ્કી સેના જ હતો, જે અસંખ્ય સંસ્થાઓ પર અંકુશ રાખવાનું કાર્ય કરતો. પક્ષનું મહત્વનું કાર્ય પ્રજાને ફાસીવાદી વિચારધારાનું શિક્ષણ આપવાનું હતું. લશ્કર અને પોલીસ (છૂપી પોલીસ OVRA સહિત) એ સરમુખત્યાર ડ્યુસની સત્તાનું બીજું મહત્વનું માધ્યમ હતું. છૂપી પોલીસ દેશવિદેશમાં જાસૂસી જાળ ધરાવતી તથા રાજકીય કેદીઓના શિક્ષાત્મક શિબિરો (concentration camps) પર સજ્જડ નિરીક્ષણ રાખવાનું કાર્ય કરતી. નિગમાત્મક રાજ્ય (corporate state) એ ફાસીવાદનું રાજકીય વિચારના ક્ષેત્રે એક વિશિષ્ટ પ્રદાન છે. ફાસીવાદીઓએ આર્થિક ક્ષેત્રે નિગમાત્મક રાજ્યની સ્થાપના કરી હતી. તેઓ માનતા કે ઉદારમતવાદી તથા જૂનીપુરાણી અર્થવ્યવસ્થાને સ્થાને નવી આર્થિક વ્યવસ્થા દાખલ કરવાની જવાબદારી રાજ્યની છે. વેપાર-ઉદ્યોગના ક્ષેત્રે દેશમાં હડતાલબંધી ફરમાવવામાં આવી. કામદારો માટેનાં વેતન તેમજ તેમના કામના કલાકો તથા કામની સ્થિતિ અને શરતો અંગે નિર્ણયો લેવાની સત્તા પણ કૉર્પોરેશનોના હાથમાં હતી. મુસોલીનીના શાસનકાળ (1922–44) દરમિયાન વેપારી પેઢીઓ પર ભારે કરભાર લાદવામાં આવ્યો અને ભારે ઉદ્યોગો પર ઘણા અંકુશો મૂકવામાં આવ્યા. વિદેશી વેપારના ક્ષેત્રે આર્થિક સ્વાવલંબનની અને સંરક્ષણની નીતિ દાખલ કરવામાં આવી.
ફાસીવાદી વિચારધારાનાં કેટલાંક પાસાંઓમાં સુગ્રથિતતા જોવા મળે છે; દા.ત., નેતૃત્વનો સિદ્ધાંત, રાષ્ટ્રીય રાજ્યનો આંતરિક ખ્યાલ, ફાસીવાદનું સામ્રાજ્યવાદી ધ્યેય અને રાજકીય પયગંબરવાદ (messiahism) તેનાં પાયાનાં તત્વો છે.
ફાસીવાદીઓ પ્રાચીન રોમન સામ્રાજ્યના પુનરુત્થાનના ધ્યેયને વરેલા હતા. તેઓ ફાસીવાદના સિદ્ધાંત પર આધારિત એક નૂતન અને સાર્વત્રિક સંસ્કૃતિના નિર્માણની ખ્વાહેશ ધરાવતા હતા.
ફાસીવાદી વિચારસરણીનો ફેલાવો ઇટાલી અને જર્મની ઉપરાંત અન્ય કેટલાક દેશોમાં પણ થયો હતો; દા.ત., વીસમી સદીના ચોથા દાયકામાં હંગેરીમાં ‘ઍરો ક્રૉસ’, રૂમાનિયામાં ‘આયર્ન ગાર્ડ’ તથા જાપાનમાં કેટલાંક છૂટાંછવાયાં જૂથોએ તે વિચારસરણી અપનાવવાનો પ્રયાસ કર્યો હતો. 1946–55 તથા 1973–74 દરમિયાન જુઆન ડી. પેરોન(1895–1974)ના શાસનકાળ દરમિયાન આર્જેન્ટીનામાં પણ ફાસીવાદી સરકાર સત્તા પર રહી હતી. ફ્રાન્સિસ્કૉ ફ્રૅન્કો(1892–1975)ના નેતૃત્વ હેઠળ સ્પેનમાં જે સરકાર સત્તા પર હતી (1939–75) તે પણ ફાસીવાદી ઢબની હતી એવું કેટલાકનું મંતવ્ય છે.
નવનીત દવે
રક્ષા મ. વ્યાસ