ફાળવણીપત્ર : સીમિત જવાબદારીવાળી કંપનીનાં શેર/ડિબેન્ચર/ બૉન્ડ ખરીદવા માટે અરજદારે કરેલી અરજી સામે કંપની દ્વારા ફાળવવામાં આવેલાં શેર/ડિબેન્ચર/બૉન્ડની વિગતો જણાવતો કંપનીએ અરજદારને મોકલેલો પત્ર. ધંધાકીય વ્યવસ્થા માટે જે ત્રણ સ્વરૂપો પ્રચલિત છે તેમાં એક છે વ્યક્તિગત માલિકીવાળો ધંધો. તેમાં એક જ વ્યક્તિ મૂડીરોકાણ, સંચાલન અને જવાબદારી તથા વેપારનાં જે તે પરિણામ ભોગવે છે. વિકાસના અમુક તબક્કા પછી વ્યક્તિગત માલિકીવાળા ધંધાના વિકાસ માટે મૂડીની તંગી અનુભવે, વધારે જવાબદારી ઉઠાવી શકે તેમ ન હોય, વધુ કે કાર્યક્ષમ સંચાલનની જરૂરિયાત અનુભવે ત્યારે તે ભાગીદારી-સ્વરૂપમાં જાય છે, જેમાં નાણાકીય ક્ષેત્રના ધંધા માટે મહત્તમ દસ અને અન્ય ધંધાઓ માટે મહત્તમ વીસ વ્યક્તિ ભાગીદાર બની શકે છે. ભાગીદારોની જવાબદારી વ્યક્તિગત અને સામૂહિક હોય છે. મૂડીનું પ્રમાણ વધે છે. સંચાલનમાં વધુ વ્યક્તિઓ સામેલ થઈ શકે છે; તેમ છતાં વિકાસના અમુક તબક્કા બાદ ભાગીદારીમાં પણ મૂડીની અલ્પતા, સંચાલન માટે વધુ કુશળતાની આવશ્યકતા તથા જવાબદારીનું વહન કરવાની અશક્તિ નડે છે. ત્યારે ત્રીજા સ્વરૂપ–જૉઇન્ટ સ્ટૉક કંપની કે સંયુક્ત હિસ્સાવાળી કંપનીના સ્વરૂપમાં જવું પડે છે. ભારતમાં 1956માં કંપની ધારા અન્વયે કોઈ પણ કંપનીની રચના થતી હોય છે. આ કાયદાની તમામ જોગવાઈઓનું પાલન કરવાની કંપનીની જવાબદારી રહે છે. કંપની સ્વરૂપની લાક્ષણિકતામાં વધુ મૂડી એકત્ર કરવાની સરળતા, પોતાના મૂડીરોકાણ પૂરતી જ સીમિત જવાબદારી, નાણાંની વિપુલતાને લીધે નિષ્ણાત પગારદાર વ્યક્તિઓની નિમણૂકથી થતા કુશળતાપૂર્વકના સંચાલનનો લાભ વગેરેનો નિર્દેશ કરી શકાય.
કંપની ધારા મુજબ સંયુક્ત હિસ્સાવાળી કંપની જે કુલ મૂડી એકત્ર કરવા માંગે તેની પૂર્વ-મંજૂરી કંપની ‘કંટ્રોલર ઑવ્ કૅપિટલ ઇસ્યૂ’ પાસેથી તેને લેવી પડે છે. તેને લગતી પૂરતી પ્રસિદ્ધિ આપવી પડે છે. એ માટે વિજ્ઞાપનપત્ર બહાર પાડવું પડે છે, અને જનતાને નિશ્ચિત સમયાવધિ દરમિયાન મૂડીરોકાણ કરવા માટે જાહેર અપીલ કરવી પડે છે. એ રીતે કંપની દ્વારા એકત્રિત કરવાની મૂડીને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે છે, જેને ‘શેર’ કહેવામાં આવે છે. ઇચ્છુક રોકાણકારો આવા ‘શેર’ માટે નિયત ફૉર્મમાં શરતો મુજબ, યોગ્ય રકમ સાથે અરજી કરી શકે છે. શેરઅરજી સ્વીકારવાની પૂર્વઘોષિત નિયત સમયાવધિ પૂરી થયા બાદ આવેલ તે અરજીઓની ચકાસણી કરવામાં આવે છે. નિયમસરની અરજીઓ ધ્યાનમાં લેવાય છે. જો ન્યૂનતમ ભરણા જેટલી જ અરજીઓ આવી હોય તો કંપનીના સંચાલન માટે રચાયેલ બોર્ડ ઑવ્ ડિરેક્ટર્સ દ્વારા તમામ વિધિસરની અરજીઓ મંજૂર કરવામાં આવે છે; પરંતુ જો ન્યૂનતમ ભરણા કરતાં વધારે અરજીઓ પ્રાપ્ત થઈ હોય તો શેરબજારના અધિકારમંડળ સાથે મસલત કર્યા બાદ શેરની ફાળવણી કરવામાં આવે છે. નાની સંખ્યામાં અરજી કરનારાઓની પૂરી માંગ સ્વીકારવામાં આવે છે અને તે સંજોગોમાં શેર અરજી સાથે મોકલેલી રકમ કંપની રાખી લે છે. સ્થાપકો, નાણાકીય સંસ્થાઓ કે અંડરરાઇટર્સની અરજી મોટી સંખ્યામાં હોય તોપણ સ્વીકારાય છે. બાકીના અરજદારોને પ્રમાણસર શેર ફાળવવામાં આવે છે. આ સંજોગોમાં આવા અરજદારને તેણે શેર માટે કરેલી અરજી સામે કેટલા શેર ફાળવવામાં આવ્યા છે, બાકીની રકમ કઈ રીતે, કેટલા સમયમાં જમા કરાવવાની છે અને અરજી સાથે મળેલી વધારાની રકમ કંપની ભવિષ્યમાં લેવાની રકમ સામે કઈ રીતે સરભર કરશે વગેરેની વિગતો જણાવતો પત્ર કંપની તરફથી પાઠવવામાં આવે છે તે ‘ફાળવણીપત્ર’ નામે ઓળખાય છે. આ પત્ર સાથે જો અરજી નામંજૂર થઈ હોય તો અરજી સામેની રકમનો ચેક પણ મોકલવામાં આવે છે. કંપની અને શેર અરજદાર વચ્ચે કરાર ત્યારે જ અસ્તિત્વમાં આવે છે જ્યારે કંપનીએ મોકલેલ ‘ફાળવણીપત્રની’ અરજદાર લેખિત સ્વીકૃતિ મોકલે. અરજી મેળવવાની છેલ્લી તારીખ પછીના 45 દિવસમાં ફાળવણી કરવામાં ન આવે તો જે રકમ અરજદારે અરજી સાથે મોકલી હોય અને તે પૈકી જે રકમ પરત મેળવવા પાત્ર થાય તેના પર સરકાર દ્વારા વખતોવખત જાહેર થતા દરે વ્યાજ આપવા કંપની બંધાયેલી હોય છે. ફાળવણીપત્રમાં વ્યાજનો ઉલ્લેખ કરવો પડે છે. અરજદારની અરજી પ્રમાણેના શેર આપવા માટે કંપની બંધાયેલી નથી, પરંતુ કંપનીએ ફાળવેલ શેર પરની બાકીની રકમ કંપની માંગે ત્યારે ચૂકવવા અરજદાર બંધાયેલો છે. અરજદાર કંપનીને તે રકમ આપે નહિ તો તેના શેર જપ્ત થશે અને ભરેલી રકમ કંપની જપ્ત કરશે તેવી સૂચના પણ ફાળવણીપત્રમાં આપવામાં આવે છે.
દુષ્યંતકુમાર જનકરાય વસાવડા