ફારૂખાબાદ–ફતેહગઢ : ઉત્તરપ્રદેશ રાજ્યના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો, જિલ્લામથક તથા જોડિયું શહેર. આ જિલ્લો 26° 47´થી 27° 42´ ઉ. અ. અને 79° 07´થી 80° 02´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનો કુલ વિસ્તાર 2,181 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે બદાયૂં અને શાહજહાંપુર જિલ્લાઓ, પૂર્વમાં હરદોઈ જિલ્લો, અગ્નિમાં ઉન્નાવ અને કાનપુર જિલ્લાઓ, દક્ષિણમાં કાનપુર જિલ્લો, નૈર્ઋત્યમાં ઇટાવાહ જિલ્લો, પશ્ચિમમાં મૈનપુરી જિલ્લો તથા વાયવ્યમાં ઇટાહ જિલ્લો આવેલા છે. ગંગા નદી આ જિલ્લાની ઉત્તર અને પૂર્વ સીમા બનાવે છે. ફતેહગઢ જિલ્લાનું મુખ્ય વહીવટી મથક છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લામાં થઈને ગંગા, રામગંગા, કાલી, ઈસાન જેવી મુખ્ય નદીઓ તથા રિન્ડ (અરિન્ડ), બાગડ અને પાંડુ જેવી અન્ય નદીઓ પસાર થાય છે. જિલ્લાનો લગભગ બધો જ વિસ્તાર આ નદીઓનાં સંગમસ્થાનોની આજુબાજુ આવેલો છે. એકંદરે જિલ્લાનું ભૂપૃષ્ઠ ગંગાના નદીથાળાથી રચેલા સમતળ મેદાની પ્રદેશથી બનેલું છે. મેદાની પ્રદેશની ખીણના નીચાણવાળા ભાગો ખદર(નૂતન કાંપ)થી અને ઊંચાણવાળા ભાગો ભાંગર(જૂના કાંપ)થી બનેલા છે.
આબોહવા : આ જિલ્લાના વિસ્તારની આબોહવા પ્રમાણમાં સૂકી, પરંતુ સ્વાસ્થ્યપ્રદ છે. જૂન અને જાન્યુઆરીનાં સરેરાશ તાપમાન અનુક્રમે 35° સે. અને 15° સે. જેટલાં રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 825 મિમી. જેટલો પડે છે.
ખેતી : જિલ્લાનો સમગ્ર વિસ્તાર ગંગા અને તેની શાખાનદીઓએ બનાવેલા કાંપનો હોવાથી જમીનો મુખ્યત્વે ત્રણ પ્રકારની જોવા મળે છે : રેતાળ, ગોરાડુ અને માટીવાળી. આ ઉપરાંત ક્ષાર અને કંકરમિશ્રિત જમીનો પણ છે. જિલ્લાની 12,000 હેક્ટર જમીન ખેતી હેઠળ છે. ગંગા નદી મારફતે સિંચાઈની સુવિધા મળી રહે છે. કૃષિપાકોમાં ઘઉં, ડાંગર, જવ, જુવાર, કઠોળ (ચણા), તેલીબિયાં, મકાઈ, બાજરી તથા કપાસ મુખ્ય છે. આ ઉપરાંત અહીં બટાટા, તમાકુ અને તરબૂચ થાય છે, થોડાઘણા પ્રમાણમાં વાડીઓ પણ છે. ખેતીની સાથે પશુપાલન-પ્રવૃત્તિ પણ થાય છે. ગાય, બળદ, ભેંસ, ઘેટાં, બકરાં તથા અન્ય પાલતુ પ્રાણીઓનો ઢોરઉછેર થાય છે. ઢોરની ઓલાદ અહીં ઊતરતી કક્ષાની જોવા મળે છે, તેથી જરૂરી પશુદવાખાનાંની વ્યવસ્થા છે. અહીં જંગલો ખાસ જોવા મળતાં નથી; લીમડો, પીપળો, જાંબુ કે સીસમ જેવાં વૃક્ષો છૂટાંછવાયાં નજરે પડે છે.
ઉદ્યોગો : આ જિલ્લામાં યાંત્રિક ઉદ્યોગો કે ખનિજ-ઉદ્યોગનું પ્રમાણ નહિવત્ છે. જ્યાં માટીવાળી જમીનો છે ત્યાં ઈંટો પાડવામાં આવે છે. આ જિલ્લો ખાસ કરીને સાડીઓ, ચાદરો તેમજ અન્ય કાપડ પરના છપાઈકામ માટે જાણીતો છે. વળી અહીં બટાટાનો પાક પુષ્કળ થતો હોવાથી તેમાંથી ચિપ્સ, વેફર, લોટ તથા આલ્કોહૉલ બનાવાય છે. બીડીનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે. તેનાં 187 જેટલા એકમો અહીં છે. બહારથી શેરડી મંગાવીને અહીં ખાંડ અને ખાંડસરી બનાવાય છે. ફળોનો રસ બનાવવાના તથા મગફળી પર પ્રક્રિયા કરવાના એકમો પણ વિકસાવવામાં આવ્યા છે. કનોજ તેનાં અત્તર અને સુખડનાં તેલ જેવાં અન્ય સુગંધી દ્રવ્યો માટે પ્રાચીન સમયથી જાણીતું છે. જિલ્લાના એક હજાર જેટલા નાના એકમોમાં આશરે પાંચેક હજાર લોકો નોકરી કરે છે. જિલ્લામાં રોલિંગ દરવાજા, બીડી, સાબુ, તમાકુ, સુખડ-તેલ, સુગંધી દ્રવ્યો, અત્તરનો વેપાર ચાલે છે. ઘઉં, કેરોસીન, તમાકુ, ડીઝલ, શેરડી, બીડીનાં પાદડાં તથા સુખડ-કાષ્ઠની આયાત કરવામાં આવે છે, જ્યારે જરીકામ, છપાયેલાં કાપડ-કપડાં, સૉલ્ટપીટર, બટાટા, બીડી, તમાકુની બનાવટો, ધાતુનાં વાસણો, સુગંધી દ્રવ્યો, સુખડનું તેલ વગેરે બહાર જાય છે.
પરિવહન : જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ ઓછો હોવાથી અર્થતંત્રનો આધાર ખેતી ઉપરાંત પરિવહન પર રહેલો છે. જિલ્લામાં રેલમાર્ગો–સડકમાર્ગોની ગૂંથણી સારા પ્રમાણમાં જોવા મળે છે. 27 કિમી. લંબાઈનો બ્રૉડગેજ રેલમાર્ગ જિલ્લાના મધ્યભાગમાંથી પસાર થાય છે. 118 કિમી. લંબાઈનો વાયવ્યથી અગ્નિ તરફનો મીટર-ગેજ રેલમાર્ગ જિલ્લાની સમગ્ર લંબાઈને આવરી લે છે. 689 કિમી.ના પાકા રસ્તાઓ પૈકી 173 કિમી.ના રાજ્ય ધોરીમાર્ગો તથા 419 જિલ્લા ગ્રામકક્ષાના માર્ગો છે.
જોવાલાયક સ્થળો : આ જિલ્લામાં કનોજ, કાંપિલ અને સાંકિસાનાં પ્રાચીન ઐતિહાસિક સ્થળો આવેલાં છે. કનોજ અત્તરના વેપાર માટેનું અહીનું જૂનું અને જાણીતું નગર છે; ત્યાં જૌનપુરના ઇબ્રાહીમ શાહે 1406માં બાંધેલી જામા મસ્જિદ છે, અન્ય મસ્જિદો અને કબરો પણ છે. સદીઓજૂના મહાભારતકાળના પાંચાલ પ્રદેશના કાંપિલ્ય નગર(અહીંનું વાયવ્ય તરફ આવેલું કાંપિલ)માં કામેશ્વરનાથ અને રામેશ્વરનાથનાં પ્રાચીન મંદિરો તથા સુલતાન બલ્બને બંધાવેલો એક કિલ્લો આવેલાં છે. આ સ્થળ હિંદુ, મુસ્લિમ તથા જૈનો માટે પવિત્ર ગણાય છે. પશ્ચિમ તરફ આવેલું સાંકિસા (જૂનું સાંકી નગર) એ આજે એક ટેકરા પર માત્ર નાના ગામડા તરીકે જોવા મળે છે. તે અગાઉના વખતમાં બૌદ્ધોનું યાત્રાધામ હતું, કદાચ કિલ્લા સ્વરૂપે હતું. અહીં અશોકનો સ્તંભ અને બિસારી મંદિર આવેલાં છે. આ સ્થળ હિંદુઓ અને બૌદ્ધો બંને માટે પવિત્ર ગણાય છે.
આ ઉપરાંત જિલ્લામાં પ્રાચીન સમયનાં શંશાવન, ખુદાગંજ-ફર્રુખાબાદ (ફતેહગઢ કિલ્લો) પણ જોવાલાયક સ્થળો છે. ગંગાના દક્ષિણ કાંઠે આવેલું શૃંગીરામપુર મેળાના સ્થાન માટે જાણીતું છે, તે રાજ્યભરમાં મેળા માટે મથુરા પછી કદાચ બીજા ક્રમે આવે છે. વર્ષભર અહીં તેમજ અન્યત્ર વાર-તહેવારે જુદા જુદા પરંપરાગત મેળાઓ ભરાતા રહે છે.
વહીવટી વિભાજન : આ જિલ્લાને ફારૂખાબાદ, કનોજ, કૈમગંજ અને છિપ્રામો જેવા ચાર તાલુકાઓમાં તથા ચૌદ સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. ફારૂખાબાદ-ફતેહગઢનું જોડિયું શહેર સૌથી વધુ વસ્તી ધરાવતું મોટું શહેર છે, બાકી બાર જેટલાં નગરો એક લાખથી ઓછી વસ્તીવાળાં છે.
વસ્તી : 2011ની વસ્તીગણતરી મુજબ આ જિલ્લાની વસ્તી 18.85 લાખ જેટલી છે. અહીં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ અને જેન લોકો વસે છે. જિલ્લાભરમાં પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ શિક્ષણની અને દવાખાનાંની સગવડ છે.
ઇતિહાસ : કનોજ, કાંપિલ અને સાંકિસા – આ ત્રણ નગરો આ જિલ્લાનાં ખૂબ જ પ્રાચીન સ્થળો ગણાય છે, તેથી આ જિલ્લો ઐતિહાસિક દૃષ્ટિએ ઘણી જૂની તવારીખ ધરાવે છે. કાંપિલ એ જૂની કાંપિલ્ય નગરી છે. તે સંભવત: મહાભારત અને રામાયણકાળથી પણ જૂની મનાય છે. વૈયાકરણ પતંજલિરચિત મહાભાષ્યમાં તેનો ઉલ્લેખ મળે છે. ઈ. પૂ. 200–100 સમયગાળાના મથુરાના રાજાઓ અને ક્ષત્રપોના અસંખ્ય સિક્કા જ્યાંથી મળી આવેલા છે તે સાંકિસા પણ જૂની તવારીખ ધરાવે છે. કનોજની જેમ આ સ્થળની પણ ચીની યાત્રી ફાહિયાને 399 અને 414 વચ્ચે મુલાકાત લીધેલી, તેમાંથી ઉલ્લેખ મળે છે કે ત્યાં બૌદ્ધ મઠો હતા, જેના આજે તો અવશેષો પણ મળતા નથી. કનોજનો એક રાજકીય સત્તા તરીકે ઉદય થયેલો. 7મી સદીના સમયમાં ઉત્તર ભારતના ઘણા ભાગો પર તેની આણ વરતાતી હતી. કનોજે સમૃદ્ધિ અને પતન તેમજ સંસ્કૃતિનો ઉદય અને અસ્ત જોયેલાં છે. ત્યાં જુદા જુદા રાજવંશો– મૌખરી, ગુર્જર, પ્રતિહાર, રાષ્ટ્રકૂટ, ચંદેલા અને ગહરવાડ રાજાઓએ રાજ્ય કરેલાં. 1018માં મહમ્મદ ગઝનીએ અહીં વિજય મેળવેલો, પરંતુ ફરીથી ગહરવાડોએ તેનો કબજો લઈ લીધેલો અને 1198 સુધી અહીં રાજ્ય કરેલું. અહીંના છેલ્લા રાજા જયચંદને હરાવીને શાહબુદ્દીન ઘોરીએ આ વિસ્તાર કબજે કરેલો. કનોજ તે પછી દિલ્હીના સુલતાનોના કબજામાં ગયું, જોકે વચ્ચે વચ્ચે રાજપૂતોએ તેના પર શાસન કરેલું. ત્યારબાદ કનોજ મુઘલ સામ્રાજ્યનો એક ભાગ બની રહેલું. કનોજ નજીકના ગંગાના જ સ્થળ પર શેરશાહે હુમાયૂંને હરાવેલો. અકબરના શાસન દરમિયાન, કનોજ 80 પરગણાંનું મુખ્ય મથક બનેલું. ફારૂખાબાદનું શહેર તો મોહમ્મદખાન બંગશે સ્થાપેલું. ત્યારપછીથી ફારૂખાબાદ અહીંના પ્રાંતનું પાટનગર બન્યું. તે પછી અવધના રોહિલ્લા નવાબોએ આ પ્રદેશને અવધમાં ભેળવી દીધેલો.
1801માં અવધના નવાબે આ પ્રદેશ અંગ્રેજોને સોંપી દીધો. 1804–05માં થયેલી લડાઈઓથી આ જિલ્લાની સંપત્તિ બહાર જતી શરૂ થઈ. એમાંથી બળવો ફાટી નીકળ્યો. અંગ્રેજો હચમચી ગયા, કેટલાક અંગ્રેજોને ફતેહગઢમાંથી કાઢી મૂક્યા અને કેટલાકની હત્યા કરવામાં આવી; પરંતુ છેવટે તે અંગ્રેજ શાસન હેઠળ રહ્યો. સ્વતંત્રતા પછી તે એક જિલ્લા તરીકેનો દરજ્જો ભોગવે છે.
શહેર : ફારૂખાબાદ-ફતેહગઢથી બનેલું આ જોડિયું શહેર 27° 24´ ઉ. અ. અને 79° 34´ પૂ. રે. પર કાનપુરથી વાયવ્યમાં આશરે 140 કિમી. અંતરે આવેલું છે. તે ગંગા નદીના પશ્ચિમ કિનારા પર વસેલું છે. બંને શહેર 1714માં સ્થપાયેલાં છે અને બંનેની સંયુક્ત મ્યુનિસિપાલિટી છે.
આ વિસ્તારની સ્થાનિક સ્વતંત્ર સત્તા ભોગવતા મુઘલ સૂબા મોહમ્મદખાન બંગશે 1714માં ફારૂખાબાદ નગર વસાવેલું અને પછીથી મુઘલ સુલતાન ફારૂખશિયરના નામ પરથી તેને ફારૂખાબાદ નામ અપાયું. બાજુમાં જ આવેલું ફતેહગઢ પણ તે જ વર્ષમાં વસેલું છે. અહીં નજીકમાં નવાબના મહેલોનાં તથા ત્યાંના તે વખતના શાસકોના મકબરાઓનાં ખંડિયેરો આવેલાં છે.
અહીંના માર્ગો અને રેલમથક પર વિવિધ ચીજવસ્તુઓ બનાવવાનું કેન્દ્ર વિકસ્યું છે. ફતેહગઢમાં બંદૂકો બનાવવાનું કારખાનું આવેલું છે. કપડાં પરનું છપાઈકામ પણ અહીં થાય છે. આ ઉપરાંત અહીં તંબૂ અને વાસણો પણ બને છે. અહીં આજુબાજુના પ્રદેશની ખેતપેદાશોનું બજાર વિકસ્યું છે. 1857ના બળવા વખતે અહીં ભારે હત્યાકાંડ સર્જાયો હતો. આ શહેરની વસ્તી 2024માં 3,91,000 જ્યારે મેટ્રો શહેરની વસ્તી 4,12,000 જેટલી નોંધાયેલી.
ગિરીશભાઈ પંડ્યા